પાણીની રામાયણ:નવસારી શહેરના ભેંસતખાડા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણીની સમસ્યા, ધારાસભ્ય મૂલાકાતે જતા સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી

નવસારી7 દિવસ પહેલા
  • ધારાસભ્યની મુલાકાત બાદ સમસ્યાનો ક્યારે ઉકેલ આવે તેના પર સૌની નજર

નવસારીના ભેંસતખાડા, ખત્રીવાડ તથા તેની નજીકના વિસ્તારોમાં સતત ચોથા દિવસે પાલિકા પાણી આપી ન શકતા લોકોમાં નારાજગી વધી છે. નવસારીમાં ઝવેરી સડક નજીક આવેલ ભેંસતખાડા માછીવાડ, ખત્રીવાડ તથા તેની પાસેના વિસ્તારમાં મંગળવારથી નગરપાલિકા દ્વારા અપાતું પાણી બંધ થઈ ગયું હતું.જેને પગલે આજે ધારાસભ્ય પિયુષ દેસાઈ આ વિસ્તારની મુલાકાતે આવતા લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

સ્થાનિકોની હાલત કફોડી
મંગળવાર બાદ બુધવારે અને ગુરૂવારે અને આજે શુક્રવાર સુધી સતત ચોથા દિવસ સુધી પાલિકા આ વિસ્તારના ઘણાં ઘરોમાં પાણી પુરવઠો આપી શકી ન હતી. પાણી ચાર - ચાર દિવસ નહીં મળતા અહીંના રહીશોની હાલત કફોડી થઈ ગઈ હતી. પાલિકાએ લોકોને પાણી આપવા ટેન્કરો દોડાવવા પડ્યાં હતાં જોકે ધારાસભ્ય પિયુષ દેસાઈ વિસ્તારની મુલાકાતે આવતા તાત્કાલિક અધિકારીઓને લાઈન રિપેર કરવાની સૂચના આપી હતી.

4 દિવસથી પાણી નહીં
ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 8થી 10 ટેન્કરો વિવિધ વિસ્તારોમાં પાણી આપવા મોકલવા પડે છે. પાલિકા તંત્ર સતત 4 દિવસથી નળથી પાણી નહીં પહોંચવાનું અને ફોલ્ટ શોધવા જહેમત ઉઠાવી રહી છે પણ કારણ જ મળતું નથી, જેના કારણે શુક્રવારે ચોથા દિવસે પણ સ્થિતિ યથાવત રહી છે. હવે ધારાસભ્યની મુલાકાત બાદ કેટલા સમયમાં લાઈન રિપેર થશે તેના પર સ્થાનિકોની નજર છે.

અન્ય સમાચારો પણ છે...