જલાલપોર તાલુકાના આરક રણોદ્રા ગામે સરપંચ તરીકે મહિલા ચૂંટાયા છે. તેમનો પતિ વહીવટ સંબંધી કામ તેમની જ ખુરશીમાં બેસી કરતો હોવાનો વિડીયો બનાવી કોઈ જાગૃત નાગરિકે વહેતો કરતા જલાલપોર તાલુકા પંચાયત પરિસરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ટીડીઓએ કસૂરવારને સજા કરવા તલાટીને નોટિસ પણ પાઠવી છે.
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરપંચોની સભામાં મહિલા સરપંચોએ ગ્રામ પંચાયતની કામગીરીથી પતિઓને દૂર રાખવાની સલાહ આપી હતી. વહીવટમાં પારદર્શિતા આવે તેવો એનો હેતુ હતો પરંતુ મોટાભાગે મહિલા સરપંચ ચૂંટાઈ હોય તેવા મહત્તમ ગામોમાં એમના પતિ જ શાસન કરતા હોય તેવું બની રહ્યું છે.
જલાલપોર તાલુકાના આરક રણોદ્રા ગામમાં હાલ શર્મિષ્ઠાબેન ભાસ્કરભાઈ રાઠોડ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓએ આરક રણોદ્રા ગામે સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યો છે પરંતુ તેમના પતિ ભાસ્કરભાઈ રાઠોડ જ તેમની જ ખુરશીમાં બેસી પંચાયતના કામો કરતા હોવાનો એક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વહેતો કર્યો હતો.
આ વિડીયો વહેતો થતા નવસારી જિલ્લામાં ચર્ચાને સ્થાન મળ્યું કે ભલે મહિલા બેઠક આરક્ષિત હોય પણ શાસન તેમના પતિના જ હાથમાં હોય છે. આ બાબતે નવસારી જિલ્લામાં મોટાભાગના ગામોમાં જ્યાં મહિલા સરપંચ હોય ત્યાં વ્યવહાર તેમના પતિ જ કરતા હોવાથી વડાપ્રધાનની શિખામણ ઝાંપે જેવી છાપ ઉભી થઇ છે. આ બાબતે જલાલપોર તાલુકા વિકાસ અધિકારીએ તલાટીને આ બાબતે નોટિસ પાઠવી હોવાની માહિતી મળી છે.
નવસારી જિલ્લામાં આવેલ 370થી વધુ ગ્રામ પંચાયતોમાં 50 ટકાથી વધુ સરપંચ મહિલા હોય પણ મહિલાઓને રાજકારણમાં વધુ જાણકારી ન હોવાથી તેમના પતિ જ પાછલે બારણે મહિલા સરપંચના નામે વહીવટ કરતા હોય છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય તપાસ થાય તેવી જાગૃતિ નાગરિકોએ માગ કરી છે.
જિલ્લામાં 50 ટકા ગામોમાં મહિલા સરપંચ ચૂંટાયા છે
નવસારી જિલ્લામાં 389 ગ્રામ પંચાયત આવી છે. જેમાં 370 ગ્રા.પં. ના 50 ટકાથી ઉપર મહિલા સરપંચ ચૂંટાયેલા હોય મોટાભાગ ના વ્યવહાર ચૂંટાયેલા મહિલા સરપંચના પતિ જ કરતા હોવાની ફરિયાદ આવી રહી છે. આરક સિસોદ્રા ગામની ઘટના માત્ર નમૂનો જ કહીં શકાય. આ બાબતે ડીડીઓ કડક પગલાં લઈ એક ઉદાહરણરૂપ દાખલો બેસાડે તો મહિલા સરપંચ પારદર્શી વ્યવહાર કરી ગામનો વિકાસ કરી શકે.
પંચાયત ઘરમાં પત્ની સાથે પતિ પણ અવારનવાર બેસી વહીવટ કરે છે
મહિલા સરપંચ કામ માટે ગ્રામ પંચાયતમાં આવે ત્યારે પતિ પણ આવે છે. તેમનો પતિ પંચાયતનો સભ્ય ન હોવા છતાં પણ તેઓ સરપંચની ખુરશીમાં બેસી વહીવટ કરે છે. આ ખોટું હોવાથી અધિકારીઓને જાણ કરી છે. - ધર્મેશભાઈ, તલાટી કમ મંત્રી, આરક સિસોદ્રા ગામ.
વિડીયો વહેતો થયો તે બાબતે નોટિસ આપી છે
આરક-સિસોદ્રા ગામે પત્ની સરપંચ હોવા છતાં પતિ ભાસ્કરભાઈ રમણભાઈ રાઠોડ અવારનવાર સરપંચની ખુરશી પર બેસી કામગીરી કરતા હોવાનો વિડીયો વહેતો થતા તે બાબતે તલાટી કમ મંત્રીને નોટિસ આપી છે. ઘણા ગામોમાં મહિલા સરપંચના પતિ વ્યવહાર કરતા હોવાની ફરિયાદ આવી છે. આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તે માટે દોષિતને સજા કરી દાખલો બેસાડવામાં આવશે. - શિવરાજસિંહ ખુમાણ, તાલુકા વિકાસ અધિકારી, જલાલપોર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.