બેદરકારી:ચઢાવ નજીક કોષખાડી પુલ પર તૂટેલી રેલિંગને કારણે અકસ્માતની ભીતિ

ઉનાઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાઈ-વાંસદા રોડ પર ચઢાવ નજીક આવેલા કોષ ખાડીના પુલની સાઈડ રેલિંગ સમારકામ કરવા બાબતે હાઇવે તંત્ર વામળું પુરવાર થઈ રહ્યું છે. જેના કારણે વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે. વાંસદા તાલુકાના ઉનાઈ-વાંસદા મુખ્યમાર્ગ પર લોકમાતા કોષખાડીના પુલની તેમજ એપ્રોચની રેલિંગ તૂટી ગઈ હોય ત્યારે હાલની સ્થિતિ અકસ્માતને નોતરું આપી રહી હોય ત્યારે આ બાબતે જવાબદાર સલગ્ન તંત્ર ક્યારે ગંભીર બને એ જોવું રહ્યું.

ઉનાઈ પંથકમાંથી પસાર થતા વાપી-શામળાજી હાઇવે પરથી દરરોજ હજારો નાના-મોટા વાહનો આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. આ પુલ વર્ષો પહેલાં રાજા-રજવાડાના સમયમાં બનાવવામાં આવ્યો હોય હાલ જર્જરિત હાલતમાં ઉભો છે. પુલ તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાવાનો ભય ઉભો થયો છે. અગાઉ તંત્ર દ્વારા આ પુલની અનેક વખત મરામત કરવામાં આવી હતી. ઉનાઈ નજીકના ચઢાવ ગામ પાસેથી પસાર થતી કોષ ખાડી પરના પુલની સાઈડ રેલિંગમાં ટ્રક ભટકાયા બાદ રેલિંગ ધરાશાયી થઇ હતી. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તંત્રની બેદરકારીના કારણે આ પુલની ધરાશાયી થયેલી રેલિંગના કારણે રાત્રે વાહન ચાલકો પુલની નીચે ઉતરવાનો ડર અનુભવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુલ પર અકસ્માતમાં ઘણાંના મોત પણ નિપજ્યા છે પરંતુ હજુ સુધી તૂટેલી રેલિંગ રિપેર કરવા બાબતે હાઇવે તંત્રનું ઉણું ઉતર્યુ છે. આ પુલની જર્જરીત સાઈડ રેલિંગ ગમે ત્યારે જવાબ આપી દે તેમ હોવાથી વહેલી તકે રિપેર કરવામાં આવે તે માગ ઉભી થઈ છે.

હાઇવે ઓથોરિટીએ ધ્યાન આપવું જોઇએ
ઘણાં સમયથી ઉનાઈથી વાંસદા સુધીનો વાપી-શામળાજી હાઇવે જર્જરિત હોય તેમજ કાવેરો પુલ તેમજ ખડકાળા જાનકી વન જેવા અસંખ્ય જગ્યાએ રસ્તો જર્જરિત હોય જેના કારણે દ્વિચક્રી વાહન ચાલકોને અકસ્માતો નડ્યા છે. ચઢાવ પુલ પર રેલિંગ તૂટેલી હોવાના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જેની ગંભીર નોંધ હાઇવે ઓથોરિટીએ લેવાની જરૂર જણાય રહી છે. આવનાર દિવસોમાં આ બાબતે યોગ્ય નિરાકરણ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે > રાજુભાઇ પટેલ (નેર), મંત્રી, વાંસદા તાલુકા ભાજપ સંગઠન

અન્ય સમાચારો પણ છે...