પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિરે રવિવારે તેમજ શ્રાવણ માસમાં રોજ ભક્તોની ભીડ ઉમટતી હોય છે. અનેક ભાવિક ભક્તો ઉનાઈ માતાજીમાં ખુબજ આસ્થા ધરાવે છે. મંદિર પરિસરમાં આવેલા ગરમ પાણીના કુંડનું ખુબજ મહત્ત્વ છે. કથા પ્રમાણે આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી કુષ્ટ રોગોનું નિવારણ થાય છે. જેથી દૂર દૂરથી ભક્તો આ કુંડમાં સ્નાન કરવા માટે આવતા હોય છે તેમજ રવિવારે રજામાં એની ભક્તોની ભીડ જોવા મળતી હોય છે.
જેમાં લોકો માનતા પ્રમાણે બાળકોની મુંડનવિધિ કરાવતા હોય છે, જે મુંડનવિધિ બાદ બાળકોને ગરમ પાણીના કુંડમાં સ્નાન કરાવતા હોય છે પરંતુ કોરોના બાદ કુંડ બંધ કરવામાં આવતા અહીં આવનારા ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે.
હાલમાં ઝરા પુન: શરૂ થયા હોય, કુંડ ખુલ્લા મુકાય તો ભક્તોને લાભ મળી શકે
ઘણાં વર્ષોથી ઉનાળા દરમિયાન જળસ્તર નીચા જવાથી ગરમ પાણીના કુંડમાં પાણીના ઝરા બંધ થઈ જતા હોય છે. જેના કારણે ચારથી પાંચ મહિના કુંડ બંધ કરવામાં આવતા હોય છે. જોકે આ વર્ષે ચોમાસા જળસ્તર વધવાથી હાલમાં ગરમ પાણીના ઝરા પુનઃ શરૂ થયા હોય જેથી મંદિર પ્રશાસન દ્વારા ગરમ પાણીના કુંડ ખુલ્લા મુકવામાં આવે તો ભાવિક ભક્તોને તેનો લાભ મળે એમ છે.
લોકહિત માટે જ કુંડ બંધ રખાયા છે
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇ લોકહિત માટે હાલ કુંડ બંધ રાખવામાં આવ્યાં છે. ઝરા પણ હાલમાં જ ચાલુ થયા છે. જોકે વરસાદ નહિવત હોવાના કારણે પાણીના સ્તર નીચા જાય એવી શક્યતા છે. કુંડ ચાલુ કરવામાં આવે તો ભીડભાડ વધુ થાય અગાઉ કોરોના બાદ હાથપગ ધોવા પૂરતા કુંડ ચાલુ કરાયા હતા. સરકારની ગાઈડલાઈન પ્રમાણે સૂચના મળશે એટલે ગરમ પાણીના કુંડ ચાલુ કરીશું. > ડી.જે.ઢીમ્મર, વહીવટદાર, ઉનાઈ મંદિર
વહેલી તકે કુંડ શરૂ કરવામાં આવે એવી લોકમાગ
હાલમાં ઋષિપાંચમ આવી રહી હોય મહારાષ્ટ્ર રાજયથી મોટી સંખ્યામાં ભક્તો ઋષિપાંચમ નિમિતે કુંડમાં સ્નાન કરવા આવતા હોય છે. જો આ વર્ષે પણ કુંડ બંધ રાખવામાં આવશે તો અનેક ભક્તોની લાગણી દુભાય તેમ છે. જેથી વહેલી તકે ગરમ પાણીના કુંડ શરૂ કરાય એવી ભક્તોમાં માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.