ચોમાસા પૂર્વે વરસાદનું ટ્રેલર:વલસાડ- બીલીમોરામાં આગોતરા વરસાદી ઝાપટા ઉકળાટથી લોકોને રાહત, બે દિ’ વરસાદની આગાહી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહત્તમ તાપમાન- 35.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ- 78 ટકા, પવનની ગતિ- 9 થી 13 કિમી - Divya Bhaskar
મહત્તમ તાપમાન- 35.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ- 78 ટકા, પવનની ગતિ- 9 થી 13 કિમી
  • લો પ્રેશરથી પશ્ચિમ વિસ્તારમાં હવાનું ચક્રવાત બન્યું
  • હવા અને ભેજનું મિશ્રણ થતા વરસાદી ઝાપટા પડ્યા હતા
  • મંગળવારે સવારે વરસાદી ઝાપટાથી શહેરના માર્ગો ભીંજાયા

વલસાડ અને નવસારી જિલ્લામાં એક સપ્તાહથી સવારે વાદળોના પરિભ્રમણ અને તેજ પવનના માહોલ વચ્ચે વલસાડ શહેરના તિથલ રોડ પંથકમાં મંગળવારે સવારે 8થી 8.30 વાગ્યાના સુમારે આગોતરા વરસાદના ભારે ઝાપટાં થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અન્ય વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાં થયા હતા. જોકે, 4થી 5 મિનિટ બાદ ઝાપટાં બંધ થઇ ગયા હતા. વાતાવરણ સ્વચ્છ થઇ ગયું હતું.

છૂટા છવાયા ઝાપટાંને લઇ ડિઝાસ્ટર કચેરી કન્ટ્રોલમાં વરસાદ નોંધાયો ન હતો. વલસાડ નજીક આવેલા નવસારી જિલ્લાના બીલીમોરા શહેર અને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાંપટા પડ્યા હતા. ચોમાસાના આગમનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં દક્ષિણ પશ્ચિમના પવનો છેલ્લા એક અઠવાડિયાથી તેજ ફૂંકાઇ રહ્યા છે.

9થી 13 કિમીના ઝડપે ફુંકાતા પવનને લઇ કાંઠા વિસ્તારો તેમજ તિથલ બીચ પર સ્ટોલ્સના મંડપો પણ તૂટી પડ્યા હતા. દિવસ દરમિયાન ભારે બફારો અને ઉકળાટથી એક સપ્તાહથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. તાપમાન પણ આ દિવસો દરમિયાન 35 ડિગ્રી સુધી નોંધાઇ રહ્યો હતો. જેમાં હવામાં ભેજનું પ્રમાણ પણ 70થી 75 ટકા વચ્ચે નોંધતા દિવસે લોકોને બેચેની, પરસેવો અને ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો હતો.

ખાસ કરીને વહેલી સવારે આકાશમા કાળ વાદળોનું પરિભ્રમણ જોવા મળી રહ્યું છે. દરમિયાન દક્ષિણ પશ્ચિમના તેજ પવનો વચ્ચે વરસાદ પડતાં રસ્તાઓ ભીંજાયા હતા. હવામાન વિશેષજ્ઞના મત મુજબ આ ચોમાસાનો વરસાદ નથી પરંતુ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરથી વરસાદ થયો છે. વૈશાખી વાયરા વચ્ચે ચોમાસું પૂર્વે બીલીમોરા શહેરમાં મંગળવાર સવારે એકાએક 20 મિનિટ સુધી વરસાદ પડ્યો હતો. રાજમાર્ગો ભીના થયાં થયાં હતાં. તો બીજી તરફ આંબાવાડીમાં તૈયાર કેરીનો પાક લણતા ખેડૂત પરીવાર, ઘરનું બાંધકામ કરનારા અને લગ્ન માંડી બેઠેલા પરિવારો ચિંતાતુર બન્યા હતા.

ચોમાસું નથી, વેર્સ્ટન ડિસ્ટબન્સની અસર
હાલ જે સ્થિતિનું નિમાર્ણ થયું છે ખાસ કરીને છેલ્લા એક સપ્તાહમાં વાતાવરણ બદલાયું છે તેનું મુખ્ય કારણ વેર્સ્ટન ડિસ્ટબન્સ છે. તાજેતરમાં જ ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું હતું અને તેના પરિણામ સ્વરૂપે લો પ્રેશરની સ્થિતિ નિર્માણ પામી જેને લઇને રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં હવાનું ચક્રવાત બન્યું. જેમાં હવા અને ભેજનું મિશ્રણ હોય છે. આગળ જતા તે વરસાદના સ્વરૂપમાં ફેરવાય છે. હાલ તેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. આ વરસાદ જે પડે છે તે ટૂંકાગાળાનો જ છે. બે ચાર દિવસ બાદ આ અસર જોવા નહીં મળે. ચોમાસુ જૂનમાં જ ખરા અર્થમાં બેસી જશે અને તેની 15 જૂનની આસપાસથી શરૂઆત થશે. - ડો. નીરજકુમાર, હવામાન શાસ્ત્રી

આ સ્થિતિ રહેશે તો ખેડૂતોને આર્થિક ફટકો
વરસાદી વાતાવરણ બનતા જ પાક પર તેની માઠી અસર જોવા મળશે. ખાસ કરીને કેરી લગભગ જે 20 ટકા આંબા પર જોવા મળતી હતી તે પણ હવે કદાચ જોવા નહીં મળે. કારણ કે, બે ત્રણ દિવસથી હવાનું પ્રમાણ પણ વધ્યું છે અને તેની સાથે ભેજ એટલે કે વરસાદી વાતાવરણ ઉમેરાતા ખેતીના ઉભા પાક પર તેની માઠી અસર જોવા મળશે. જોકે, લાંબો સમય આવી સ્થિતિ રહેશે તો ખેડૂતોએ મોટો આર્થિક ફટકો સહન કરવો પડે તેવી પૂરી શક્યતા છે. વાતાવરણમાં પલટાના કારણે આગામી 25 અને 26 મે દરમિયાન જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે. - ડો. સી.કે.ટીમ્બડીયા, કૃષિ તજજ્ઞ, એગ્રીકલ્ચર યુનિ. નવસારી

વાતાવરણ ફરી સ્વચ્છ થઇ જતાં ખેડૂતોને હાશ્કારો
સવારે વરસાદી ભારે ઝાપટાં પડ્યા હતા,પરંતું અમુક વિસ્તારો પૂરતા સિમિત રહ્યા હતા.વલસાડના તિથલ રોડ વિસ્તારમાં જ ઝાપટાંથી થોડીવાર વરસાદી માહોલની અનુભૂતિ બાદ વાતાવરણ તડકા સાથે સ્વચ્છ થઇ ગયું હતું. વલસાડ શહેરમાં તિથલ રોડ સિવાય અ્ન્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો ન હોવાનું લોકોએ જણાવ્યું હતું.જો કે છુટા છવાયા થોડા ઝાપટા બંધ થઇ જતાં કેરી પકવતા ખેડૂતોમાં હાશ્કારો અનુભવાયો હતો.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...