વાંસદા તાલુકાનાં લિમઝર અને ખંભાલિયા ગામે વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાંથી આપવામાં આવતા ચોખા પ્લાસ્ટિકના હોવાની શંકા વાલીઓમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. પ્રાથમિક શાળામાં અનાજમાં આપવામાં આવેલા ચોખા પૈકી કેટલાક ચોખા પ્લાસ્ટિકના હોવાની ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું હતું. જોકે અંતે મામલતદારે આ ચોખા ફોર્ટીફાઇડ હોવાનું જણાવ્યું હતું. એફએસએસઆઇ (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના નિર્દેશ મુજબ ચોખામાં સૂક્ષ્મ પોષક તત્વોને યોગ્ય માત્રમાં મેળવતા હોય છે, જેને ‘ફોર્ટીફાઈડ ચોખા’ કહેવાય છે.
આ પ્રકારના ચોખામાં ચોખાનો પાવડર, વિટામિન બી-12, ફોલિક એસિડ અને આયર્નને યોગ્ય પ્રમાણમાં મેળવી બનાવવામાં આવે છે. તે ચોખાને સામાન્ય ચોખાના 100 દાણામાં 1 દાણો ફોર્ટીફાઈડ ચોખાનો તે મુજબ ભેળવવામાં આવે છે. આ ચોખા દેખાવમાં જાડા હોવાથી તેમજ તેને રાંધવા દરમિયાન તે ચીકણા થતા હોવાથી અમુક લોકો તેને પ્લાસ્ટિકના ચોખા સમજે છે પરંતુ તેમ હોતુ નથી.
આ ચોખા બાળકોના કુપોષણને દૂર કરવામાં મદદરૂપ થતાં હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી, વાંસદા તાલુકા પુરવઠા અધિકારી, નાયબ મામલતદાર વાંસદા, વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને સસ્તા અનાજની દુકાનના સંચાલકો, ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ થયું
મધ્યાહન ભોજન યોજના હેઠળ ફાળવેલ શાળાના બાળકોને ફાળવેલ ચોખાના જથ્થામાં પ્લાસ્ટિક ચોખા અંગે થયેલ બાળકોના વાલીઓની ફરિયાદ હતી. ગાંધીનગરથી આવેલા એફએસએલના અધિકારીઓના માર્ગદર્શનથી વાલીઓ અને ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ થયું હતું. >કમલેશભાઈ પવાર, એફપીએસ સંચાલક, લિમઝર
પ્લાસ્ટિકના ચોખા પાણી ઉપર તરે છે
દેખાવમાં ચોખ્ખું લાગતું અનાજ ખરેખર ગુણવત્તાવાળું છે કે નહીં તેની ખાતરી આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ, કેમિકલ અને માઈક્રો ટેસ્ટિંગ વિના થઈ શકતી નથી. ભેજ એ અનાજને બગાડતો સૌથી મોટો દુશ્મન છે, અનાજ એગસ્પોટવાળું કે જીવાતવાળું હોય તો એ પાસ થઈ શકતું નથી. આ ઉપરાંત ભળતા અનાજની ભેળસેળ, માટી કે કલર ઉમેરવામાં આવ્યો હોય તો પણ ટેસ્ટમાં પકડાય છે.પ્લાસ્ટિકના ચોખા હોય તો પાણી ઉપર તરે છે, ફોર્ટિફાઇડ ચોખામાં એવું થતું નથી. -હર્ષિલ પટેલ, ફૂડ રિસર્ચ લેબોરેટરી, ગાંધીનગર
ગુણવત્તાસભર ભોજન મળી રહે એવો ઉદ્દેશ્ય
ફૂડ સેફટી એન્ડ સ્ટેન્ડડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિર્દેશન મુજબ ચોખામાં સૂક્ષ્મ પોષક તત્વોને યોગ્ય માત્રામાં મેળવીને બનાવાય છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સિકલસેલ અને એનિમિયા રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તો આ ફોર્ટીફાઇડ ચોખાના કારણે લોકોને યોગ્ય માત્રામાં પોષકતત્વો અને ગુણવત્તાસભર ભોજન મળી રહે એવો ઉદ્દેશ્ય ફોર્ટીફાઇડ ચોખા આપવામાં રહેલો છે.-વિશાલ યાદવ, નવસારી જિલ્લા પુરવઠા અધિકારી
અમારા પ્રશ્નોનું સમાધાન થઈ ચૂક્યું છે
પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અપાયેલ અનાજ જોઈ વાલીઓ અને અમારા મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જેને લઈ અમે રજૂઆત કરી જેને ધ્યાને લઈ ગાંધીનગરથી અધિકારીઓ આવ્યા હતા અને અમારા પ્રશ્નોનું સમાધાન થઈ ચૂક્યું છે. ફોર્ટીફાઇડ ચોખાથી લોકોને ફાયદો થતો હોય તો લોકોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. -અનંતભાઈ પટેલ, ધારાસભ્ય, વાંસદા.
ભ્રામક માન્યતાથી ચેતવાની જરૂર છે
બાળકોને આપવામાં આવતા ચોખા બિલકુલ ફોર્ટીફાઈડ ચોખા છે, પ્લાસ્ટિક ચોખા હોવાની ખોટી અફવા ફેલાઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી કરાયેલા જિલ્લાઓમાં કુપોષિત બાળકોના પોષણ માટે સામાન્ય ચોખામાં ફોર્ટીફાઈડ ચોખા ઉમેરવામાં આવે છે, જે પ્લાસ્ટિક જેવા દેખાય છે પરંતુ એ પ્લાસ્ટિકના ચોખા નથી. ફોર્ટીફાઈડ ચોખામાં વિટામિન ડી3,બી-12,આયર્ન તેમજ વિટામિન-A હોય છે જે સારી ગુણવત્તાના ચોખા છે, જેથી પ્લાસ્ટિકના ચોખા હોવાની ભ્રામક માન્યતાથી ચેતવાની જરૂર છે. લોકોએ જાગૃત થઈ ચોખાનો ઉપયોગ કરવો જોઈએ.-નરેશભાઈ પટેલ, મંત્રી, આદિજાતિ અને અન્નપુરવઠા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.