તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરે લોકલાગણીનો વિજય:ઉનાઈ-ખંભાલિયા સજ્જડ બંધ બાદ મંદિર-કુંડ સંપૂર્ણ ખોલાયા

ઉનાઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાલિયા પંચાયતમાં ધારાસભ્યની આગેવાનીમાં મળેલી બેઠકમાં ગ્રામજનો ઉમટ્યા
  • મંદિરના દ્વાર પાસે બેસી જઇ ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરતા પ્રાંત અધિકારીએ માંગણી ગ્રાહ્ય રાખી મામલો થાળે પાડ્યો

દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરના દ્વાર તેમજ કુંડ કોરોના કાળ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યાં હતા. હાલમાં કોરોનાના કેસો કાબુમાં હોય સરકારની ગાઈડલાઈન પ્રમાણે અનેક મંદિરો ખુલ્લા મુકવામાં આવ્યા હોય પરંતુ પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિરના મુખ્ય દ્વાર સિવાય બીજા ગેટ તેમજ ભાવિક ભક્તોના અસ્થાનું કેન્દ્ર સમાન ગરમ પાણીના કુંડ બંધ રાખતા અનેક ભાવિક ભક્તોએ નારાજગી દર્શાવી હતી.

વહીવટીતંત્ર દ્વારા મંદિરના બે ગેટ ખુલ્લા નહીં મૂકવાને કારણે અનેક ધંધા-રોજગારી મેળવતા સ્થાનિક લોકો તેમજ ભાવિક ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. જેથી ગ્રામજનોએ આ બાબતે અનેકવાર રજૂઆતો કરી હતી છતાં વહીવટીતંત્રનું પેટનું પાણી હાલ્યું નહતું. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ બાબતે પ્રાંત-અધિકારીને આવેદનપત્ર આપી મંદિર સંપૂર્ણપણે ખોલવા જણાવ્યું હતું. જોકે તંત્ર તેમજ મંદિરમાં વહીવટકર્તા પોતાની મનમાની કરી રજૂઆતને ધ્યાને નહીં લેતા ઉનાઈ/ખંભાલિયાના ગ્રામજનો એકજૂથ થઈ બિનરાજકીય રીતે ભેગા થઈ વહીવટીતંત્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા ઉનાઈ/ખંભાલિયા ગામ બુધવારે બંધનું એલાન કરાયું હતું.

જેને લઇ ગ્રામજનોએ બુધવારે સજ્જડ બંધ પાળ્યો હતો. બાદમાં તમામ ગ્રામજનો, આગેવાનો તેમજ ધારાસભ્ય અનંત પટેલ સાથે મળી બિનરાજકીય રીતે ભેગા મળી ખંભાલિયા પંચાયતમા ગ્રામજનો સાથે મિટિંગ યોજી હતી. જેમાં મંદિર વહીવટદાર તેમજ મંદિરમાં કામ કરતા હરીશભાઈને તાત્કાલિક છૂટા કરવામાં આવે તેમજ મંદિરમાં બહારના ટ્રસ્ટીઓની જગ્યાએ ગામના આગેવાનોની ટ્રસ્ટી મંડળમાં નિમણૂંક કરવામાં આવે એવી ગ્રામજનોમાં માંગ ઉઠી હતી. મિટીંગ પુરી થયા બાદ ધારાસભ્ય અનંત પટેલ તેમજ ગ્રામજનો મંદિરના મુખ્ય દ્વાર પાસે બેસી મંદિરના તમામ દ્વાર તેમજ કુંડ ખોલવામાં આવે નહીં તો ગ્રામજનો પ્રતિક ધરણાં કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી.

ઉનાઈ મંદિરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ગ્રામજનો તેમજ ધારાસભ્ય દ્વારા પ્રતિક ધરણાં કરાતા વાંસદા મામલતદાર તેમજ પ્રાંત-અધિકારી ઉનાઈ મંદિરે દોડી આવ્યાં હતા. જોકે બાદમાં વાંસદા પ્રાંત અધિકારીએ ગ્રામજનોની રજૂઆત સાંભળી મામલો થાળે પાડ્યો હતો. ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીના રૂબરૂમાં મંદિરના ગેટ ખુલ્લા મૂક્યાં હતા.

ટ્રસ્ટી મંડળમાં ગ્રામજનોને સામેલ કરો
બિનરાજકીયરીતે ગ્રામજનો ભેગા મળી ઉનાઈ માતાજી મંદિર સંપૂર્ણપણે ખુલ્લું મુકવા માટે ઉનાઈ/ખંભાલિયા સજ્જડ બંધ પાળ્યો હતો. ગ્રામજનોની માંગ પ્રમાણે મંદિરના ટ્રસ્ટી મંડળમાં ગ્રામજનોને સામેલ કરવામાં આવે એવી તમામ ગ્રામજનોની માંગ ઉઠી હતી. જેને લઈને તમામ લોકોએ સહમતિ દર્શાવી હતી.

મંદિર તેમજ કુંડ પુન: બંધ કરાશે તો ફરી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે
ઉનાઈ માતાજી મંદિર તેમજ ગરમ પાણીના કુંડ અનેક લોકોની અસ્થાનું કેન્દ્ર છે. જેથી મંદિર સવારની તેમજ સાંજની આરતી સુધી સંપૂર્ણપણે ખુલ્લું મુકવામાં આવે, ગરમ પાણીના કુંડ નાહવા માટે સંપૂર્ણ ખુલ્લા મુકવા તેમજ મંદિર વહીવટ બાબતે ગ્રામજનોની માંગણી પુરી કરવામાં આવે. જો વહીવટીતંત્ર દ્વારા મંદિર તેમજ કુંડ પુનઃ બંધ કરવામાં આવશે અને ગ્રામજનોની માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો ફરી આંદોલનનો માર્ગ આપનાવીશું. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા

ગ્રામજનોની દરેક માંગણીનું નિરાકરણ કરાશે
મંદિર સંપૂર્ણપણે ખોલવા બાબતે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ ગ્રામજનો સાથે મળીને મિટીંગ કરી હતી. ગ્રામજનોની માંગણી પ્રમાણે મંદિર કોવિડ ગાઈડલાઈન પ્રમાણે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સરકારની ગાઈડલાઈનનો દરેક ગ્રામજનોએ પાલન કરવું તેમજ મંદિર વહીવટ બાબતે ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં લઈ નિરાકરણ કરવામાં આવશે. > રસિકભાઈ ટાંક, ટ્રસ્ટી, ઉનાઈ માતાજી મંદિર

અન્ય સમાચારો પણ છે...