તંત્ર નિદ્રાધીન:વિજલપોરની શનેશ્વર સોસાયટીમાં કૂતરાએ બાળકને ગરદન પાસે બચકું ભરતા લોકોમાં ભય

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોલી તળાવની બાજુમાં મૃત પશુઓ નાંખી જતા કૂતરા તેનું ભક્ષણ કરે છે છતાં તંત્ર નિદ્રાધીન

વિજલપોરમાં ડોલી તળાવની બાજુમાં આવેલ મેદાનમાં મૃત પશુઓનું ભક્ષણ કરતા કૂતરાઓ બાજુમાં આવેલી સોસાયટીમાં ઘણીવાર જઇ માનવ પર હુમલો કરતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં શનેશ્વર સોસાયટીમાં એક નાના બાળકની ગરદન ઉપર કૂતરાએ બચકુ ભરી લેતા ગંભીર ઇજા પહોંચી હતી. બાળકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ બનાવથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

વિજલપોરના શનેશ્વર નગરની પાછળના ભાગમાં ડોલી તળાવ છે ત્યાં કચરો ઠાલવાય છે. કચરાની સાથે સાથે જે અબોલ પશુઓ મરી જતા હોય છે તેને પણ ત્યાં ત્યજી દેવામાં આવે છે અને એના લીધે ત્યાં 40 થી 50 કૂતરાઓ સાથે મળી પશુનું ભક્ષણ કરતા હોય છે. જેથી કૂતરાને માંસ અને લોહીનું ભક્ષણ કરવાની આદત પડતી હોય છે. જો એક દિવસ પણ એમને તે ન મળે તો એ લોકો શનેશ્વરનગર અને આજુ-બાજુના વિસ્તારમાં જઈ નાના બાળકોને પોતાના શિકાર બનાવી નુકસાન પહોંચાડતાં હોય છે.

એવી ઘટનાઓ વારંવાર બનતા લોકોમાં પાલિકા પ્રત્યે લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. આવી જ ઘટના જલાલપોરમાં શનેશ્વરનગરમાં આવેલ આંગણવાડીની નજીક રહેતા પરિવારના 2 વર્ષના નાના બાળકને કૂતરાઓએ નિશાન બનાવી બાળકના ગળા ઉપર બચકું ભરી લેતા ચામડી પણ નીકળી ગઈ હતી. ઈજાગ્રસ્ત બાળકના પિતા તેને સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ સારવાર આપી હતી. બાળક ઉપર કૂતરાઓએ કરેલા હુમલાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

વિજલપોરને સદાય અન્યાય જ થયો છે
શનેશ્વરનગરમાં આવેલી બે આંગણવાડીમાં લગભગ 100 થી વધારે બાળકો ભણવા આવે છે. નગરપાલિકાને વારંવાર સ્થાનિકો દ્વારા અરજી અને મૌખિક ફરિયાદ કરી હોવા છતાં ગંદકી અને મૃત પશુનું કોઈ નિવારણ આવ્યું નથી. ડોલી તળાવની આજુબાજુ ફેન્સીંગ પણ કરવામાં આવી નથી.

ઉપરાંત રામનગર, શનેશ્વરનગર, જયશક્તિનગર, રેવાનગર એટલે વોર્ડ નંબર-11ના તમામ વિસ્તારમાં આની અસર થઈ રહી છે એના માટે વિશેષ પગલાં લેવા જોઈએ. જેથી ભવિષ્યમાં આવી ઘટના બને નહીં અને બીજાને નુકસાન પહોંચે નહીં તેની તકેદારી રાખવી જોઈએ. >પ્રદીપકુમાર મિશ્રા, સામાજિક અગ્રણી

અન્ય સમાચારો પણ છે...