અંગત અદાવતમાં હુમલો:'કેમ તું મારી પત્ની સાથે આડાસંબંધ રાખે છે?' તેમ કહી બીલીમોરામાં ભાજપના પ્રમુખ પર હુમલો

નવસારીએક મહિનો પહેલા

બીલીમોરામાં પત્ની સાથેના પ્રેમસંબંધ હોવાના વહેમમાં પતિએ ગણદેવી યુવા ભાજપ મોરચાના પ્રમુખ ઉપર ચપ્પુથી હુમલો કરતા ચકચાર મચી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રમુખને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ભાગી ગયેલાં હુમલાખોરને 2 દિવસ બાદ પણ પોલીસ શોધી શકી નથી.

શખ્સે પાઠ ભણાવવાનું નક્કી કર્યુ હતુ
બીલીમોરાના પશ્ચિમ વિસ્તારમાં રહેતા શખ્સને મનમાં વહેમ હતો કે, તેની પત્નીની સાથે એક જ કોલજમાં ભણતા ગણદેવીના ભાજપના યુવા મોરચાના પ્રમુખ સાથે અફેરની શંકા હતી. આ બાબતે તેના મનમાં ભારે રોષની લાગણી જન્મી હતી. તેને પાઠ ભણાવવાનું નક્કી કરીને શખ્સે સોમવારે સાંજે ભાજપના યુવા મોરચાના પ્રમુખને મોબાઈલ પર ફોન કર્યો હતો અને 'કેમ તું મારી પત્ની સાથે આડાસંબંધ રાખે છે?' એવું કહીને વધુ વાતચીત કરવા માટે તેને બીલીમોરા બોલાવ્યા હતા.

પ્રમુખને લોહીલુહાણ કરીતો માર માર્યો
ગણદેવી ભાજપ યુવા મોરચાનો પ્રમુખ પોતાની બાઈક પર સવાર થઈ ગણદેવીથી બીલીમોરાના ગૌહરબાગ કોલેજ પાસે આવેલા પેટ્રોલપંપ પાસે પહોંચી જઈ શખ્સને જણાવ્યું કે, 'હું આવી ગયો છું!' આથી શખ્સ થોડીવારમાં ત્યાં પહોંચી ગયો હતો અને આડાસંબંધ રાખવા બાબતે બંન્ને વચ્ચે તકરાર શરૂ થઈ હતી. જેમાં ઉશ્કેરાઈ જઈ શખ્સે પોતાના પાસેનું ચપ્પુ કાઢી ભાજપના યુવા મોરચાના પ્રમુખના જમણા હાથે ઘા ઝીંકી દીધા હતા. જેથી તે લોહીલુહાણ થયો હતો. એટલુ ઓછું હોય તેમ શખ્સે તેના માથામાં પથ્થર મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી.

પ્રમુખને આજુબાજુના લોકોએ મારથી બચાવ્યા
આજુબાજુથી લોકો દોડી આવીને ભાજપ યુવા મોરચાના પ્રમુખને મારથી બચાવ્યા હતા. શખ્સે જતા-જતા ધમકી આપી હતી કે, 'જો હવે તું મારી પત્ની સાથે આડાસંબંધ રાખીશ તો તને જાનથી મારી નાખીશ' ગંભીર રીતે ઘાયલ ભાજપ યુવા મોરચાના પ્રમુખને લોકોએ સારવાર માટે બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં રવાના કર્યા હતા. ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈની ફરિયાદના આધારે પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...