વાંસદા તાલુકા નાં વણારસી અને ઉપસળ ગામે ઇંટના ભઠ્ઠાનું મોટું સામ્રાજ્ય ફેલાયું છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં અનેક ઇંટના ભઠ્ઠા બેરોકટોક ધમધમી રહ્યા છે. જે માનવ જીવનનાં આરોગ્ય માટે ખતરા સમાન ભાસી રહ્યાં છે. સ્થાનિક અને તાલુકા વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા ઈંટનાં ભઠ્ઠાઓ કાયદેસર છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. જો કાયદેસર હોય તો પણ મંજૂરી આપતા પહેલા કેટલીક શરતોને આધીન મંજૂરી આપવામાં આવતી હોય છે. અહી શરતોના લીરેલીરા ઊડી રહ્યાનું ધ્યાનમાં આવ્યું છે.
વણારસી અને ઉપસળના હનુમાન ફળિયા અને વચલા ફળિયામાં રહેણાંક વિસ્તારનાં ઘરોથી માત્ર 30થી 50 ફૂટના અંતરે મસમોટા ઈંટનાં ભઠ્ઠા સળગી રહ્યા છે. જેની ગરમી, ધૂળ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે. એટલુજ નહીં ભઠ્ઠાની ધૂળ આજુબાજુના ઘરોમાં સતત જતી હોવાના કારણે આરોગ્યની દૃષ્ટિએ માનવ જીવન અને અન્ય જીવ માટે જોખમ ઉભુ થઇ રહ્યું છે. જેને તાત્કાલિક ધોરણે બંધ કરવું અનિવાર્ય છે.
જીવ, જમીન તથા પર્યાવરણને નુકસાન કરતા ભઠ્ઠાઓ તાત્કાલિક અસરથી બંધ કરાવી નિયમ વિરુદ્ધ ધંધો કરનારા સામે સખત પગલાં લેવાં જોઈએ, વધુ પડતા માટીનાં ખોદાણથી જમીનનું નિકંદન નીકળી રહ્યું છે અને આજુબાજુની જમીનનું સતત ધોવાણ થતાં અનેક પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે. એટલું જ નહીં તેમના દ્વારા વપરાતા લોડીંગ વાહનોથી પંચાયતનાં રસ્તાને પણ નુકસાન થયાનું જાણવા મળે છે. નજીવી કિંમતે માટીનો મોટાપાયે થતો વેપલો એક દિવસ ગામની જમીનનું નિકંદન કાઢશે અને ગામલોકો બરબાદ થવા મજબૂર બનશે.
અંગત સ્વાર્થ ખાતર ધંધો કરતા પરપ્રાંતીય લોકો અને વચેટિયાઓ પર રોક લગાવવાની હાલના સંજોગોમાં તાતી જરૂરિયાત જણાય રહી છે. આ અંગે અવારનવાર અહેવાલો પ્રસિદ્ધ કરી વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ જાહેરમાં ધમધમતા ઇંટના ભઠ્ઠાઓ વહીવટી તંત્રને કેમ દેખાતા નથી તે આશ્ચર્યજનક છે. હવે વહીવટી તંત્ર સવેળા જાગી પગલાં ભરશે કેમ તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.