ભાવુક અપીલ:તમારા વોટથી જ મોદીનો વટ છે : વડાપ્રધાન

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં વિધાનસભાના ભાજપના ઉમેદવારને જીતાડવા માટે દરેક કાર્યકરને કામે લાગી જવા મોદીની ભાવુક અપીલ

નવસારીમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવા આવેલ વડાપ્રધાન મોદીએ લોકોને પૂછ્યું કે વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો છે, જે કોના કારણે છે તેમ મોદીએ લોકોને પૂછ્યું તો લોકોએ જવાબ આપ્યો..મોદી..મોદી. મોદીએ જવાબ આપતા કહ્યું કે તમે ખોટા છો, મોદી નહીં પણ તમારા એક વોટના કારણે દુનિયામાં ભારત પ્રગતિ કરી રહ્યું છે. 1 વોટની તાકાત શું છે તે તમે જાણતા નથી. ગુજરાતની જનતાએ લોભ લાલચ જૂઠાના વગર મત આપ્યા છે. તે જ મતથી હું મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બન્યો છું. તે તમારા મતની તાકાત છે. મોદીનો વટ તમારા વોટમાં છે.

વોટ છે તો મોદીની વટ છે. મોદીનો વટ હોય ત્યાં હિંદુસ્તાનના દરેક નાગરિકોનો વટ છે તેમ જણાવી નવસારી વિધાનસભાના ચાર બેઠકોના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી હતી. આ ચૂંટણી અમે નથી લડતા ગુજરાતની જનતા લડી રહી છે. ગુજરાતની જનતાએ ભાજપને જીતડવાનો સંકલ્પ લીધો છે. ગુજરાતમાં ભુપેન્દ્ર અને સી.આર. સારી કામગીરી કરી રહ્યા છે. ડબલ એન્જીનની સરકાર આપના મતથી જ ચાલી રહી છે. ગુજરાતમાં પહેલા હુલ્લડ, કરફ્યૂ, તોફાનો થતા તેમાં અમારી સરકાર આવ્યા બાદ આવી કોઈ મુશ્કેલી સર્જાઇ નથી.

જનધન ખાતા, મુદ્રા યોજના, ખેડૂતોના ખાતામાં સન્માન નિધિ, લોકોને પાકા ઘર, લારીગલ્લા, શાકભાજીવાળાઓને સ્વનિધિ યોજના થકી લાખો લોકોને લાભ મળ્યો છે. આદિવાસી વિસ્તારમાં વિકાસ કર્યો છે, પાકી સડકો બની છે, ઘર ઘરમાં જળ આપ્યું છે, કુપોષણ ઉપર પ્રોજેકટ કરી લાખો બાળકોને તંદુરસ્ત કર્યા છે, ધુમાડો ન લાગે તે માટે ઉજાલા ગેસ, શૌચાલય બનાવ્યા, માતા બહેનોએ પણ આશિષ આપ્યા છે. સેટેલાઇટ દ્વારા માછીમારને માછલી પકડે તે માટે મદદ,ડીઝલ સબસિડી ખાતામાં જમા થાય છે.

ફૂડ પ્રોસેસીસ દ્વારા ખેડૂતોના ફળ સડી નહીં જાય તે માટે સરકારે ગોડાઉન બનાવવાની કાર્યવાહી કરી છે. ધોલાઈ બંદરોનો વિકાસ પણ થઈ રહ્યો છે. વલસાડમાં કનકપુરમાં સી ફૂડ ફાર્મ, કિસાન ક્રેડિટ કાર્ડની મદદ આપી છે. મતદાન કરવા જાઓ ત્યારે તીર્થધામ કહી મતદાર લોકશાહીનો રક્ષક કહેવાય છે. આ કાર્યક્રમમાં સાંસદ સી.આર.પાટીલ અને વિધાનસભાના ચારેય ઉમેદવાર હાજર રહ્યા હતા.

નવસારીના ચીકુ દિલ્હીવાળા ખાય છે અને ગાળો પણ આપે છે
નવસારીના ખેડૂતોના ચીકુ ટ્રેન મારફતે દિલ્હી સુધી જાય છે. એ પણ યોગ્ય સમયમાં જાય છે. ખેડૂતોને નફો મળતો થયો છે. ફૂડ પ્રોસેસીસ માટે સરકાર કામ કરી રહી છે. આ ચીકુ દિલ્હી જાય છે, ખાય છે અને કેટલાક પાછા ગાળ પણ આપે છે.
કાળા કપડાવાળાઓને નો એન્ટ્રી, ચંપલ પણ કઢાવ્યા
નવસારીમાં વડાપ્રધાન ની સભામાં કડક સિક્યોરિટી જોવા મળી હતી. જેમાં સભામાં જવા માટે કાળા વસ્ત્રો પહેરતા લોકો જેમાં બાળકોનો પણ સમાવેશ થાય તેમને પ્રવેશવા દીધા ન હતા. તો કેટલીક બહેનોને ચંપલ ઉતારીને સભામાં જવા દીધી હતી. આ બાબતે કેટલીક બહેનોએ વિરોધ પણ કર્યો હોવાની માહિતી મળી છે.

બિરસા મુંડાને યાદ કરવા પડ્યા
વડાપ્રધાને આદિવાસી ભગવાન બિરસા મુંડાને યાદ કરી જણાવ્યું કે સરકારે આદિવાસીઓના યોગદાન માટે 15મી નવેમ્બરને આદિવાસી હક દિન તરીકે જાહેર કર્યો હતો. માનગઢમાં હજારો આદિવાસી સમાજના લોકો શહીદ થતા તે ભૂમિને વંદન કરી આવ્યો છું. મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇને આદિવાસી માતાના સંતાન સરકારને માર્ગદર્શન આપી રહ્યો તેમ યાદ કરી સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો પુરુષાર્થ કરી આદિવાસી સમાજને યાદ કર્યા હતા.

ભાષણમાં વડાપ્રધાનની જીભ લથડી..
નવસારીમાં સાંજે 4.10 વાગ્યા થી વડાપ્રધાન મોદીએ ભાષણ કર્યું હતું. જેમાં ઘણીવાર સરકારી યોજનાની માહિતી આપતા હતા ત્યારે જીભ લથડી હતી. જેના કારણે એક મુદ્દો પૂરો થાય તે પહેલાં બીજા મુદ્દા પર આવી જતા લોકો તેમની અપીલ પૂરી સમજી શક્યા ન હતા. એક કલાકમાં 5થી વધુ વાર વડાપ્રધાનની જીભ લથડી હતી.

સભામાં શહેરીજનોની હાજરી પાંખી, ગ્રામજનોની વધુ
નવસારીમાં ભાજપના ઉમેદવાર વધુ લીડથી જીત્યા હતા. તેમાં લોકોનો ફાળો બહુ મોટો હતો પણ સભામાં અન્ય તાલુકામાંથી આવેલ લોકોની સંખ્યા વધુ હતી. સ્થાનિકોની ગેરહાજરી હતી. તો આસપાસ આવેલી સોસાયટીના લોકો પોતાના બાળકોને લઈ સભામાં આવ્યા હતા.

દાંડીમાં આવેલા સત્યાગ્રહ મેમોરિયલને યાદ કર્યું
જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી ગાંધીજીના દાંડીયાત્રાની સ્મરણ માટે નમક સત્યાગ્રહની યાદગીરી માટે સાબરમતીથી દાંડી માર્ગ ઉપર રસ્તા બનાવ્યા. દાંડીમાં મેમોરિયલ બનાવ્યું તે લોકો માટે તીર્થ છે. દાંડીમાં હજારો લોકો આવે ત્યારે આસપાસના ગામોના લોકોને રોજીરોટી પણ મળી છે. સરદારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું. કોંગ્રેસે તેમને ભુલાવી દીધા હતા.

અદ્યતન ટેકનોલોજીથી પકડેલ માછલી ડાયરેકટ ડ્રોન દ્વારા બજારમાં જાય
સરકાર દ્વારા ફિશિંગ ઉપર એક એવા પ્રોજેકટ પર કામ કરવાના છે કે માછીમારો દ્વારા પકડેલ 50 કિગ્રા જેટલી માછલીઓ ડ્રોન વડે ડાયરેકટ બજારમાં આવે તેવા ડ્રોન ઉડાડવાની નવી ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યા છે તેમ પણ વડાપ્રધાને જણાવ્યું હતું.

ભાષણમાં વધુ મતદાન કરવાની અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સમગ્ર ભાષણ દરમિયાન વધુ મતદાન કરવા પર વધુ ભાર આપ્યો હતો અને લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. આ વખતે ગુજરાત જુના બધા રેકોર્ડ તોડશે. લોકતંત્રનો જય જયકાર કરવાનો છે અને લોકતંત્રનો જય જયકાર ત્યારે જ થશે જ્યારે એક એક મતદાર મત આપવા માટે નિકળે. આ લોકતંત્રની સાચી સેવા છે. આ વખતે ગુજરાત રેકોર્ડ મતદાન કરે. અનેક બુથ એવા નિકળે જ્યાં 100 ટકા મત પડ્યા હોય. નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે મત આપવો જોઇએ. જે માટે વડાપ્રધાન મોદીએ સ્ટેજ ઉપરથી અંગત અપીલ કરી વધુ મતદાન કરાવવા જણાવ્યું હતું.

સાંસદને નવસારીની દીકરી નહીં શ્રદ્ધા યાદ આવી
નવસારીના સાંસદ સી આર પાટીલે હાલમાં જ બનેલી શ્રદ્ધાના 35 ટુકડાની ઘટના મામલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. જોકે ગત દિવાળી વખતે નવસારીની યુવતીના ફાંસો ખાધેલી હાલતમાં મળેલ મૃતદેહ મામલે એક વર્ષ વિત્યા બાદ પણ તપાસ આગળ વઘી હોય તેમ લાગતું નથી. તે સમયે ગૃહ મંત્રી હર્ષ સંધવીએ જલ્દીથી જલ્દી તપાસ કરી યુવતીના પરિવારને ન્યાય અપાવવાની સાંત્વના આપી હતી. આ મામલે સી આર પાટીલે આજ સુધી પરિવાર સાથે કોઇ મુલાકાત પણ નથી કરી કે સાંત્વના પણ નથી આપી. જેને લઇને નવસારી વિભાગમાં પણ ચર્ચાને સ્થાન મળ્યું છે.

વિવિધ કટઆઉટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા
નવસારીમાં વડાપ્રધાનની સભામાં મોદીના માસ્ક, સરદારના ફોટા સામે મોદીનો ફોટો, ભાજપના કમળના સિમ્બોલ, ટોપી, મફલર તમામ કેસરી રંગના હોય લોકોએ ધારણ કરતા તે સભામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જોકે, સભા પૂરી થયા બાદ ઘણા લોકો યાદગીરી રૂપે ઘરે લઇ ગયા હતા.

વડાપ્રધાને કર્યા સાંસદના વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી ખાતે પોતાની સભામાં નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વખાણ કર્યા હતા. તેમણે સી આર પાટીલને અભિનંદન આપ્યા અને સંવેદનશીલ નેતા ગણાવ્યા. પીએમએ કહ્યું કે, સી આરએ એક સામાન્ય નાગરિક તરીકે ગરીબોના બાળકના રખેવાળ બની ગુજરાત ભરમાંથી કુપોષિત બાળકોને શોધી લોકોને આ અભિયાનમાં જોડીને પોષણ કીટ બનાવી, મફતમાં દૂધની વ્યવસ્થા કરી. ગુજરાતમાંથી લાખો બાળકો કુપોષણ માંથી બહાર નિકળે તેનું બિડું ઉઠાવ્યું છે અને કામ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...