નવસારી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં આજે કોરોનાના નવા 278 કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1197 થઈ છે. તેમજ આજે 157 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોના દિવસે દિવસે પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. જેને કાબુમાં લાવવા માટે આરોગ્ય તંત્ર દિવસ-રાત એક કરીને વેક્સિનેશનની પ્રક્રિયા પુરજોશમાં શરૂ કરી છે. તો સાથે જ વહીવટી તંત્રએ પણ કોઈપણ જાતની તકેદારીમાં ચુક ના આવે તેની કાળજી લઈને કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર બનાવ્યા છે ત્યારે શહેરીજનોની પણ ફરજ બને છે કે તેઓ તમામ નિયમોનું પાલન કરે જેથી સંક્રમણમાં ઘટાડો થાય. નવસારી જિલ્લામાં પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ 1725 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે. ત્યારે આવી ચિંતાજનક સ્થિતિમાં પણ રિકવરી રેટ મહત્તમ રહ્યો છે અને એકલદોકલ મૃત્યુ નોંધાઈ રહ્યા છે. નવસારીમાં આવેલી સબજેલમાં પણ કોરોના સંક્રમણ ફેલાયું છે જેમાં ચાર જેટલા કેદીઓ હાલમાં સિવિલમાં કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. સાથે જ 41 જેટલા કેદીઓને પેરોલ પર છોડવામાં આવ્યા છે જેથી હાલમાં નવસારી સબજેલમાં 321 કેદીઓ હાલમાં સજા ભોગવી રહ્યા છે.
નવસારી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ RT-PCR ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધી નવસારી જિલ્લામાં 1725 જેટલા કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે. જોકે, મોટાભાગના દર્દીઓ સાજા પણ થયા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જાન્યુઆરી પહેલા રોજ 600 જેટલા RT-PCR ટેસ્ટ કરવામાં આવતા હતા, તેના સ્થાને હવે પ્રતિદિન 2100 જેટલા RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં નવસારી જિલ્લામાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા ન હતિ. જેથી દર્દીઓના સેમ્પલને સુરત મોકલવામાં આવતા હતા, પરંતુ બીજી લહેર બાદ જિલ્લા વહીવટી તંત્રે નવસારી સિવિલ હોસ્પિટલમાં એક RT-PCR લેબની શરૂઆત કરી હતી. જેને લઈને દર્દીઓને 24 કલાકની અંદર રિપોર્ટ મળતા થયા હતા પણ આ સેવામાં હવે વધુ ત્રણ લેબ ઉમેરાય છે જેમાં ચીખલી, વાંસદા અને બીલીમોરા ખાતે સાંસદ સીઆર પાટીલે ત્રણ દિવસ પહેલા નવી લેબનું ઉદઘાટન કરતાં સિવિલમાં કાર્યરત RT-PCR લેબના કામનું ભારણ ઘટશે.
જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે કોમ્યુનિટી આએસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જોકે, મોટા ભાગના દર્દીઓ ઘરે જ સારવાર લઇને સાજા થતા હોય સેન્ટરમાં તકેદારીના ભાગરૂપે ઉભા કરવામાં આવ્યા છે.
જિલ્લામાં જો કોરોના કેસની સંખ્યા આ જ ગતિથી વધી રહી તો RTPCR ટેસ્ટની સંખ્યા પણ વધી શકે છે. જેને માટે જિલ્લા વહીવટી તંત્ર એ હવે કુલ ચાર ટેસ્ટ લેબની શરૂઆત કરી છે જે આગામી સમયમાં રિપોર્ટ વહેલો મેળવવામાં કારગર સાબિત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.