નવસારી પશ્ચિમની અનેક રહેણાંક સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા દ્વારા પાણી પુરતું ન અપાતું હોવાની બુમરાણ મચી છે. કેટલાક વિસ્તારોમાં પાણીના ટેન્કર, બંબા મોકલવા પડી રહ્યા છે. નવસારી વિજલપોર પાલિકા અન્ય વિસ્તારોની જેમ શહેરની પશ્ચિમે આવેલ સોસાયટીઓમાં પણ પાણી આપે છે.
જોકે હાલના દિવસોમાં પશ્ચિમે આવેલ અનેક સોસાયટીઓમાં પૂરતું પાણી મળી ન રહ્યાની ફરિયાદ બહાર આવી છે.જે વિસ્તારોમાં ફરિયાદ છે. તેમાં સ્મૃતિકુંજ સોસાયટી, શીતલ સોસાયટી, બંદર રોડ નજીકની પટેલ ચાલ, તાસ્કંદ નગર વિસ્તાર, શેઠજી વકીલ ચાલ નજીકનો વિસ્તાર વિગેરેનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ કેટલાક વિસ્તારમાં અઠવાડિયાથી તો કેટલાક વિસ્તારમાં તો ઘણા દિવસથી બુમરાણ છે. પાણી ઓછું આવવું યા ખૂબ જ ઓછું આવવાની ફરિયાદ છે. કેટલીક જગ્યાએ લિકેજની ફરિયાદમાં તો પાલિકા મરામત કરે છે જ્યારે કેટલીક જગ્યાએ લોકોને પાણી આપવા ટેન્કરો મોકલવા પડે છે. સ્મૃતિકુંજ, પટેલચાલ સહિતની અનેક જગ્યાએ નગરપાલિકા હાલ રોજ પાણીના ટેન્કર યા બંબા મોકલી રહી છે. લોકોએ પાણી માટે પૈસા ખર્ચવાની પણ ફરજ પડી રહી છે. અનેક દિવસોથી ફરિયાદ હોવા છતાં પાલિકા હજુ સુધી સમસ્યાનો કાયમી હલ કરી શકી નથી, માત્ર કામચલાઉ હલ કરવામાં આવી રહ્યો છે.
4 દિવસ તો બિલકુલ ન આવ્યું
પાણીનો મોટો પ્રોબ્લેમ છે. વચ્ચે 4 દિવસ તો બિલકુલ જ આવ્યું ન હતું અને મુશ્કેલી વધી હતી. પાણીના બમબા મંગાવવા પડે યા અન્ય વ્યવસ્થા કરવી પડે છે. લાઈનમાં કઈક પ્રોબ્લેમ છે એમ જણાવાય છે. > ભરત તલાવીયા, તાસ્કંદ નગર
બંબો મંગાવવો પડે છે
પાણીની સમસ્યા છે. થોડું થોડું પાણી આવે છે. પાણી પૂરતું નહિ મળતા બંબો મંગાવવો પડે છે. 10થી 15 દિવસથી સમસ્યા છે.> જગુભાઈ, રહીશ, સ્મૃતિકુંજ સોસાયટી
સમસ્યા હલ કરાઈ રહી છે
જલાલપોરના બંધ ફળિયા નજીક 3 દિવસ પહેલા સર્જાયેલ પ્રોબ્લેમના કારણે સ્મૃતિકુંજ, શીતલ સોસાયટીમાં પાણીની મુશ્કેલી સર્જાઈ હતી. તાસ્કંદ નગરમાં લાઈન લિકેજથી સમસ્યા છે, જે ચેક કરવી લઈશું. બંદર રોડ ઉપર કઈક જગ્યાએ જે ફ્લાયઓવર બને છે. તેના કારણે લાઈન શિફ્ટટિંગ થઈ રહી હોય સમસ્યા સર્જાય છે. સમસ્યા હલ થઈ રહી છે. > પિયુષ ગજેરા, કાઉન્સિલર, વોર્ડ .2, નગરપાલિકા
જલાલપોરનો પ્લાન્ટ શરૂ થતા સમસ્યા હલ થવાની આશા
નવસારીના જલાલપોર વિસ્તારની અનેક રહેણાંક સોસાયટીઓમાં પૂરતા ફોર્સથી અને યોગ્ય પાણી ન મળવાની ફરિયાદ કેટલાય દિવસોથી છે. આ ફરિયાદના કાયમી ઉકેલ માટે જલાલપોર વિસ્તારમાં ટાંકી, સમ્પનો નવો પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવા માટે આ પ્લાન્ટ કારગત નીવડશે એવું પાલિકા સૂત્રો જણાવે છે. આગામી દિવસો દરમિયાન આ પ્લાન્ટનું ટેસ્ટિંગ સહિતનું કામ શરૂ થશે અને પ્લાન્ટ શરૂ થતા અનેક વિસ્તારની પાણીની સમસ્યા હલ થશે એવી આશા પાલિકા પણ રાખી રહ્યું છે.
પશ્ચિમ વિભાગમાં ખોદકામથી ડ્રેનજની પણ સમસ્યા
નવસારી પશ્ચિમમાં ઉભી થઇ રહેલ પાણીની સમસ્યામાં એક કારણ પશ્ચિમ વિભાગમાં અવારનવાર થતુ ખોદકામ પણ છે. રેલવે ફ્લાયઓવરનું કામ તથા અન્ય કારણોને લઇ ખોદકામ થતા પાણીની લાઇનો અનેક વખત તૂટી જાય છે. જેને લઇ પાણી પૂરતા ફોર્સથી પહોંચતુ નથી. ખોદકામથી માત્ર પાણીની સમસ્યા જ નહીં ડ્રેનેજની સમસ્યા પણ સર્જાય રહી છે. ડ્રેનેજ લાઇન પણ અવારનવાર તૂટી જવાની ઘટના બને છે અને મોકાણ સર્જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.