રશિયા અને યુક્રેન વચ્ચે હાલ યુદ્વ ચાલી રહ્યુ છે. જેથી ત્યા અભ્યાસ કરતા અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. જેઓને સરકાર દ્વારા ઓપરેશન ગંગા હાથ ધરી વતનમાં પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાય વિદ્યાર્થીઓ ભારતમાં પરત ફર્યા છે. જોકે, હજુ પણ કેટલાય વિદ્યાર્થીઓ ત્યા ફસાયેલા છે. ત્યારે નવસારીના જલાલપોરમાં સાંસદ સી.આર.પાટીલ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્વઘાટન કરવા આવ્યા હતા તે દરમિયાન બે મહિલાઓએ સી.આર.પાટીલને લેખિતમાં આવેદન પત્ર આપીને તેમના પુત્રોને યુક્રેનથી હેમખેમ વતન પરત લાવવા વિનંતી કરી હતી.
યુક્રેનમાંથી અનેક ભારતીય વિદ્યાર્થીઓ ઘરે સુરક્ષિત પાછા આવ્યા છે તો હજી અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. કેટલાક વિદ્યાર્થીઓ ખાધા-પીધા વગર અનેક કિલોમીટર ચાલીને પોલેન્ડ સહિતની અન્ય બોર્ડર પર પહોંચીને ભારત પરત આવવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લાના સાંસદ સી.આર.પાટીલ જલાલપોરમાં આજે ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ધઘાટનમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન બે મહિલાઓએ લેખિતમાં આવેદન આપીને સી.આર. પાટીલને અરજ કરી હતી કે, યુક્રેનમાં ફસાયેલા તેમના દીકરાઓને હેમખેમ તેઓ પરત લઈ આવે. તેમને ત્યાં પાણી તેમજ જમવાની સુવિધા ન હોવાની વાત પણ કહી હતી.
સાંસદ સી.આર.પાટીલે પણ મહિલાઓને તેમના દીકરાઓ સુરક્ષિત પરત ફરશે તેવી હૈયાધારણા આપી હતી. મહિલાઓ પોતાની રજૂઆત કરતી વખતે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા અને ડૂમો બાઝી ગયો હતો. હજી અનેક એવા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે જેઓ ભારતથી શિક્ષણ મેળવવા માટે ગયા હતા. ભારતના એમ્બેસીના અધિકારીઓ વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓ સુરક્ષિત ઘરે પહોંચે તે માટે પણ પ્રયત્નશીલ બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.