રવિ સત્સંગ:જ્યાં સંપ હોય ત્યાં સુખ-શાંતિ અને પ્રગતિ તેમજ ઉર્ધ્વગતિ છે : ડો. જ્ઞાનવત્સલ સ્વામી

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કુસંપ અને અધોગતિ અને જ્યાં સંપ હોય ત્યાં સુખ-શાંતિ અને પ્રગતિ-ઉર્ધ્વગતિ છે. જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે અધર્મ શંકા પ્રવેશી જાય છે. જો એમ થાય તો સુખ શાંતિ મળી શકે નહીં. શ્રીજી મહારાજે તથા મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ સંપનો અપરંપાર મહિમા કહ્યો છે. સત્સંગ, ઘર-પરિવારમાં બધા સંપીને રહેશે તો ગમે તેવો અંતરશત્રુ હશે તે પણ પરાભવ કરી શકશે નહીં. અન્યથા અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાંખશે. ઉપરોક્ત શબ્દો ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ ઓનલાઈન રવિ સત્સંગ સભાને સંબોધતા ઉચ્ચાર્યા હતા.

તેમણે સંપનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે બીજા સંપ રાખે કે ન રાખે આપણે સંપ રાખવો. જે જે ક્ષેત્રોમાં અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે તેના પાયામાં ટીમવર્ક-સંપ રહેલો છે. પરિવારમાં સુખ-શાંતિ અને પ્રગતિ ઈચ્છતા હો તો સંપ રાખવો અતિ અગત્યનું છે. કર્મ સંજોગે ભગવાને પરિવારમાં ભેગા કર્યા છે ત્યારે સાથે રહેવાની ભાવના-સંપ-ઉર્ધ્વગતિ તરફ લઈ જશે અને શાશ્વત સુખ-શાંતિ મળશે. અન્યથા પરિવાર વેરવિખેર થઈ જશે અને અધોગતિ તરફ ધકેલાઈ જવાશે. આ માટે પરિવારના દરેક સભ્યોએ એકમેકને સમજવા પડશે, એકમેકને આદર આપવો પડશે. એક મેકને અનુકૂળ થવું પડશે, એકમેક માટે ઘસાઈ છૂટવું પડશે. એકમેકને સહન કરવા પડશે તથા એકમેકને માફ કરવાની ભાવના કેળવવી પડશે. એકમેકનો પૂર્ણ સ્વીકાર કરવો પડશે, બાંધછોડ કરવો પડશે. પરિવારમાં ધન, સંપત્તિ બધુ હશે પણ જો સંપ નહીં હોય તો બધુ ફનાફાતિયા થઈ જશે.

પરિવારમાં સંપ, સુહૃદભાવ, એકતા જળવાય રહે તે માટે બધાએ દરરોજ ભગવાનમાં શ્રદ્ધા રાખી પ્રાર્થના કરવી. ભગવાનને જ સર્વેના કર્તા જાણવા જેથી સંપ વધુ સુદૃઢ થશે. સાથે રહેવાથી ય પ્રગતિ થઈ શકશે. છૂટા પડી જશો તો તૂટી જશે. પરિવારમાં સંપ હોવો તે ખુબ જ અગત્યની બાબત છે.

અન્ય સમાચારો પણ છે...