નવસારીના વોર્ડ નંબર-5માં નવા સમાવિષ્ટ થયેલ નાની અને મોટી ચોવીસીના ભાજપના અગ્રણીઓ કે હોદ્દેદારોને વડાપ્રધાનના કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ નહીં મળતા તેઓમાં નારાજગી ફેલાઈ છે. ભાજપના જૂના પાયાના કાર્યકરોને પણ કાર્ડ નહીં આપતા તેઓએ આ બાબતે જુનાઓને ભૂલી જવાયા અને નવા આવેલાઓને યાદ કરાયા સોશિયલ મીડિયામાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ બાબતે શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરાઈ હોવાની માહિતી મળી છે. જો કે વડાપ્રધાનના કાર્યક્રમમાં બસ વધુ પણ લોકો ઓછા ગયા હોવાની માહિતી મળી છે.
નવસારી-વિજલપોર નગરપાલિકામાં વોર્ડ નંબર-5માં સમાવિષ્ટ નાની અને મોટી ચોવીસીમાં ભાજપની પેનલ જીતી છે. જેમાં 5000થી વધુ મતદારો આજ બે વિસ્તારના છે. જેમાં ભાજપને જીતાડવામાં આખી જિંદગી ખર્ચી ચૂકેલા વડીલ અગ્રણીઓ, ભાજપના વિવિધ હોદ્દાઓ સાથે સંકળાયેલા અગ્રણીઓને ખુડવેલમાં યોજાયેલ વડાપ્રધાનના કાર્યક્રમના આમંત્રણ કાર્ડ નહીં આપતા તેઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.
નવા આવેલાઓને આમંત્રણ કાર્ડમાં વીવીઆઈપી કાર્ડ આપતા કબીલપોર પંથકમાં ભાજપના બે જૂથ પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે. આ બાબતે સોશિયલ મીડિયામાં ભાજપના મૂળ પાયાના કાર્યકરોએ પોતાની નારાજગી વ્યાપી ગઈ હોવાના સૂર ઉઠી રહ્યાં છે. આ બાબતે નવસારી-વિજલપોર શહેર ભાજપના પ્રમુખને પણ જાણ કરી હોવાની માહિતી મળી છે.
તાજેતરમાં ચૂંટણી સમયનો ઓડિયો વહેતો થયો હતો
વડાપ્રધાનના કાર્યક્રમ બાબતે જૂના જોગી અને અગ્રણીઓને આમંત્રણ કાર્ડ નહીં મળતા માહિતી મળી કે તાજેતરમાં કબીલપોરમાં ચૂંટણી વખતે ભાજપ અને અપક્ષ ઉમેદવારને મત આપવા બાબતે કબીલપોર અગ્રણીઓનો ઓડિયો પણ વહેતો થતા આ પગલું લેવાયું હોવાની ચર્ચા ચાલી રહી છે.
હા, અમને કાર્ડ નથી મળ્યા
વડાપ્રધાનના કાર્યક્રમના કાર્ડ અમને મળ્યા નથી. કબીલપોરમાંથી વડાપ્રધાનના કાર્યક્રમ માટે બસ ખાલી ગઈ છે. અમે તે જોઈ છે પણ અમને કોઈએ આવવા જણાવ્યું નથી. અમને કોઈ મિટિંગમાં પણ આ બાબતે જણાવ્યું નથી. અમને કાર્ડ મળ્યા નથી કે કોઈનો ફોન પણ આવ્યો નથી. અમે ગામના લોકો સાથે દરેક કાર્યક્રમમાં ગયા છે. નગરસેવકોએ પણ અમને કંઈ ન કહ્યું એ વાતનું દુઃખ છે. >ઇલાબેન આહીર, ઉપપ્રમુખ, ભાજપ મહિલા મોરચા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.