નવસારીમાં લારીગલ્લાના દબાણના વિવાદ વચ્ચે પાલિકાએ શહેરમાં 31થી વધુ જગ્યાને નો વેન્ડીંગ ઝોન જાહેર કર્યા છે. જેમાં 6 જેટલા તો રોડનો સમાવેશ થાય છે.નવસારી શહેરમાં થોડા દિવસો અગાઉ પાલિકાએ વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરી હતી અને ઘણી લારીઓ હટાવી હતી. (જેમાં કેટલીક પુન: મુકાઈ પણ ગઈ છે) હવે મુદ્દે લારીગલ્લાનું કાયમી દબાણ હટે તે માટે પાલિકાએ શહેરમાં કેટલાક વિસ્તારોને ‘નો વેન્ડીંગ ઝોન’ જાહેર કર્યા છે. જે ‘નો વેન્ડીંગ ઝોન’ જાહેર કર્યા છે.
તેમાં 25 જેટલા મહત્ત્વના વિસ્તારોમાં 50 મીટરની જગ્યાને નો વેન્ડીંગ ઝોન જાહેર કર્યા છે, જ્યારે 6 જેટલા સમગ્ર રોડને ‘નો વેન્ડીંગ ઝોન’ જાહેર કર્યા છે. જે માર્ગોની રોડ સાઈડને નો વેન્ડીંગ ઝોન જાહેર કર્યા છે, તેમાં સર્કિટ હાઉસથી ઈંટાળવા ચાર રસ્તા, ટાવરના રેમન્ડ સર્કલથી ફુવારા સુધીનો રોડ, રેલવે સ્ટેશન ફાટકથી મફતલાલ મિલ થઈ એરૂ ચાર રસ્તા સુધી, રેલવે સ્ટેશન ફાટકથી જલાલપોર લીમડા ચોક સુધી, વિરાવળ સ્મશાનભૂમિથી ટાવર રેમન્ડ સર્કલ સુધી તથા નવસારી ટાઉન પોલીસ મથકથી મોટાબજાર, કંસારવાડ નાકા સુધીના રોડનો સમાવેશ થાય છે.
પાલિકાએ એક યાદીમાં શહેરના મુખ્ય ચાર રસ્તાઓ, સ્કૂલ, હોસ્પિટલ, સરકારી કચેરીઓ વગેરે જેવા જાહેર સ્થળોએ પણ ટોપલાવાળા, લારીવાળાઓને નોંધ લેવા જણાવ્યું છે. પાલિકાની નો વેન્ડિંગ ઝોનની જાહેરાત બાદ હવે આગામી દિવસોમાં તેનું કેવુ પાલન કરાવાય અને રસ્તા ખુલ્લા થાય કે નહીં તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.