માનવતા મહેકી:જ્યાં પાલિકા ન પહોંચી ત્યાં સેવાકીય લોકો મદદે પહોંચ્યા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક સંગઠનોએ નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ,પાણી વિતરિત કર્યા

નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારમાં પાલિકાની સાથે અનેક સેવાકીય સંગઠન, લોકો મદદે આવ્યા હતા. પૂર્ણાંમાં આવેલ પૂરના પાણી નવસારીના અનેક વિસ્તારોમાં ફરી વળતા અંદાજે 40 હજાર લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ લોકોને ફૂડ, પીવાનું પાણી પહોંચાડવાની તાતી જરૂર પડી હતી. આમ તો નગરપાલિકા તંત્રે રસોડું શરૂ કરી ફૂડ પેકેટ, પાણી પહોંચાડવાની જહેમત આદરી હતી.

જોકે પાલિકા બધી જગ્યાએ તમામ લોકો સુધી પહોંચી શકે એમ ન હતું અને પહોંચી શકી ન હતી. આવી સ્થિતિમાં અનેક સેવાકીય લોકો વિવિધ સંગઠનોના નેજા હેઠળ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગયા હતા અને મદદ પણ કરી હતી. અમૃતભાઈ બારોટ,વિશાલ બારોટનું અનમોલ હોટેલ ગ્રૂપે દર વખતની જેમ આ વખતે પણ ફૂડ બનાવી વિતરિત કર્યું હતું.

આ ઉપરાંત આરએસએસ, રોબિનહુડ આર્મી, સ્વામિનારાયણ અને જલારામ મંદિર, માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, રામરોટી પરિવાર, ખિદમતે ખલક ફાઉન્ડેશન, ઇકબાલ ઉસ્માની ગ્રૂપ, યંગસ્ટાર ગ્રૂપ, સેવા ફાઉન્ડેશન ગૃપ ઉપરાંત અન્ય લોકો પણ સેવામાં જોડાયા હતા. ભાજપ, કોંગ્રેસ, આપ વગેરે રાજકીય પક્ષ પણ મદદ કરવામાં જોડાયા હતા. સેવાકીય ગ્રૂપ દ્વારા ફૂડ, પાણી પહોંચાડવા જહેમત ઉઠાવી હતી.

લોકોમાં નારાજગી વચ્ચે તંત્ર પણ દોડ્યું
પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોની તંત્ર સામે નારાજગી તો હતી પણ દિવસ-રાત જોયા વગર સરકારી તંત્ર દોડતું પણ જોવા મળ્યું હતું. પાલિકાની ટીમ, મહેસુલી સ્ટાફ, પોલીસ, એનડીઆરએફની ટીમ સહિત સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સતત ફરજ પર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...