મેદાનમાં મેડમજી:નવસારીની વાંસદા બેઠક પર પતિદેવને જીત અપાવવા પત્નીએ પ્રચારની કમાન સંભાળી, મહિલા મતદારોને આકર્ષવાનો કરી રહ્યા છે પ્રયાસ

નવસારી7 દિવસ પહેલા

નવસારી જિલ્લાની વાંસદા બેઠક જીતવા માટે ભાજપે ખાસ રણનીતિ બનાવી છે તો કૉંગ્રેસ પણ આ બેઠક ટકાવી રાખવા માટે ખાસ રણનીતિથી કામ કરી રહી છે. અહીંના સીટીંગ ધારાસભ્ય અનંત પટેલને કૉંગ્રેસે રિપિટ કર્યા છે. ત્યારે અનંત પટેલની સાથે તેમના પત્ની વૈશાલી પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યા છે. પતિ અને પત્ની અલગ અલગ કાર્યકર્તાઓ સાથે અલગ અલગ વિસ્તારમાં પ્રચારની ધૂરા સંભાળી રહ્યા છે. વાંસદા બેઠક પર મહિલા મતદારોની સંખ્યા વધુ હોય વૈશાલી પટેલ તેઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઘરની જવાબદારી સાથે પતિના પ્રચારની જવાબદારી પણ સંભાળે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ નવસારી જિલ્લામાં મતદાન યોજાવાનું છે. ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વૈશાલી પટેલ સમયનો વેડફાટ કર્યા વગર જેટલો પણ સમય મળે તેનો વધુને વધુ મતદારો સુધી પહોંચવા માટે પ્રયાસ કરે છે. વૈશાલી પટેલ સવારે ઘરના કામ પૂર્ણ કરી ટિફિન લઈને જ પ્રચાર માટે નીકળી જાય છે. કૉંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ સાથે ગામડે ગામડે જઈ પતિ અનંત પટેલને જીતાડવા માટે અપીલ કરે છે.

મોંઘવારીને લઈ મહિલાઓને આકર્ષવાનો પ્રયાસ
મોંઘવારીની સૌથી વધુ અસર મહિલાઓના બજેટ પર પડતી હોય છે. નવસારીની વાંસદા બેઠક પર પુરુષ મતદારોની સરખામણીએ મહિલા મતદારોની સંખ્યા વધુ હોય વૈશાલી પટેલે અહીં મોંઘવારીના મુદ્દો ઉઠાવી રહ્યા છે. પતિ માટે પ્રચાર કરી રહેલા વૈશાલી પટેલે કહ્યું હતું કે, હું સવારે ઘરનું કામ પૂર્ણ કરી અન્ય બહેનો સાથે ટિફિન લઈને નીકળી જઈએ છીએ. અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ અને અનંત પટેલને મત આપવા માટે અપીલ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...