આયોજન:જિલ્લામાં વિકાસ રથ દ્વારા ગામેગામ વિવિધ યોજનાની માહિતી પહોંચાડાશે

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રથ ફેરવવાનું આયોજન

રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત યોજનાઓની માહિતી ગામેગામ પહોંચાડવા માટે નવસારી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિકાસ રથ ફેરવવાનું આયોજન થયું છે. આ રથ આગામી 18થી ત્રણ દિવસ સુધી જિલ્લા પંચાયતની 30 બેઠકો દીઠ ફરશે અને વિકાસ જાગૃતિ ફેલાવશે.જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરની અધ્યક્ષતામાં વિકાસ રથના પરિભ્રમણ આયોજન અંગે મળેલી બેઠકમાં એવી વિગતો રજૂ થઇ હતી કે, જિલ્લા પંચાયતની બેઠકો ઉપર સવાર અને સાંજે એમ બે સત્રમાં ચાર-ચાર કલાકના કાર્યક્રમો યોજાશે.

કુલ ત્રણ રથ એક દિવસમાં બે બેઠકો ઉપર ફરશે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠક છે. વિકાસ રથની સાથે સવારમાં પ્રભાત ફેરી કાઢવામાં આવશે. એ બાદ સવારમાં જ એક કલાક ગામના જાહેર સ્થળોની સફાઇ કરવામાં આવશે. રથનું આગમન થયા બાદ ગામના સરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવશે. આ બાદ નિયત સ્થળે નાના કાર્યક્રમમાં સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન કૌશલ્ય વિકાસ અંતર્ગત માહિતી પૂરી પાડી દસ્તાવેજી ચલચિત્રના નિદર્શન થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને સહાયના હપ્તાની ચૂકવણી, નવા આવાસોના ખાતમુહૂર્ત અને બની ગયેલા આવાસોના લોકાર્પણ થશે.

આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને અટકાવવાની સમજણ આપવાની સાથે કોરોના સામેની રસી આપવાના કેમ્પ પણ યોજાશે. સગર્ભા, ધાત્રી મહિલાઓને આરોગ્ય અને પોષણલક્ષી માહિતી આપવામાં આવશે. પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા યોજનાકીય કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. કૃષિ તથા પશુપાલન વિભાગની યોજનાના લાભો અને સહાયનું વિતરણ કરાશે. ગામ દીઠ સંકલન કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે સાથે રથ ઇન્ચાર્જ પણ રહેશે. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.કે.હડુલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...