નારી સુરક્ષા:મહિલાઓ શોષણ કે ઘરેલું હિંસાથી મુકત થાય, નવસારીમાં નારી વંદન ઉત્સવ જાગૃતિ સેમિનારમાં બાળ અિધકારી ઉવાચ્

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, નવસારી આયોજીત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલું હિંસા અધિનિયમ-2005 અન્વયે જાગૃતિ સેમિનાર દિનશા દાબૂ લો કોલેજ નવસારી ખાતે આજે યોજાયો હતો. આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી બી.જે.ગામીતે જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં મહિલાઓનું મોટુ યોગદાન રહ્યું છે. આપણા સમાજની અંદર શોષણનો ભોગ બનતી મહિલાઓ આગળ આવે અને શોષણ કે ઘરેલું હિંસાથી મુકત થવું જોઇએ. નારી ખૂબ જ સહનશીલતા ધરાવે છે.

પરંતુ મર્યાદામાં રહીને શોષણ ન થાય તેની કાળજી રાખવા જણાવ્યું હતું. મહિલાઓ માટે ઘણા કાયદાઓ પણ બન્યા છે. જેની જાણકારી મેળવવી જોઇએ. સરકાર મહિલાઓ આગળ આવે તે માટે અથાક પ્રયત્ન કરી રહી છે. મહિલાઓની અંદર છુપાયેલી શકિતઓને બહાર લાવવા સરકાર આવા કાર્યક્રમો કરી રહી છે. જેનો લાભ દરેક મહિલાઓએ લેવા જોઇએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજથી નારી વંદન ઉત્સવનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ થકી મહિલાઓને સ્વાભિમાન બનાવી, સશકત બનાવવા અનુરોધ કર્યો હતો. જયાં જયાં નારી પૂજાય છે ત્યાં ત્યાં ભગવાનનો વાસ છે. હવે દરેક મહિલાઓ પુરુષ સમોવડી બની છે.

મહિલાઓને સુરક્ષા માટે કોઇ તકલીફ હોય તો પોલીસ 100 અને 181 મહિલા હેલ્પલાઇન અભયમ ટીમનો સંર્પક કરવા જણાવ્યું હતું. સેમિનાર દરમિયાન કાનુની સેવા સત્તામંડળના પસાભાઇ દ્વારા કાયદાકીય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. એવોકેટ પ્રદિપભાઇ અને રશ્મિબેન દ્વારા ઘરેલું હિંસાથી મહિલા રક્ષણ અધિનિયમ-2005 વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ‘સખી’ વન સ્ટોપ સેન્ટર’ ના કેન્દ્ર સંચાલક હર્ષિદાબેન દ્વારા નારી સંરક્ષણ કેન્દ્રની યોજનાકીય વિગતો આપવામાં આવી હતી.

મહિલા કલ્યાણ અધિકારી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના, મહિલા સ્વવલંબન યોજના, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે દાબુ લો કોલેજના પ્રિન્સીપાલ ડૉ. સેહનાઝ બિલીમોરિયા, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર કરિશ્માબેન, દાબુ લો કોલેજના અધ્યાપિકા નિલાબેન, બિન્દીયાબેન તેમજ પ્રાધ્યાપક આશિષ બારોટ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...