આપઘાત:આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં કબીલપોરના યુવાને ઘરે ફાંસો ખાધો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઇન્ટરવ્યુમાં નાપાસ થતા ડિપ્રેશનમાં આવી છાત્રનું આત્મઘાતી પગલું

કબીલપોરમાં રહેતા અને કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 23 વર્ષીય યુવાન 3 માસ પહેલા એક ઇન્ટરવ્યુમાં નાપાસ થતા તે બાબતે મનદુઃખ થતા હતાશામાં આવી ગયો હતો. જેને લઈને આ યુવાને મંગળવારે ઘરે બપોરના અરસામાં પોતાના રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો.

કબીલપોરના વસંતવિહાર સોસાયટીમાં કેવલ નિલેશભાઈ પટેલ (ઉ.વ. 23) તેમના વિધવા માતા અને નાના ભાઈ સાથે રહેતો હતો. કેવલ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. હાલ ઉચ્ચત્તર અભ્યાસ માટે થિસીસનું કામ ઘરે રહીને જ કરતો હતો. કેવલ પટેલ ત્રણ માસ પહેલા એક કંપનીમાં જોબ માટે ઇન્ટરવ્યુ આપવા ગયો હતો. જેમાં તેમને પસંદ કરવામાં નહીં આવતા તે હતાશામાં ગરકાવ થઈ ગયો હતો. તે ઘરે આવી આગળના અભ્યાસ માટે તૈયારી કરતો હતો પણ ઇન્ટરવ્યુમાં નાપાસ થયા બાદ ડિપ્રેશનમાં જ રહેતો હતો.

મંગળવારે તે સવારે રૂમમાં ગયા બાદ તે બપોરે જમવા માટે નહીં આવતા તેમની માતાએ બોલાવ્યો હતો પરંતુ તે નહીં આવતા કેવલના રૂમની બારીમાંથી જોતા કેવલ પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. કેવલની માતાએ નવસારી ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરતા ગ્રામ્ય પીએસઆઈ એસ.બી.ટડેલ અને સ્ટાફે આવી નિવેદન લેવાની કામગીરી હાથ ધરી હતી.

2018 માં પિતાનું પણ નિધન થયું હતું
કબીલપોરમાં રહેતા કેવલના પિતાનું 2018માં નિધન થયા બાદ તે માતા અને નાનાભાઈ સાથે રહેતો હતો. 3 માસ પહેલા ઇન્ટરવ્યુમાં પાસ નહીં થતા કેવલ ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તે બાબતે કોઈને જાણ કરી ન હતી અને મંગળવારે બપોરના સમયે ફાંસો ખાઈ લીધો હતો. > એસ.બી.ટંડેલ, પીએસઆઈ, નવસારી ગ્રામ્ય

અન્ય સમાચારો પણ છે...