નવસારી શહેરને પેરીસ બનાવવાના દીવા સ્વપ્નો જોતા પાલિકા સત્તાધીશો માટે શહેરની ઠેર ઠેર ઉભરાતી ડ્રેનેજ લાઇન સાફ કરવા માટે પણ હાલાકી વેઠવી પડી રહી છે. માર્ગ પર ડ્રેનેજનું ગંદુ પાણી રેલાતા લોકોને નાછૂટકે દુર્ગંધ સહન કરવાની ફરજ પડી રહી છે. ત્યારે નવસારીને પેરીસ કેવી રીતે બની શકાશે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.
નવસારીમાં ડ્રેનેજ ઉભરાવાની છૂટીછવાઈ ઘટના તો બનતી જ રહી છે પણ હાલ કેટલાક દિવસથી તેમાં ભારે વધારો થયો છે. નોંધનીય વાત એ છે કે શહેરના માત્ર એક જ વિસ્તાર નહીં પણ અનેક વિસ્તારોમાં સ્થિતિ સર્જાઈ છે. શહેરનો ખૂબ જ મહત્વનો સ્ટેશન માર્ગ પર સત્તાપીર નજીક તો ડ્રેનેજ ચોકઅપ થતા ત્રણેક દિવસથી પાલિકા ડ્રેનેજ ક્લીન કરવા મશીનો ઉતારી ભારે મથામણ કરી રહી છે. છતાં શહેરના મહત્તમ વિસ્તારોમાં આવી સ્થિતિ છે.
માર્ગ પર આ વિસ્તારમાં ઉભરાતી ગટરો
સ્ટેશન રોડ, સત્તાપીર વિસ્તાર, ઈસ્લામપુરા, પાંચહાટડી, ઘેલખડીમાં એકથી વધુ જગ્યા, વિજલપોર, રામજીપાર્ક-રોયલગાર્ડન નજીક, નવસારી કોટન મિલ નજીક, દશેરા ટેકરી તલાવડી, રેલરાહત કોલોની, રામજી ખત્રી વિસ્તાર, મોઠવાડ, કાશીવાડી, ઝવેરી સડક રોડ, ચારપુલ નજીક, રાયચંદ રોડ નજીક, જૂનાથાણા વિસ્તાર વગેરે વિસ્તાર.
પૂરના કારણે લાઈન ચોકઅપ થઈ, સાફ કરવા કોન્ટ્રાક્ટ અપાયો છે
4 વખત જે છેલ્લે પૂર આવ્યાં જેમાં અનેક વિસ્તારોમાં પાણી રહ્યાં હતા. જેને લઈને ડ્રેનેજની લાઈનમાં માટી, કાદવ વગેરે ઠરી ગયા છે. આઉટલેટ સહિત લાઈનો ચોકઅપ થઈ છે. આ માટે મેઈન લાઈનો સાફ કરાવાઈ રહી છે અને વલસાડની પાર્ટીને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે. > પિયુષ ગજેરા, ચેરમેન, ડ્રેનેજ કમિટી, નવસારી-વિજલપોર પાલિકા
ડ્રેનેજમાં ભંગાણ
શહેરના પશ્ચિમે આવેલા જલાલપોર રોડ પર તાસ્કંદનગર સોસાયટીના પ્રવેશદ્વારે ડ્રેનેજની લાઈનમાં ભંગાણ પડ્યું છે. અહીં લીકેજ, ભંગાણને એક-બે દિવસ નહીં પણ અઠવાડિયું થઈ ગયાનું સ્થાનિકોનું કહેવું છે. જોકે હજુ તેનો ઉકેલ આવ્યો નથી. ડ્રેનેજની સમસ્યા ઉકેલવામાં પાણીની લાઈન પણ તૂટી ગઈ છે. એક સમસ્યા હલ કરે તો બીજી સર્જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.