તરસ છીપાશે પણ અધૂરી:વિજલપોરની ખોટકાયેલ પાણી યોજના પાટે તો ચઢાવાઇ પણ એક જ ટાઈમ મીઠુ પાણી મળશે

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરનું પાણી યોજના માટેનું રામનગર સ્થિત ચંદન તળાવ. - Divya Bhaskar
વિજલપોરનું પાણી યોજના માટેનું રામનગર સ્થિત ચંદન તળાવ.
  • 1 લાખ લોકો માટે 10 વર્ષ અગાઉ મંજૂર ​​​​​​​થયેલ 12 કરોડથી વધુના ખર્ચે બનેલ યોજના 5 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન જ રહી છે

10 વર્ષ અગાઉ મંજૂર થયેલ અને 5 વર્ષ અગાઉ બની ગયેલ પણ ખોટકાયેલ વિજલપોરના 1 લાખ લોકો માટેની પાણી યોજનામાંથી હવે મોડે મોડે મીઠું પાણી મળી શકશે.

નવસારીની મધુર જળ યોજના અંતર્ગત નવસારીના લોકોને 25 વર્ષથી મીઠું પાણી અપાઈ રહ્યું છે. નજીકના વિજલપોર માટે પણ મીઠું પાણીની યોજના આજથી 10 વર્ષ અગાઉ મંજૂર થઈ હતી, જે આજથી 5 વર્ષ અગાઉ રામનગર વિસ્તારમાં આવેલ ચંદન તળાવ નજીક તૈયાર પણ થઈ ગઈ હતી. જોકે જીયુડીસીની નિગરાનીમાં બનેલ યોજના એક યા બીજા કાર્યરત જ થઈ નહીં અને વિજલપોરના લોકોને મીઠું પાણી આપી શકાયું ન હતું.

ચંદન તળાવ સાથે ડોલી તળાવ જોડાય તો બે ટાઇમ મીઠુ પાણી મળી શકે.
ચંદન તળાવ સાથે ડોલી તળાવ જોડાય તો બે ટાઇમ મીઠુ પાણી મળી શકે.

12 કરોડથી વધુને ખર્ચે વિજલપોરના 1 લાખ લોકો માટે બનેલ યોજના ખોટકાઈ હતી, જેના કારણે વિજલપોરના લોકોને બોરનું પાણી જ પીવું પડી રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી નવસારી વિજલપોર પાલિકાએ આ ખોટકાયેલ યોજના પુનઃ ચાલુ કરવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં ફિલ્ટરેશન પ્લાન્ટમાં તથા અન્ય કેટલીક બાબતોમાં જે ખામી જણાઈ હતી તે પૂર્તતા કરી હતી અને ત્યારબાદ છેલ્લા કેટલાક દિવસોથી ટેસ્ટિંગમાં પણ સફળતા મળી છે, જેને લઈને હવે વિજલપોરના લોકોને મીઠું પાણી આપવા લોકાર્પણની તૈયારી કરી દીધી છે.

વિજલપોરના લોકોને મીઠુ પાણી તો મળશે પરંતુ નવસારીની જેમ બે ટાઇમ નહીં મળશે. હાલ પાણી યોજનામાં માત્ર એક જ ચંદન તળાવ હોય એક જ ટાઇમ મીઠુ પાણી પાલિકા આપી શકશે.

છેલ્લી ઘડીની મુશ્કેલી નિવારવાનો પ્રયાસ
મળતી માહિતી મુજબ નગરપાલિકા વિજલપોરના સમગ્ર વિસ્તારને મીઠુ પાણી આપશે. જોકે, એક બે વિસ્તારમાં લાઇનને લઇ સમસ્યા છે. જે નિવારવા લોકાર્પણ અગાઉ પ્રયાસો કરાઇ રહ્યા છે. વિજલપોરને પ્રથમ વખત જ ફિલ્ટરેશન પ્લાન્ટનું પાણી મળી શકશે.

બે ટાઈમ મીઠુ પાણી આપવા ડોલી તળાવ સાથે જોડાણ કરવામાં આવશે
વિજલપોર વિસ્તાર માટેની પાણીની યોજના માટે નહેરનું પાણી રામનગર વિસ્તારમાં આવેલા ચંદન તળાવમાં ઠાલવવામાં આવશે. અહીંના ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરી લોકોને અપાશે. જોકે ચંદન તળાવમાં પાણીની સંગ્રહની ક્ષમતા ઓછી છે. જેથી સંપૂર્ણ વિજલપોરને બે ટાઈમ મીઠુ પાણી હાલ આપી શકાય એમ નથી.

જોકે પાલિકાએ નવસારી (જૂની નવસારી પાલિકા વિસ્તાર)ની જેમ જ વિજલપોરને પણ બે ટાઈમ પાણી આપી શકાય તે માટે તૈયારી શરૂ કરી દીધી છે. જેના માટે ચંદન તળાવની નજીક જ વિજલપોરમાં ડોલી તળાવ પણ આવેલ છે, જેનો વિકાસ કરવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે. પાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ ડોલી તળાવ અને ચંદન તળાવ બન્ને તળાવને ઈન્ટર લીંક કરાશે, જેથી પાણી યોજના માટે પાણીની સંગ્રહ ક્ષમતા વધી જશે.

આગામી 18મીએ લોકાર્પણ કરાશે
વિજલપોર વિસ્તારની પાણીની યોજનાનું કામ પુરૂં થઈ ગયું છે અને તેનું લોકાર્પણ 18મી મેના રોજ કરવામાં આવશે. - જીગીશ શાહ, પ્રમુખ, નવસારી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...