ધારાસભ્ય પર હુમલો:વાંસદાના ધારાસભ્ય પર ચરવીથી કણધા જતા સમયે હુમલો, સમર્થકોનું વાંસદા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન

નવસારીએક મહિનો પહેલા
  • પાંચ જેટલા અજાણ્યા ઈસમોએ કાર થોભાવી ગાડીનો પાછળનો કાચ તોડી નાખ્યો
  • કોંગ્રેસ સમર્પિત ઉમેદવારના ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતી વેળા બની ઘટના
  • સમર્થકોએ વાંસદા પોલીસ સ્ટેશન પર ભેગા થઈને હુમલાખોરોને પકડવાની માંગ કરી
  • ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ અંગે કોઈ ફરિયાદ ન આપવામાં આવી

કોંગ્રેસ સમર્પિત ઉમેદવારના ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતી વેળાએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં શખ્સો ગાડીનો કાચ તોડીને નાસી ગયા હતા. નોંધનીય છે કે ઘટનામાં ધારાસભ્યને કોઈપણ પ્રકારની હાનિ પહોંચી નથી.

ઉનાઈના ચરવી ગામથી કોંગ્રેસ સમર્પિત સરપંચના ઉમેદવારના પ્રચારમાંથી વાંસદાના ધારાસભ્ય કણધા ગામે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં પાંચ જેટલા અજાણ્યા ઈસમોએ કારને થોભાવીને ધારાસભ્ય અનંત પટેલને બહાર આવવા જણાવ્યું હતું અને ગાડીનો પાછલો કાચ તોડીને નાસી ગયા હતા. જો કે આ ઘટનામાં ધારાસભ્યને કોઈપણ પ્રકારની હાનિ પહોંચી નથી. આ સમગ્ર ઘટનામાં ખબર પડતાં જ અનંત પટેલના સમર્થકોએ વાંસદા પોલીસ સ્ટેશન પર ભેગા થઈને હુમલાખોરોને પકડવાની માંગ કરી હતી.

ગુજરાતમાં યોજાતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સીધી રીતે રાજકીય પક્ષો ચૂંટણી નથી લડતા. પરંતુ પાછલા દરવાજે રાજકીય પાર્ટીઓ પ્રેરિત ઉમેદવારો ઉભા રહેતા હોય છે અને રાજકીય પાર્ટીના આગેવાનો તેમના ચૂંટણી પ્રચાર પણ કરતા હોય છે. ત્યારે રાજકીય પાર્ટીઓથી મુક્ત આ ચૂંટણીમાં પણ રાજકીય હુંસાતુંસી જોવા મળી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર વિજયી બને તે માટે ધારાસભ્યથી લઈને સાંસદ તમામ નેતા-આગેવાનો એડીચોટીનું જોર લગાવતા હોય છે. ત્યારે નવસારી જિલ્લામાં આદિવાસી તાલુકા એવા વાંસદામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત વિવાદે જન્મ લીધો છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વાંસદા તાલુકાના ધારાસભ્ય અનંત પટેલ પણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉનાઈના ચરવી ગામના પટેલ ફળિયામાં મિટિંગ કર્યા બાદ પાછા ફરતા હતા. એ સમયે ગામના પાંચ જેટલા ઈસમો દ્વારા ધારાસભ્યની ગાડીને નિશાન બનાવવામાં આવી હતી અને ગાડીની પાછળનો કાચ તોડી નાખ્યો હતો. ધારાસભ્ય પર હુમલાની વાત વાયુવેગે તાલુકામાં પ્રસરતા અનંત પટેલના મહિલા અને પુરુષ સમર્થકો સાથે ધારાસભ્યએ જાતે વાંસદા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી આરોપીને પકડવાની માંગ કરવામાં આવી હતી.

બનાવની ગંભીરતાને જોઈ તાલુકામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસે ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કરતાં ધારાસભ્ય અને એમના સમર્થકને સમજાવવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાથે જ ઘટનાની જાણ થતા નાયબ પોલીસ અધિક્ષક સહિત તમામ પોલીસ કાફલાએ ઘટના સ્થળ પર પહોંચી વિવાદને વધતો અટકાવ્યો હતો. ધારાસભ્ય અને એમના સમર્થકો મોડી રાત સુધી પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરતા રહ્યા હતા, પરંતુ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ અંગે કોઈ ફરિયાદ આપવામાં આવી નથી.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા મુજબ તેઓ અને તેમના સમર્થકો વોર્ડ નંબર 12ના ચરવી ગામના પટેલ ફળિયામાં પ્રચારમાં ગયા હતા. જ્યાંથી તેઓ કણધા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં મિલન ભંડારી નામના ઈસમે તેમની ગાડીની આગળ કાર મુકીને તેમને રોક્યા હતા અને ઉશ્કેરવા માટે તેમના ગાડીના કાચ તોડી દીધા હતા.

નાયબ પોલીસ અધિક્ષક એસ.જી રાણાના જણાવ્યા મુજબ વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર કેટલાક ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે તેમણે સમગ્ર મામલે ધારાસભ્યને ફરિયાદ નોંધાવવા માટે પણ કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...