સમસ્યા:ચોમાસામાં ભરપૂર વરસાદ છતાં નવસારીના વિજલપોર શહેરમાં પાણીની સમસ્યા, દુધિયા તળાવમાં પાણી ઘટવા માંડ્યું

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણીના સંગ્રહ અને તેના પૂરવઠા માટેની યોજના શહેર માટે જરૂરી

નવસારી વિજલપોર શહેરમાં ચોમાસાના ભરપૂર વરસાદ છતાં પણ પાણીની સમસ્યા ઉભી થઈ છે. મેઘો મન મૂકીને વરસ્યો હોવા છતાં પણ હાલમાં દુધિયા તળાવ ખાલી દેખાઈ રહ્યું છે અને શહેરમાં માત્ર એક જ સમય પાણી અપાય છે. તો બીજી તરફ જલાલપોર તળાવમાં પણ જળકુંભીનું સામ્રાજ્ય હોવાને કારણે ઘણાં વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે.

અલબત્ત પાલિકા પ્રમુખે પાણીની સમસ્યા નહેર આધારિત હોવાનું કહી લૂલો બચાવ કર્યો હતો અને ટૂંકમાં જ ફરીથી બે સમય પાણી અપાશે તેવો વિશ્વાસ આપ્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાત અને નવસારી શહેર-જિલ્લામાં દર ચોમાસે મેઘરાજાની ભરપૂર કૃપા રહે છે. ભાગ્યે જ કોઈ વર્ષ એવું ગયું હશે કે જ્યારે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હશે. ત્યારે ભરપૂર વરસાદ છતાં પણ નવસારી વિજલપોર શહેરના શાસકો વરસાદી પાણીના યોગ્ય સંગ્રહ કે તેના યોગ્ય વિતરણનો વિચાર અમલમાં લાવી શક્યા નથી.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે થોડા જ દિવસો પૂર્વે પૂરા થયેલા ચોમાસામાં નવસારીમાં ભરપૂર વરસાદ પડ્યો હતો. અનેક વખત શહેર પાણી-પાણી થઈ ગયું હતું, ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. એટલી હદે કે પૂર્ણા નદી પણ બે કાંઠે થઈ ગઈ હતી. પરંતુ સમગ્ર નવસારી વિજલપોર શહેરને પાણી પૂરૂં પાડતું દુધિયા તળાવ હાલમાં ખાલી દેખાઈ રહ્યું છે.હાલમાં શહેરીજનોને માત્ર એક જ વખત પાણી પહોંચાડાઈ રહ્યું છે. ખાસ કરીને વિવિધ તહેવારો આવતાં હોવાથી પાણીનો વપરાશ વધુ હોય છે, પરંતુ તેવા સમયે પણ પૂરતું પાણી આપવામાં પાલિકા નિષ્ફળ સાબિત થઈ છે.

આ અંગે નવસારી વિજલપોર પાલિકા પ્રમુખ જિગીશ શાહને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે શહેરના પાણી પૂરવઠાની સિસ્ટમ મોટાભાગે દુધિયા તળાવ ઉપર નિર્ભર છે અને દુધિયા તળાવમાં પાણીનો જથ્થો નહેર ઉપર નિર્ભર છે. નહેરની કોઈ સમસ્યાને કારણે પૂરવઠો ઓછો મળ્યો હોવાથી હાલમાં દુધિયા તળાવ થોડું ખાલી છે. પરંતુ નહેરની સમસ્યા હલ થઈ ગઈ છે અને ફરી પાણી પહોંચતાં શહેરીજનોને બે સમય પાણી પૂરવઠો શરૂ કરી દેવામાં આવશે. બીજી તરફ જલાલપોર સ્થિત તળાવમાં પણ જળકુંભીનું સામ્રાજ્ય હોવાથી જલાલપોરના અનેક વિસ્તારોમાં પાણી પૂરવઠાની સમસ્યા ખડી થઈ છે, જેને પણ ટૂંકમાં હલ કરવાનું તેમણે આશ્વાસન આપ્યું હતું. નવાઈની વાત એ છે કે નવસારી વિજલપોર શહેરને ભણેલા-ગણેલા શાસકો મળ્યાં છે, માત્ર દુધિયા તળાવ કે નહેર ઉપર નિર્ભર ન રહીને પાણીના અન્ય સ્ત્રોત બનાવવા તરફ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. ચોમાસામાં ભરપૂર વરસાદ થાય છે અને સ્વચ્છ વરસાદી પાણી ગટરો વાટે નદી કે દરિયામાં વહી જાય છે. આ વરસાદી પાણીનો તળાવ વિક્સાવી યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો ભરઉનાળે પણ શહેરમાં પાણીની કોઈ સમસ્યા રહે નહીં. એટલું જ નહીં, દુધિયા તળાવ અને ખાસ કરીને નહેરની નિર્ભરતા તદ્દન ઓછી થઈ જશે

અન્ય સમાચારો પણ છે...