આજીજી કરે છે પિતાઃ દીકરી, હવે તો ઘરે આવ...:'કોણ જાણે વડોદરાની ઓએસિસ સંસ્થાવાળાઓએ એવું તો શું શીખવ્યું કે મારી દીકરી અમારી સાથે રહેવા જ માગતી નથી !'

નવસારી2 મહિનો પહેલા
  • દીકરી ત્રણ વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલી છે
  • છ મહિનાથી પોતાની દીકરીને ઘરે પાછી લાવવા પ્રયાસો કરી રહ્યા છે

'કોણ જાણે સંસ્થાવાળાઓએ એવું તો શું શીખવ્યું કે મારી દીકરી અમારી સાથે રહેવા જ માગતી નથી...' આ શબ્દો યુવતીના પિતાના છે. નવસારીની એક યુવતી, જે વડોદરાની ઓએસિસ સંસ્થા સાથે જોડાયેલી છે અને વડોદરા દુષ્કર્મ-આપઘાત કેસમાં મહત્ત્વની કડી માનવામાં આવી રહી છે. તેમની દીકરી ત્રણ વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલી છે અને પિતા છેલ્લા છ મહિનાથી પોતાની દીકરીને ઘરે પાછી લાવવા પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તે આવવા તૈયાર નથી.

અમારી દીકરી અમારી સાથે રહેવાની ના પાડે છે
યુવતીના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરી ત્રણ વર્ષથી ત્યાં છે. છ મહિના પહેલાં પ્રયત્ન કરતા હતા કે એ પાછી આવી જાય, પણ સંસ્થાને કારણે અમારી દીકરી આવી શકતી નથી. ખબર નહીં કે તેને શું થઇ ગયું. અહીં આવી જાય તો સારું, પણ તે અમારી સાથે રહેવાની ના પાડે છે. ત્યાં તે લોકો બાળકોને કેવું શીખવે છે એ ખબર નથી. અમે શીખવ્યું હતું કે માતા-પિતા કહે એમ કરવું, પરંતુ અત્યારે તો અમારી દીકરી બિલકુલ ના પાડે છે. તે કહે કે હું અહી તો નહીં જ આવું.

નવસારીમાંથી ઘણાં માતા-પિતા પોતાની દીકરીને પાછી લાવવા માગે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસ્થાવાળાઓએ તેમનું બ્રેનવોશ કરી નાખ્યું હોય એવું અમને લાગી રહ્યું છે. અમે દીકરીને ઘણી સમજાવી, પણ તે આવવા તૈયાર નથી, કંઇ કામકાજ હશે તો આવીશ, પણ તમારી સાથે રહીશ તો નહીં જ. હું એકલો એવો પિતા નથી, નવસારીમાંથી ઘણા મા-બાપ એવાં છે, જે પોતાની દીકરીને બોલાવવા ઇચ્છે, પણ કોઇપણ દીકરી આવવા તૈયાર નથી. આ કેસ બન્યા પછી અમે તેનો સંપર્ક કર્યો નથી, પણ અમે સાંભળ્યું છે કે જ્યાં સુધી આ મામલો શાંત નહીં થાય ત્યાં સુધી આવી નહીં શકે. અમારી દીકરી આવી જાય તો અમારા માટે ખૂબ સારી વાત છે.

વડોદરા ગેંગરેપ-આપઘાત કેસઃ આખી રાત ઓશીકું પકડીને રડતી રહી
વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડમાં આપઘાત કરનારી યુવતીની માતાએ ભારે હૈયે જણાવ્યું હતું કે ડાયરીમાં મારી દીકરીએ લખ્યું હતું કે 'મેં સંસ્થાને વાત કરી કે મારી પાસે અત્યારે 10 રૂપિયા જ છે, મારે આ શહેરમાં નથી રહેવું. હું એકલતા અનુભવું છું, મને એવું લાગે છે કે આ દુનિયામાં હું એકલી જ છું, મારં કોઇ નથી. આખી રાત હું એકલી વિચાર કરતાં કરતાં પીલોને પકડીને રડતી, વારંવાર મોઢું ધોતી રહી..' યુવતીની માતાએ જણાવ્યું હતું કે મારી દીકરીએ સંસ્થાવાળાને દરખાસ્ત કરી તોપણ તેમણે કેમ મારી દીકરીને સાથ ન આપ્યો? આ સવાલ પીડિતાની માતાને કોરી ખાય છે.

પોલીસે સંસ્થાવાળાને ડાયરી વાંચવા આપી
પીડિતાની માતાએ જણાવ્યું હતું કે પાંચ નવેમ્બરે OASIS સંસ્થાના પલ્લવીબેન અને મેહુલભાઇ સાથે ઘણા લોકો આવ્યા હતા. જ્યારે પોલીસ તપાસ કરવા માટે અહીં આવી તો એની જાણ તેમને થઇ તો તે લોકો જવા માટે ઉતાવળ કરતા હતા. તો મેં તેમને કહ્યું હતું કે તમે પોલીસને મળીને જાઓ. તો સંસ્થાના લોકોએ મને કહ્યું કે અમે પોલીસના સતત સંપર્કમાં છીએ, અમે તેમને નીચે મળી લઈશું. જ્યારે પોલીસ ઉપર આવી તો મેં તેમને કહ્યું હતું કે સંસ્થાવાળા લોકો સાથે મુલાકાત થઇ? તો પોલીસે ના પાડી અને તેમને બોલાવવા કહ્યું. ત્યાર બાદ તેમને બોલાવીને પોલીસે તેમને ડાયરી વાંચવા આપી.

પોલીસને લઇને નીચે જતા રહ્યા
સંસ્થાના પલ્લવીબેન ડાયરી વાંચતાં હતાં ત્યારે મેં પૂછ્યું કે શું લખેલું છે? તો તે લોકો એમ કહેતા કે બધું નોર્મલ છે. યુવતીએ જે લખ્યું છે એ તેના મનની ઊપજ છે. જ્યારે છેલ્લાં બે-ત્રણ પાનાં ધ્યાન દઇને વાંચવા પોલીસે કહેતાં તેમણે વાંચ્યું. તો મેં પૂછ્યું કે પલ્લવીબેન આમાં શું લખેલું છે? તો ફરી બધું નોર્મલ છે, એમ કહીને પોલીસને લઇને નીચે જતાં રહ્યાં. ત્યાં જઇને શું વાત કરી એની મને કંઇજ જાણ નથી. મને એવું લાગતું હતું કે સંસ્થાના લોકો પોલીસને મળવા નહોતા માગતા.

યુવતીએ જીવ બચાવવા કરેલા છેલ્લા મેસેજની અક્ષરસઃ વિગતો
રાત્રે 11.31 વાગ્યે કરેલા વ્હોટ્સએપ મેસેજમાં યુવતીએ લખ્યું છે કે “Sorry Sanjivbhai, Pl save me. out for MHE work, he follow me from NVS. Want to kill anyhow. I cant call in train… get phone somehow... parents dont know anything. I Kidnapped. I am in washroom now Gonna kill Pl call waiting..” (સોરી સંજીવભાઈ, પ્લીઝ મને બચાવી લો. હું કામ માટે મહારાષ્ટ્ર જતી હતી, તેઓ મારો નવસારીથી પીછો કરી રહ્યા છે. તેમનો ઈરાદો ગમે તે રીતે મને જાનથી મારી નાખવાનો છે. હું ટ્રેનમાં છું એટલે કોલ નથી કરી શકતી.. જેમ-તેમ કરીને મારો ફોન મેળવ્યો છે... મારાં માતા-પિતા તો કશું જાણતાં જ નથી. મારું અપહરણ થયું છે. હું અત્યારે વોશરૂમમમાં છું અને તે લોકો મને મારી નાખશે. પ્લીઝ કોલ કરશો... રાહ જોઉં છું..)

અન્ય સમાચારો પણ છે...