વતનમાં વડાપ્રધાન:અમે ચૂંટણી જીતવા નહીં, લોકોનું ભલું કરવા આવ્યા છીએ, ચૂંટણી તો લોકોના આશીર્વાદથી જીતીએ છીએઃ PM નરેન્દ્ર મોદી

નવસારી17 દિવસ પહેલા
  • નવસારી જિલ્લાનાં 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાનની ગુજરાતની યાત્રાઓ વધવા લાગી છે. આજે પીએમ મોદી નવસારીના ખુડવેલમાં જાહેરસભાને સંબોધી હતી અને અહીંથી જ નવસારી જિલ્લાનાં 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણી આવી એટલે કામ થાય એવું નથી, આ ચુનૌતી છે, એક અઠવાડિયું એવું શોધી લાવો કે જ્યારે વિકાસનું કોઇ કામ ન કર્યું હોય. અમારા માટે સત્તામાં બેસવું એ સેવાનો અવસર છે.નવસારીની મુલાકાત દરમિયાન વડાપ્રધાને તેમના શિક્ષક સાથે પણ મુલાકાત કરી હતી. જેની તસવીર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી હતી.

ભૂતકાળની યાદોમાં પહોંચી ગયા પીએમ મોદી
પોતાની જૂની યાદો વાગોળતાં તેમણે કહ્યું હતું કે લાંબા સમય બાદ ચીખલી આવ્યો છું. જૂની યાદો તાજી થઈ છે. એ દિવસે મારી પાસે અહી આવવા કોઈ સાધન ન હતું. બસમાંથી ઊતરીને ખભે થેલો લટકાવીને આવતો હતો. અહી અનેક વર્ષો રહ્યો, પણ મને ક્યારેય ભૂખ્યા રહેવાની નોબત નથી આવી. તમારા આશીર્વાદ એ મારી શક્તિ છે. આદિવાસી બહેનો વચ્ચે કામ કરવાના અવસર મળ્યા. એના કરતાં વધુ તેમની પાસેથી હું શીખ્યો. સુઘળતા, સ્વચ્છતા, અનુશાસન...અહીં આદિવાસીઓ એક લાઈનમાં એકબીજાની પાછળ ચાલતા હોય છે. આ તેમની જીવનરચના છે. આદિવાસી સમાજ સામુદાયિક જીવન, પર્યાવરણને રક્ષા કરનારો સમાજ છે. નવસારીમાં વડાપ્રધાને તેમના શિક્ષક સાથે પણ મુલાકાત કરી હોવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી હતી.

અગાઉના આદિવાસી સીએમને વડાપ્રધાને આડે હાથે લીધા
વડાપ્રધાને અગાઉના તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાનનો કિસ્સો ટાંકતાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં આ જ વિસ્તારના એક એવા મુખ્યમંત્રી હતા, જેમના પોતાના ગામમાં પાણીની ટાંકી ન હતી. હેન્ડપંપ લગાવે તો બાર મહિને બગડી જાય. હું આવ્યો અને તેમના ગામમાં મેં ટાંકી બનાવી. એક જમાનામાં ગુજરાતના મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની ટાંકીનું ઉદઘાટન કર્યું હતું અને ગુજરાતના છાપામાં પહેલા પાના પર મોટા સમાચાર છપાયા હતા. એ દિવસો ગુજરાતે જોયા છે. આજે મને ગર્વ થાય છે કે હું આદિવાસી વિસ્તારમાં 3000 કરોડના કામનું ઉદઘાટન કરું છું. મને સરકારમાં 22થી વધુ વર્ષ થયાં, પણ એક અઠવાડિયું બતાવો કે મેં વિકાસનું કોઈ કામ ન કર્યું હોય. 2018માં હું આવ્યો હતો ત્યારે લોકોએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી માટે આંબા આંબલી બતાવે છે. આજે તેઓ ખોટા પડ્યા છે. નેવા અને મોભા વચ્ચે 3-4 ફૂટનો ઢાળ હોય છે. આ તો 200 માળનો પહાડ ચઢીને તળિયેથી પાણી ઊંચકીને ટોચ પર લઈ જવાનું. અમે ચૂંટણી માટે નહિ, પણ ભલું કરવા માટે નીકળ્યા છીએ. ચૂંટણી તો અમને લોકો જિતાડતા હોય છે.

આદિવાસીઓનુ જીવન પાણીદાર બનાવવું છે: નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ગૌરવ સભા સંબોધતાં જણાવ્યું હતું કે અહીંના લોકોનું જીવન પાણીદાર બનાવવું છે. આપણા બાપ-દાદાએ પાણી વગર મુસીબતમાં જીવન પસાર કર્યું હતું. હવે મારે નવી પેઢીને આવી રીતે જીવવા નથી દેવા. તેમની જિંદગી સુખેથી નીકળવી જોઈએ. ઉમરગામથી આગળ આદિવાસી, ઓબીસી સમાજ રહે. અહીં પણ તેજસ્વી બાળકો પેદા થતાં હોય છે. ત્યાં એકપણ વિજ્ઞાનની શાળા ન હતી. આજે આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન શાળાથી મેં શરૂ કરેલું કામ મેડિકલ કોલેજો સુધી પહોંચ્યું છે. પ્રગતિ કરવી હોય તો જંગલમાં પણ જવું પડ્યું છે. લાખો લોકોનું જીવન બદલવાનો અમારી નેમ છે. ડાંગ જિલ્લાએ કુદરતી ખેતી માટે જે બીડું ઉપાડ્યું છે, એના માટે અભિનંદન આપું છું. આદિવાસી-પછાત-હળપતિના દીકરાએ હવે ડોક્ટર થવું હોય તો, હવે અંગ્રેજી ભણવાની જરૂર નથી. હવે અમે માતૃભાષામાં તેમને ડોક્ટર બનાવીએ છીએ. અબ્દુલ કલામે પણ આદિવાસીઓના વાડી પ્રોજેક્ટનાં ભરપેટ વખાણ કર્યા હતા. વિકાસ સર્વસ્પર્શી હોય એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. આજનું દૃશ્ય જ તમારી માટે કામ કરવાની તાકાત આપે છે. આ તાકાતથી ગુજરાત અને હિન્દુસ્તાનને આગળ લઈ જવાનું છે.

ડાંગ સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યોઃ સીએમ
સી.એમ. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ ઘરઆંગણે સરકારે આપ્યું છે, દર વર્ષે અંદાજે 16 લાખ આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રિક, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બેંક ખાતામાં આપવામાં આવે છે. ઇન્વેન્ટરી યોજનામાં 2000થી વધુ પ્રાથમિક શાળાના 18 જેટલા ક્લાસરૂમ પ્રોજેક્ટ છે અને વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે તથા તેમને મુશ્કેલી ન પડે એ પણ સુનિશ્ચિત કર્યું છે. વડાપ્રધાન ગુજરાત ગૌરવ ઉદ્યાનમાં આપનું માર્ગદર્શન કરવા પધાર્યા છે ત્યારે ગુજરાતને પ્રાકૃતિક ખેતીમાં વધુ ઊંચાઈએ લઈ જવા આપણે તેમને ખાતરી આપીએ છીએ. ડાંગ સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે, એમાંથી પ્રેરણા લઇ સમગ્ર રાજ્યના લોકોનો વિશ્વાસ અને ધરતીમાતાની ગુણવત્તા સુધારવા અન્ય વિસ્તારો પણ આ પ્રાકૃતિક ખેતી અપનાવે એવો સંકલ્પ આપણે કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આજે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુખાકારીનાં કામોનો વિકાસ ગુજરાતની આત્મનિર્ભર અને નવી દિશા આપણને આપશે.

ખુડવેલ ખાતે સીઆર પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાને દરેક વ્યક્તિની ચિંતા કરી છે. કોરોનાકાળમાં એકપણ વ્યક્તિ ભૂખે સૂતી નથી. વડાપ્રધાને દરેકને મફતમાં કોરોના વેક્સિન આપી છે. વડાપ્રધાને જનતાને ઘણી યોજનાઓ આપી છે.

મોદીએ 3 હજાર કરોડથી વધુનાં કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું છે. નારાજ આદિવાસી સમાજને રીઝવવા માટે આજે મોદી નવસારીની મુલાકાતે આવી રહ્યા છે. અંબાજીથી ઉંમરગામ સુધી વિધાનસભાની મહત્ત્વની 20 આદિવાસી સીટ મતોનું ધ્રુવીકરણ ન થાય એ માટે ભાજપે PMને મેદાનમાં ઊતરીને માસ્ટરસ્ટ્રોક માર્યો છે. મોદીના નવસારીના કાર્યક્રમને લઈ અત્યારથી જ લોકો આવી પહોંચ્યા છે.

સુરત એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયું.
સુરત એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયું.

કઈ કઈ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
આજે ખુડવેલથી વડાપ્રધાન દ્વારા નવસારી જિલ્લાની કુલ 2151 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. 1510 કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની 98 કરોડ, આરોગ્ય વિભાગની 542 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કર્યું. લોકાર્પણની વાત કરવામાં આવે તો 901 કરોડનાં કામોનું લોકાર્પણ કર્યું હતું, જેમાં 749 કરોડની પાણીની યોજના, 85 કરોડ ઊર્જા, 46 કરોડ માર્ગ મકાન, અને 20 કરોડના શહેરી વિકાસનાં કામોનું લોકાર્પણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...