વડોદરા ગેંગરેપ કેસ:વડોદરાની OASIS સંસ્થામાં ભણતી પોતાની દીકરીઓ ઘરે પરત નહીં આવે તો વાલીઓ કાયદાની મદદ લેશે, નવસારીમાં વાલીઓએ બેઠક કરી

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થામાં બાળકોને વિગન ખોરાક અપાય છે, જેથી મારી દીકરી કમજોર થઈ ગઇ: પિતા
  • સંસ્થામાં ભણતી દીકરીઓ ઘરે આવવા તૈયાર નથી, વાલીઓની ચિંતા વધી

વડોદરા દુષ્કર્મ અને કથિત આપઘાત પ્રકરણ બાદ વડોદરાની OASIS સંસ્થા પર ડાયરીના આધારે અને SOS મેસેજ અંગે દિવ્ય ભાસ્કરે કરેલા ઘટસ્ફોટ બાદ પીડિત પરિવારે સતત આક્ષેપો કર્યા છે. આ સમગ્ર ઘટના બાદ સંસ્થાના સંચાલકોની બેદરકારી અને બાળકોને બ્રેઇન વોશ કર્યાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાંથી પણ કેટલીક યુવતીઓ હજી ત્યાં ભણી રહી છે. જેમને ઘરે પરત ફરવાની કોઈ ઈચ્છા નથી જેને લઇને તેમના વાલીઓ ચિંતામાં મુકાયા છે. આવી પરિસ્થિતિમાં પોતાની દીકરીને ઘરે પરત લાવવા માટે વાલીઓએ મીટિંગનું આયોજન કર્યું હતું અને જણાવ્યું હતું કે, જરૂર પડશે તો કાયદાકીય સલાહ લઈને આગળ વધશે.

તમામ વાલીઓએ મીટિંગનું આયોજન કર્યું
આ સમગ્ર કેસમાં મહત્વની કડી રહેલી એક યુવતીએ તો ત્યાં સુધી તેના પિતાને કહી દીધું કે. 'હું તમારી દીકરી નથી એવું તમને હું કાગળ પર લખી આપવા તૈયાર છું.' આ સમગ્ર ઘટના ક્રમ સામે આવતા અન્ય વાલીઓમાં પણ દીકરીઓની સુરક્ષાને લઈને ફફડાટ ફેલાયો છે. દીકરીઓ કાયમ માટે ઘરે નહીં આવે તો શું થશે તેની ચિંતામાં માતા-પિતા ગરકાવ થયા છે. સંસ્થામાં પોતાના દીકરીનું શું ભવિષ્ય છે, તેને લઈને પણ વાલીઓ એકબીજા સતત સંપર્ક કરીને દીકરીઓ કોઈપણ ભોગે ઘરે પરત ફરે તે માટેની એક મીટિંગનું આયોજન પીડિત પરિવારના ઘરે કરવામાં આવ્યું હતું.

દીકરીઓ જણાવી રહી છે કે સંસ્થાનો વાંક નથી
જે વાલીઓની દીકરી વડોદરા OASIS સંસ્થામાં ભણી રહી છે તેઓ પોતાના પરિવાર સાથે એવી રીતે ફોન વાત કરે છે જાણે કશું થયું જ નથી અને સંસ્થા બેકસુર છે તેવી વાત કરે છે. તેવામાં પોતાની દીકરીને જોરજબરદસ્તીથી ઘરે લાવવું પણ યોગ્ય નથી ત્યારે આવી પરિસ્થિતિમાં પોતાની દીકરીને ઘરે પરત લાવવા માટે વાલીઓ જરૂર પડશે તો કાયદાકીય સલાહ લઈને આગળ વધશે. એક તરફ નવસારીના દીકરીનો કેસ ઉકેલાયો નથી તો બીજી તરફ નવસારીની ત્યાં ભણતી દીકરીઓ ઘરે આવવાની ઈચ્છા ધરાવતી નથી, ત્યારે વાલીઓ પણ કપરી સ્થિતિમાં મુકાયા છે.

વાલીઓ ચિંતામાં
નવસારીની યુવતી સાથે વડોદરામાં થયેલા દુષ્કર્મ અને વલસાડમાં ગુજરાત ક્વીનના ડબ્બામાં તેની સાથે શું થયું છે તેને લઈને સંસ્થા સતત શંકાના દાયરામાં છે અને પરિવારે પણ આ સમગ્ર ઘટનાક્રમને હત્યાની આશંકા સાથે પોલીસની મદદ માંગી છે. ત્યારે એક પરિવારની દીકરી તો આ દુનિયા છોડીને જતી રહી છે પણ જે અન્ય વાલીઓ છે તેમને પોતાની દીકરી કરી સલામત રીતે ઘરે ફરે તેને લઈને પીડિત પરિવારને ત્યાં અન્ય વાલીઓએ પણ ભેગા થઈને આ સમગ્ર મામલે ચિંતન કર્યું હતું.

બાળકોને વિગન ખોરાક અપાય છે: વાલી
વડોદરા OASIS સંસ્થામાં ભણતી દીકરીના પિતાના જણાવ્યા મુજબ, મારી દીકરીને ત્યાં વિગન ખોરાક આપવામાં આવે છે. જેમાં મારી દીકરી ખૂબ જ કમજોર થઈ ગઈ છે અને તેનું સ્વાસ્થ્ય પણ જોખમાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. પિતાએ લાગણીસભર વાત કરીને જ્યારે પોતાની પુત્રીને ઘરે આવવા માટે જણાવી ત્યારે પુત્રીનો ઉત્તર હતો કે, 'હું ઘરે આવીને શું કરીશ OASIS સંસ્થામાં મારે આગળ વધવું છે.' હાલમાં જ્યારે દુષ્કર્મ બાબતે સંસ્થાના સંચાલકોની સઘન પૂછપરછ થઈ રહી છે તેવામાં નવસારી રહેતા વાલીઓ પણ એવી અપેક્ષા રાખી રહ્યા છે કે સંસ્થા તેમના બાળકોને જ્યાં સુધી આ કેસની તપાસ ચાલે છે ત્યાં સુધી ઘરે આવવાની વ્યવસ્થા ઉભી કરી આપે.

અન્ય સમાચારો પણ છે...