વિકાસ ધોવાયો:વાંસદાના કુરેલીયા ગામે કાવેરો નદીના ચેકડેમમાં ભંગાણ

ઉનાઇ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુરેલીયા અને નાનીભમતીના રહીશોને અવર જવર માટે 8 કિમી ચકરાવો લેવો પડે છે

વાંસદા તાલુકાના કુરેલીયા અને નાનીભમતી ગામને જોડતા કાવેરો નદીના ચેકડેમ પર ચોમાસા દરમિયાન પડેલ મસમોટા ભંગાણનું રીપેરીંગ કામ ન થયું હોવાના કારણે ચેકડેમમાં દર વર્ષે ચોમાસાનું પાણી સંગ્રહ ન થતા આ વર્ષે ઉનાળામાં અહીંના સ્થનિકોને પાણી વગર હાડમારી વેઠવાનો પણ વારો આવી રહ્યો છે. તેમજ ચેકડેમમાં ભંગાણ પડવાના કારણે અવર જવર પણ બંધ થઈ જવાના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

આ ચેક ડેમ છેલ્લા બે વર્ષથી તુટી ગયો હોવાથી દર વર્ષે આમાથી પાણી વેડફાઇ જતુ હોવાથી અને ખાસ કરીને આ વિસ્તારના ખેડુત અને પશુપાલકો ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ચેક ડેમ રીપેર કરવાની માંગણી અનેક વખત કરવા છતા તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી. હાલમાં કુરેલીયા ગામના પશુપાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

કુરેલીયાના તાડ ફળિયામાંથી પસાર થતી કાવેરો નદી પર આવેલ લો લેવલ ચેક ડેમ અતિ ભારે વરસાદને કારણે ચોમાસા દરમિયાન પાણીમાં અવારનવાર ગરકાવ થઈ જતો હોય છે, ત્યારે બે વર્ષ પહેલા ચોમાસે આવેલ પુરમાં આ લો લેવલ ચેક ડેમ પાસે ધોવાણ થતા ડેમના ગાબડા નીકળી જતા મસમોટું ભંગાણ સર્જાવા પામ્યું હતું. જેના પગલે ગ્રામજનોએ આ લો લેવલ ચેકડેમના સમારકામ માટે અનેક રજુઆતો કરી પરંતુ પરિણામ શૂન્ય.! હાલમાં ગ્રામજનો નાનીભમતી ગામે આવેલ દૂધ ડેરીમાં જવા માટે 8 થી 10 કી.મી. દૂર સુધીનો લાંબો ફેરો કરવાનો વારો આવ્યો છે. તેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

રજુઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નહિ. હાલમાં લો લેવલ ચેક ડેમ પર સર્જાયેલ ભંગાણ અને તંત્રના અધિકારીઓના નીરસ વલણના પાપે વિસ્તારના ગરીબ આદિવાસી મજુર વર્ગ કે પશુપાલકો ખેડૂતો અને વિદ્યાર્થીઓ પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે અવર-જવરમાં ભારે હાલાકી આ ભંગાણથી અવર-જવર બંધ થઈ જવાને લીધે રૂપિયા અને સમય ખર્ચીને મોટો ચકરાવો લેવો પડી રહ્યો છે. ત્યારે બંને બાજુથી વિખૂટા પડેલા ગામના લોકોની સ્થિતિ દુષ્કર બનવા પામી છે. કાવેરો નદીના ચેકડેમના ભંગાણ થતાંં જ આ વિસ્તારના અનેક ગામો ચોમાસા દરમિયાન સંપર્ક વિહોણા પણ થયાનું ખુલવા પામ્યુ છે.

સિંચાઇ માટે ખેડૂતોને લાભ મળતો નથી
કુરેલીયા અને ભમતીની વચ્ચેથી પસાર થતી કાવેરો નદીનો ચેકડેમમાં મોટું ભંગાણ પડવાથી ચોમાસમાં કાવેરો નદીના ચેકડેમમાં પાણીનો સંગ્રહ થતો નથી. છેલ્લા બે વર્ષથી ચેક ડેમ તુટી ગયો હોવાથી પાણીનો સંગ્રહ થઇ શકતો ન હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે ચેકડેમના પાણીનો લાભ મળતો નથી અને અવર જવર પણ બંધ થઈ જવાના કારણે ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ચેકડેમ યુદ્ધના ધોરણે રીપેર કરવાની સબંધી તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. > પ્રવીણભાઈ પટેલ, સ્થાનિક, કુરેલીયા

અકસ્માતની ઘટના ઘટી પણ હજુ રીપેરીંગ નહીં
કુરેલીયાગામ નજીકથી પસાર થતી કાવેરો નદીના ચેકડેમમાં બે વર્ષ પહેલાં ભારે વરસાદમાં ધોવાણ થતા મસમોટું ભંગાણ સર્જાયું હતું. ચેકડેમ પરથી નાનીભમતી ડેરીમાં દૂધ ભરવા જઈ રહેલ પશુપાલકનો પગ લપસી જતા પાણી વહેણમાં તણાઈ પણ ગયા હતાં. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નહિ સર્જાતા ચમત્કારી બચાવ થયો હતો. જે બાદ અધિકારીઓ ડેમની મુલાકાતે આવ્યા હતા. બે વર્ષનો સમય વીત્યા બાદ પણ ચેકડેમ રીપેરીંગ કરવામાં આવ્યું નથી. જે આ ચોમાસા પહેલા રીપેર કરવામાં આવે એવી અહીંના લોકોની માંગ છે. > રતિલાલભાઈ પટેલ, પશુપાલક, કુરેલીયા

અન્ય સમાચારો પણ છે...