તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન વાયદાના ટ્રેક પર

ઉનાઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાયકવાડી સ્ટેટની આ ટ્રેન કોરોના સંક્રમણને કારણે બંધ કરી દેવાઇ હતી, હવે સંક્રમણ ઘટતા શરૂ કરવા વધી રહેલી લોકમાગ
  • અગાઉ ખોટમાં ચાલતી હોવાની બૂમરાણ ઉઠી હતી, તે પછી તાજેતરમાં જ AC કોચ સાથે અધિકારીઓ દ્વારા ટ્રાયલ કરવામાં આવી હતી

બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ખોટમા ચાલતી હોય બંધ કરવાના નિર્ણય બાદ અનેક વિવાદોના અંતે ટ્રેન હેરિટેજના દરજ્જામાં આવતી હોય રેલવે તંત્ર દ્વારા પુનઃ શરૂ કરવાની વાત વચ્ચે જો ટ્રેન ખોટમાં ચાલતી હોય એવાં AC કોચ શરૂ કરી ટ્રેન શરૂ કરવાની વાતથી લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ ટ્રેન પુનઃ શરૂ થશે કે કેમ એ પ્રશ્ન પેચીદો બન્યો છે.

લોકડાઉન બાદ અગાઉ ખોટમાં ચાલતી હોવાની વાત કરી રેલવે તંત્ર દ્વારા ગાડી બંધ કરવાના નિર્ણય બાદ રાજકીય આગેવાનો તેમજ વલસાડ સાંસદ રજૂઆત તેમજ વાંસદા ધારાસભ્યના ધરણાં પ્રદર્શન બાદ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પુનઃ શરૂ કરવાના વાયદા કરાયા હતા. આ વચ્ચે પશ્ચિમ રેલવે દ્વારા ગાડીમાં 4 AC કોચ શરૂ કરવાના ટ્રાયલ વચ્ચે લોકોમાં આ ગાડી પુનઃ ચાલુ થશે કે કેમ ? એ પ્રશ્ન ઉદભવી રહ્યો છે. ગાડીને પુનઃ શરૂ કરવા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ફરી ધરણા પ્રદર્શન કરશે એવી બીકને કારણે રેલવે તંત્ર માત્ર ગાડીની ટ્રાયલ કરી લોકોને આશ્વાસન આપી રહ્યું હોય એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

કોરોના જેવી વૈશ્વિક મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતા અનેક ટ્રેનો તેમજ વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પણ બંધ કરવામાં આવી હતી. જોકે ગાયકવાડીના સમયની ધરોહર બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ઉનાઈ થી વઘઇ અપડાઉન કરતા આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન છે તેમજ સસ્તું ભાડું અને સરળ મુસાફરીનું એકમાત્ર સાધન આદિવસીઓ માટે આશીર્વાદ સમાન છે. ઉનાઈ થી વઘઇ સુધીની ગાડીની મુસાફરી ખુબજ આહલાદક અને વચ્ચે આવતા ડુંગરો અને જગલોનું સૌંદર્ય ખુબજ રોમાંચક લાગે છે.

ટ્રાયલ લેવા આવેલી ટીમ ધોળીકૂવાથી પરત
આદિવાસી વિસ્તાર હોય લોકો સસ્તી મુસાફરી ઈચ્છતા હોય છે એવામાં પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા ગાડીમાં AC કોચ શરૂ કરવાની વાત લોકોના ગળે ઉતરે તેમ નથી. જોકે ટ્રાયલ રન માટે આવેલી ટીમ ધોળીકૂવાથી પાછી ફરી ગઈ હતી. જેને લઇને ઉનાઇ પંથકમાં ભારે ચર્ચા ઉઠી હતી. જોકે અધિકારીઓ ઉનાઈ વઘઇ સુધી ન આવતા ટ્રાયલ રન સફળ રહ્યો કે નિષ્ફળ કે પછી ગાડી શરૂ કરવાનો વિચાર પડતો મુકાયો જેવા અનેક સવાલો લોકોના મનમાં ઉદભવી રહ્યાં છે.

વલસાડ સાંસદને ટ્રેન ચાલુ કરવા બાહેધરી છતાં..
હાલમાં કોરોનાના કેસો ઘટવાને કારણે સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરી નિયમોનું પાલન કરી ધંધા-રોજગાર તેમજ મોલ, સિનેમાઘરો ખોલવા જણાવાયું હોય એવામાં બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પુનઃ શરૂ કરવામાં રેલવે તંત્ર કેમ વિલંબ કરી રહ્યું છે. જોકે વલસાડ સાંસદ કે.સી.પટેલ દ્વારા રેલવે મંત્રીને રજૂઆત કરી હોય એમના દ્વારા ગાડી પુનઃશરૂ કરવાની બાહેધરી આપવા છતાં આજદિન સુધી નેરોગેજ ટ્રેન પુનઃશરૂ કેમ કરવામાં ન આવી એ બાબત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ટ્રેન ચાલુ નહીં કરાય તો ફરી ઉગ્ર આંદોલન : ધારાસભ્ય
અમારા વિસ્તારના આદિવસીઓની જીવાદોરી સમાન બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ટ્રાયલ માટે આવી હતી ત્યારે એવી ચર્ચા ચાલી હતી કે AC કોચ સાથે ચાલુ કરાશે છતાં પણ ચાલુ કરવામાં આવી નથી. અગાઉ ટ્રેન ચાલુ કરવા માટે અમે ધરણા પ્રદર્શન કર્યું હતું. અમે ફરી આંદોલન નહીં કરીએ એ માટે રેલવે તંત્ર માત્ર દેખાડો કરવા ટ્રેનને ટ્રાયલના નામે રૂટ જોવા આવે છે. હવે ટ્રેન ચાલુ નહીં થાય તો અમે ફરી ઉગ્ર આંદોલન કરીશું. >અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

ગાડી ફરી શરૂ થાય તો જ લોકોને રાહત
AC કોચના ટ્રાયલ માટે ઉનાઈ રેલવે સ્ટેશને ગાડી આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનો દ્વારા એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે હવે ગાડી પુનઃ પાટા પર દોડશે જેથી લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો, પરંતુ ટ્રાયલ રનમાં આવેલ અધિકારી ધોળીકુવાથી પરત ફરી ગયા હોવાનું માલુમ પડતા ગ્રામજનોમાં અનેક પ્રશ્ન ઉદભવી રહ્યા હતા. જોકે ગાડી વહેલી તકે શરૂ થાય એવી લોકમાગ ઉઠી છે. > હરીશભાઈ પટેલ, સ્થાનિક, ઉનાઇ

અન્ય સમાચારો પણ છે...