મંદિર ડિમોલિશન પ્રકરણ:જમીન અને રસ્તા વિશે અમને પુરતી માહિતી નથી, પણ મંદિર ચોક્કસ બનશે : ભાજપ પ્રમુખ

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સી. આર. પાટીલના મતક્ષેત્રમાં મોટી સંખ્યામાં રાજીનામા આવતા હોદ્દેદારો એક્ટિવ થયા

નવસારીની સર્વોદય નગર સોસાયટીનો મુદ્દો દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષના સંસદીય ક્ષેત્રમાં એક સાથે મોટી સંખ્યામાં રાજીનામા આવતા જિલ્લાના ઉપરથી નીચે સુધીના હોદ્દેદારો એક્ટિવ થઇ ગયા છે. રવિવારે અપાયેલા 1100 રાજીનામા અને સાંજે નિકળેલી વિશાળ રેલીથી જિલ્લા ભાજપનો બેઠકો પર બેઠકનો દોર શરૂ થઇ ગયો છે. સોમવારે ભાજપ કાર્યાલયે જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ અને ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રવિવારે અમારી જિલ્લાની કોર કમિટીની બેઠક મળી હતી.

બેઠક બાદ બન્ને નેતાઓ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને મળવા પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના બાબતે માહિતગાર કરી કર્યા બાદ આ વિષય પર આગળ શું કરી શકાય તે બાબતે વિશેષ ચર્ચા થઇ હતી. આ બેઠકમાં રેન્જ આઇજી અને નવસારીના ડીએસપી હાજર રહ્યાં હતા.

જોકે પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, અમે સોસાયટીની કમિટીને ફોન કરી મળવા માટે બોલાવ્યા છે અને શાંતિથી બેસીને આ બાબતે નિરાકરણ લાવવાના અમે પ્રયત્ન કરીશું. જમીન અને રસ્તા વિશે અમને પુરતી માહિતી નથી, પણ મંદિર ચોક્કસ બનશે એ વાત નક્કી છે. જોકે મંદિર ક્યારે અને ક્યાં બનશે તેની કોઇ માહિતી જિલ્લા અધ્યક્ષે આપી નથી.

રાજીનામા નહીં માત્ર યાદી છે
સોસાયટીના લોકો કાલે આવીને જે પત્ર આપી ગયા તે રાજીનામા નથી. તે માત્ર યાદી હતી. અમે પાર્ટીની સિસ્ટમ મુજબ કાર્ય કરીએ છીએ. આ બાબતે કોઇ કાર્યકર્તા અમારી પાસે રાજીનામા આપવા આવ્યા નથી કે અમે રાજીનામા આપી દીધા હોય તેમ કીધું નથી. કાર્યકર્તાઓમાં નારાજગી ચોક્કસ છે. તેમની નારાજગીને કેવી રીતે ન્યાય આપી શકીએ તે બાબતે બેસીને નિર્ણય લેવાશે. - ભૂરાલાલ શાહ. જિલ્લા અધ્યક્ષ, ભાજપ

સોસાયટીની કોર કમિટીનો સંપર્ક કરાયો
આજે સોસાયટીના કમિટીના સભ્યોને ફોન કરીને આ બાબતે શાંતિથી બેસીને નિરાકરણ લાવવા અપીલ કરી છે. કોઇપણ બાબતનો નિકાલ વાતચીતથી આવી જ શકે છે. આ સાથે જ અમારી પાર્ટીના કાર્યકરોથી લઇને પ્રદેશ અધ્યક્ષ સુધી મહિલાઓ તથા બાળકોને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે. - પિયુષ દેસાઇ, ધારાસભ્ય, નવસારી

અન્ય સમાચારો પણ છે...