ચૂંટણી:જિલ્લાની 2 બેઠક પર કોંગ્રેસ એકાદ દિવસમાં ઉમેદવાર જાહેર કરે તેવી વકી

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના જલાલપોરના ઉમેદવાર નક્કી થયાની દિવસભર ચર્ચા

નવસારી જિલ્લાની કોંગ્રેસની બાકી 2 બેઠકોમાં ઉમેદવાર એકાદ દિવસોમાં જાહેર થઈ જશે. ભાજપના જલાલપોર બેઠકના ઉમેદવારની પણ ખાનગી રાહે પક્ષે જાણ કરી દીધાની વાત દિવસભર ચર્ચાઈ હતી.નવસારી જિલ્લાની વિધાનસભાની 4 બેઠકોમાં કોંગ્રેસે 2 બેઠકો ઉપર ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે,જેમાં જલાલપોર અને ગણદેવી બેઠકનો સમાવેશ થાય છે.

વાંસદા બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય જ હોવા છતાં સત્તાવાર જાહેરાત બાકી છે તો નવસારીની બેઠક ઉપર પણ ઉમેદવારની જાહેરાત બાકી છે. મળતી માહિતી મુજબ ગુરૂવારે એક યા બંને બેઠકના ઉમેદવાર કોંગ્રેસ જાહેર કરી શકે છે એમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ ભારતીય જનતા પક્ષે હજુ 4 બેઠકોમાંથી એકપણ બેઠકના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી ન હતી.

જોકે જલાલપોર બેઠકના ઉમેદવાર નક્કી થઈ ગયા અને પક્ષે ખાનગી રાહે ઉમેદવારને જાણ કરી હોવાની વાત જોરશોરથી ચાલી હતી. અહીં ઉલ્લેખનીય છે કે આ વખતે આમ આદમી પાર્ટી પણ રેસમાં છે ત્યારે તેના 4 બેઠકોમાંથી 3 બેઠકોમાં ઉમેદવાર જાહેર થઈ ગયા છે, જ્યારે જલાલપોર બેઠકના ઉમેદવારની જાહેરાત બાકી છે.

પાંચ દિવસમાં કોઇ ફોર્મ ન ભરાયું
નવસારી જિલ્લાની ચાર બેઠકો માટે ઉમેદવારી પત્રકો ભરવાની મુદ્દત 5 નવેમ્બરના રોજ શરૂ થઇ હતી. બુધવારે પાંચ દિવસ પુરા થયા હતા પરંતુ ચારેય બેઠકો ઉપર એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 14મી નવેમ્બર છે. જેને પાંચ દિવસ બાકી છે ત્યારે આગામી દિવસોમાં ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રક્રિયા ઝડપભેર થશે.

અન્ય સમાચારો પણ છે...