તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી માટે હાલાકી:નવસારી જિલ્લાના ડુંગરાળ પ્રદેશના ગામડાઓમાં પાણીની સમસ્યા વિકટ બની, ગ્રામીણોમાં તંત્ર સામે આક્રોશ

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં બનેલી બે ટાંકીઓમાંથી એકમાં વર્ષો વીતવા છતાં પાણીનું ટીપુ ન પડ્યું હોવાની ફરિયાદ
  • ગ્રામીણો ટાંકી ન ભરવાને લઈને તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યાં છે.

નવસારી જિલ્લાના ડુંગરાળ પ્રદેશના ગામડાઓમાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા વિકટ બનતી હોય છે. ચીખલીના માંડવખડક ગામને કેલીયા જૂથ પાણી યોજનામાં સાંકળી ગામની પાણી સમસ્યા નિવારણ લાવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ ગામમાં બનેલી બે ટાંકીઓમાંથી એકમાં વર્ષો વીતવા છતાં પાણીનું ટીપુ ન પડ્યું હોવાની ગ્રામીણોની ફરિયાદ ઉઠવા પામી છે.

શરૂઆતથી ટાંકી ખાલી જ રહી
શરૂઆતથી ટાંકી ખાલી જ રહી

જોકે એની સામે ટાંકી ડુંગરાળ વિસ્તારમાં હોવાથી પાઇપલાઇનમાં પાણીનું દબાણ વધતા પાઈપ ફાટવાની ઘટનાઓ વધી હોવાથી અન્ય ટાંકીથી ગામને પાણી આપવામાં આવી રહ્યાનો પક્ષ પાણી પુરવઠા વિભાગે મુક્યો છે.

પાઇપલાઇન થકી પાણી પહોંચાડવાનું આયોજન થયું

નવસારીના આદિવાસી પટ્ટાના ડુંગરાળ પ્રદેશ એવા વાંસદા ખેરગામ અને ચીખલીના કેટલાક ગામડાઓમાં ઉનાળો પાણીની સમસ્યા લઈને આવે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના બોર હેન્ડ પંપ કે યોજનાઓ થકી આ ગામડાઓમાં પાણી પહોંચાડવાનો પ્રયાસ થાય છે. પરંતુ ભૌગોલિક પરિસ્થિતિને કારણે પાણીના સ્તર ઉંડા ઉતરતા ગ્રામજનોને પાણી માટે ઉનાળામાં એવી સ્થિતિ ઉભી થાય છે. વર્ષ 2007માં વાંસદા અને ચીખલીના ડુંગરાળ વિસ્તારમાં આવતા કુલ 29 ગામડાંઓને 11.59 કરોડ રૂપિયાની કેલીયા જૂથ પાણી યોજનામાં સાંકળી લઇ પાઇપલાઇન થકી પાણી પહોંચાડવાનું આયોજન થયું હતું.

ટાંકીમાં ટેસ્ટિંગ સમયે ટેન્કરથી પાણી ભરવામાં આવ્યું

જેના આધારે વાંસદા તાલુકાના 22 અને ચીખલી તાલુકાના 7 ગામોમાં કેલીયા ડેમથી પાણીની પાઈપલાઈન નાખવામાં આવી હતી. સાથે ગામની જરૂરિયાત પ્રમાણે ઓવરહેડ ટાંકીઓ બનાવી તેમાં પાણી ભરી ગ્રામજનોને પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં ચીખલી તાલુકાના માંડવ ખડક ગામના સિંગર વેરી ફળિયામાં બનાવેલી ટાંકીમાં ટેસ્ટિંગ સમયે ટેન્કરથી પાણી ભરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ ટાંકીમાં પાણીનું ટીપું પડ્યું નથી. એવી ફરિયાદ ગ્રામજનો કરી રહ્યાં છે. જોકે યોજનાને કાર્યાન્વિત કરવા માટે બાજુમાં ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવી પરંતુ એ પણ ખાલી રહી છે. જેથી ગ્રામીણો ટાંકી ન ભરવાને લઈને તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યાં છે.

માંડવખડક બાદના ત્રણથી ચાર ગામોને પણ પાણીની સમસ્યા

સમગ્ર મુદ્દે કેલીયા જૂથ પાણી યોજના સહાયક કાર્યપાલક ઇજનેર એચ.આઇ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે કેલીયા ડેમમાંથી વર્ષે 1.47 એમસીએમ પાણીનો જથ્થો લઇ કેલીયા જૂથ પાણી યોજના અંતર્ગત 29 ગામોને પાણી પહોંચાડવામાં આવે છે. આ ગામડાઓમાં પાણીની કોઈ જ સમસ્યા નથી. માંડવખડક ગામે પટેલ ફળિયા અને સિંગર વેરી ફળિયામાં ટાંકી બનાવવામાં આવી હતી. પરંતુ સિંગર વેરી ફળિયુ ડુંગરાળ વિસ્તાર પર હોવાને કારણે પાઇપ પાણીના દબાણને કારણે મોટાભાગે ફાટી જાય છે. જેને કારણે માંડવખડક બાદના ત્રણથી ચાર ગામોને પણ પાણીની સમસ્યા ઉભી થાય છે. જેથી માંડવખડકને પટેલ ફળિયાની ટાંકીથી જ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. અને ગામમાં પાણીની કોઈ જ સમસ્યા નથી.

ઉલ્લેખનીય છે કે હાલ તો પાણી પુરવઠા વિભાગ દ્વારા કેલીયા જૂથ પાણી યોજનાના ગામડાઓને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવી રહ્યું છે. પરંતુ આગામી સમયમાં આવનારી દમણ ગંગા પાણી યોજના વાંસદા સહિત નવસારી જિલ્લાની પાણી સમસ્યાનું સમાધાન લાવે એવી સંભાવના સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...