આજે વાંસદા તાલુકામાં અઢીસોથી વધુ મહિલાઓ ભેગા થઈ પોતાના પડતર પ્રશ્નો માટે રેલી કાઢી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મધ્યાહ્ન ભોજન હેલ્પર મહિલાઓના પગાર બાબતે અને કાયમી કરવા બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતાં મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બહેનોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપી પોતાના પડતર પ્રશ્નોનો નિકાલ આવે એ પ્રકારની માંગ કરી હતી.
વાંસદા તાલુકામાં કુલ 225 જેટલી મહિલાઓ મધ્યાહન ભોજન હેલ્પર તરીકે ફરજ બજાવે છે. જેમને હાલ માત્ર 48 રૂપિયા જેટલું ઓછું વેતન આપવામાં આવે છે, એટલે કે મહિનામાં માત્ર 1400 રૂપિયા જેવો પગાર મહિલાઓને મળે છે. જેમાં ઘર ચલાવવામાં મુશ્કેલી પડતાં અનેકવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા મજબૂરી વશ આજે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આ બહેનોએ ઉચ્ચારી હતી.
ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં નીકળેલી રેલીને કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ સમર્થન આપ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ બહેનોને ન્યાય અપાવવા માટે અને વિધાનસભામાં પણ બહેનોના પ્રશ્ન મુકવાની ખાતરી આપી હતી. ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે એ યક્ષ પ્રશ્ન બની ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.