કામ કરવાથી અતિશય થાક્યો હોય, શક્તિ ન રહીં હોય કે શરીરમાં પીડાતો હોય અથવા ભયંકર અપમાન થયું હોય એવામાં જો ભગવાનની કથાવાર્તાનું શ્રવણ કરે તો બધુ ભૂલી જાય અને આનંદ થઈ જાય તો એને ભગવાનને વિશે દૃઢ આસક્તિ થયાનું જાણવું. ભગવાનને વિશે દૃઢ આસક્તિવાળા ગુણાતીત સંતની સેવા કરી રાજી કરી લે અથવા પૂર્વજન્મના બળિયા સંસ્કાર હોય તો ભગવાનને વિશે દૃઢ આસક્તિ થાય છે.
અત્યારે પવિત્ર ચાતુર્માસના દિવસો છે એમાં ભગવાનની વિશિષ્ટ ભક્તિ કરવાની છે. ભગવાનના લિલા ચરિત્રોની કથા નિત્ય સાંભળવી અને બીજાને કરવી. શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રીતિ સહિત કથાવાર્તાનું શ્રવણ કરી મનન કરવાથી કારણ શરીર નાશ પામે છે. કથાવાર્તા આત્મસાત કરવાથી કોઈપણ સંજોગોમાં સ્થિરતા રાખી શકીશું અને અંતરમાં ટાઢુ રહેશે.
ઉપરોક્ત શબ્દો અક્ષરકીર્તિ સ્વામીએ ચાતુર્માસ પારાયણ પ્રસંગે ઓનલાઈન હરિભક્તોને સત્સંગ કરાવતા ઉચ્ચાર્યા હતા. તેમણે કથામૃતનું રસપાન કરાવતા વધુમાં જણાવ્યું હતું કે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે. એ માટે ભગવાનની કથાવાર્તાનું વ્યસન પાડવું. આપણા શાસ્ત્રો સાચા છે.
પ્રમાણિક અને પ્રમાણિત ગ્રંથો છે. એનો અભ્યાસ કે કથા અવશ્ય કરવો-સાંભળવી અને કરવી. આપણે કથામાં તો બેસીએ છીએ પણ કથા આપણા હૃદયમાં બેસે તે અગત્યનું છે. જ્યારે આપણને મહંતસ્વામી મહારાજ જેવા સમર્થ ગુરૂ મળ્યા છે. જ્ઞાન અને મુમુક્ષુતા અગત્યની બાબત છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ કથાવાર્તાથી ક્યારેય કંટાળતા નથી. તેમને કથાવાર્તાનું વ્યસન પડી ગયેલું. ચાતુર્માસ દરમિયાન કથાવાર્તા શ્રવણનો લાભ લઈ તેને મનન દ્વારા આત્મસાત કરી જીવન ધન્ય બનાવીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.