અકસ્માત:ઉનાઇ પેટ્રોલપંપ પાસે અકસ્માત, ટેમ્પો પાછળ બાઈક અથડાતા આધેડનું મોત

ઉનાઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મચાલકે અચાનક બ્રેક મારી ટેમ્પો ઉભો રાખી દેતા દુર્ઘટના સર્જાઇ હતી

ઉનાઈ પેટ્રોલ પંપ નજીક રોડ પર ટેમ્પોની પાછળ બાઈક અથડાતા 50 વર્ષીય આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.ધીરુભાઈ નાયકા (ઉ.વ. 50, રહે. ઉમરવાવદૂર, ડુંગરી ફળિયા) પોતાની સ્પ્લેન્ડર બાઈક લઈને ભીનારથી પરત આવી રહ્યાં હતાં. દરમિયાન ઉનાઈ પેટ્રોલ પંપ નજીક રોડ પર છોટા હાથી ટેમ્પો આગળ ચાલતો હતો જેના ચાલકે અચાનક બ્રેક મારીને ટેમ્પો ઉભો રાખતા પાછળથી બાઈક લઈને આવી રહેલા ધીરૂભાઈ પાછળના ભાગે જોરદાર ધડાકાભેર ભટકાઈ હતી.

બાઈક પર સવાર ધીરૂભાઈ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે મૃત્યુને ભેંટ્યા હતા.અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા ધીરૂભાઈની લાશ વાંસદા કોટેજ હોસ્પિટલમાં પીએમ માટે મોકલાઈ હતી. આ ઘટના અંગેની મૃતક પરિવારના સભ્યોએ ટેમ્પો ચાલક વિરુદ્ધ વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વાંસદા પીએસઆઇ વિરેન્દ્રસિંહ વાઘેલા તપાસ કરી રહ્યા છે.

અકસ્માત અટકાવવા તંત્ર પગલાં લે તે જરૂરી
હાલમાં ઉનાઈ પેટ્રોલ પંપ નજીક રોડ પર પાથરણા પાથરીને શાકભાજી વેચાણ બજાર ને કારણે સવાર સાંજ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. જેના કારણે અનેકવાર અકસ્માતના બનાવ બનવાનો ભય ઉભો થતો હોય છે. હાલમાં રોડ પર ભરાતા બજારને પહેલાની માફક ફરી ઉનાઈ બજારમાં ખસેડવામાં આવે તો રોડ પર અકસ્માતના બનાવો અટકશે જે બાબતે તંત્ર દ્વારા પગલાં ભરવાની જરૂર છે.

તંત્રની ઢીલી નીતિના કારણે દુર્ઘટના ઘટી
નેશનલ હાઈવે નં. 56 પર તંત્રની ઢીલાશને કારણે ધમધમી રહેલા શાકભાજી માર્કેટના કારણે પણ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેમાં વાહનો રસ્તા પર પાર્કિંગના કારણે હાઈવેની બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જેમાં ઉમરવાવદૂરના બાઈક ચાલકનું મૃત્યુ થતા હાલમાં ભયનો માહોલ ઉભો થયો છે, જે બાદ હવે તંત્ર જાગશે કે પછી હજુ પણ બીજા અકસ્માત થવાની રાહ જોઇ લોકોનો ભોગ લેતુ રહેશે તે જોવુ રહ્યું.

અન્ય સમાચારો પણ છે...