દિવાળીના દિવસે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી નવસારીની યુવતીની લાશ મળી આવ્યા બાદ તપાસમાં યુવતી પર વડોદરામાં સામુહિક દુષ્કર્મ થયાનો ખુલાસો થયા પછી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.યુવતી દ્વારા દરરોજ લખવામા આવતી ડાયરીની તપાસ કરતા જ તેના પર વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ દુષ્કર્મન બનાવ બન્યાનો ખુલાસો થયો હતો. ત્યારે હવે વડોદરા પોલીસે નવસારીમાં ધામા નાખી યુવતીના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. યુવતી દ્વારા ડાયરીમાં ઈંગ્લીશમાં લખાયેલા એક વાક્યને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
'HOW I WILL FACE OASIS?'
મૃતક યુવતી દ્વારા લખાયેલી ડાયરીમાં જ તેના પર સામુહિક દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે. પરંતુ, સાથે અન્ય કેટલાક વાક્યો પણ છે તેનો ભાવાર્થ જાણવા પોલીસ પ્રયત્ન કરી રહી છે. મૃતક યુવતીના કાકાના જણાવ્યા મુજબ ડાયરીના અંતિમ પાના પર યુવતી દ્વારા અંગ્રેજીમાં 'HOW I WILL FACE OASIS?'લખેલું છે.જેથી આ પ્રકારનું લખવા પાછળનું કારણ શું તેને લઈ વડોદરા પોલીસે યુવતીના મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.
તપાસ માટે વડોદરા પોલીસના નવસારીમાં ધામા
આ સમગ્ર મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ એ વહેલી સવારથી નવસારીમાં પરિવારના ઘરે ધામા નાખ્યા છે અને ઘરની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તથા વિવિધ લોકો કે જે યુવતી સાથે સંકળાયેલા હતા તેમની સાથે પૂછપરછ કરી રહ્યા છે. આ સમગ્ર કેસને ઉકેલવા માટે ગુજરાત રાજ્યની વિવિધ પોલીસની ટીમ કામે લાગી છે ત્યારે કેટલાક સવાલો કે જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. આ સમગ્ર મામલે પોલીસને શંકા છે કે જો યુવતીની આત્મહત્યા કરવી હતી તો તે ટ્રેન નીચે પડતું મૂકી કરી શકી હોત, તેણીએ ટ્રેનની અંદર ગળેફાંસો ખાવા જેવો બનાવ આ રેર ઓફ ધ રેર કેસ કહી શકાય.
સંસ્થામાં ફોનના ઉપયોગ પર પ્રતિબંધનું કારણ શું?
બીજી તરફ યુવતી જે કંપનીમાં વડોદરામાં કામ કરતી હતી ત્યાં પરિવાર સાથે વાત કરવી કે મોબાઈલ રાખવા પર પ્રતિબંધ હતો તેવી વાત પરિવાર જણાવી રહ્યો છે. આજના જમાનામાં જ્યારે મોબાઈલ પર મોટાભાગનાં કામ થાય છે અને દિવસ દરમિયાન અનેક વખત દૂર રહેતા કર્મચારીઓ પરિવાર સાથે અનેક વખત વાત કરે છે તેવામાં આ કંપનીએ પરિવાર સાથે વાત કરવાની મનાઈ વાળો નિયમ કેમ બનાવ્યો હશે તે અંગે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.
યુવતીએ પોતાની આપવીતી પરિવારજનોને ના જણાવી
યુવતીના ભાઇ ના જણાવ્યા મુજબ બહેન જ્યારે પણ ઘરે આવે છે ત્યારે તે મને ભેટી પડતી હતી પણ આ પ્રથમ વખત એવું બન્યું કે બહેને મને ભેટી નહિ અને તે મુંઝાયેલી હતી. યુવતી ઘરે આવી ત્યારે તે અરીસાની સામે જોઇને પોતાના હાથ પર ના નિશાન જોઈ રહી હતી ત્યારે ભાઈ એ તેને પૂછ્યું કે શું થયું ત્યારે તેણે વાત ટાળી દીધી અને ઝખમ દુખતું હોવાથી ભાઈને દવા લાવવા કહ્યું હતું.
મૃતક લાંબા સમયથી વડોદરામાં જ રહેતી હતી
મૃતક યુવતીની વડોદરામાં નોકરી હતી. કોરોના કાળ દરમિયાન તે છેલ્લા લાંબા સમયથી પોતાના ઘરે આવી ન હતી.વર્ષ 2021માં તે ફક્ત ગણેશ મહોત્સવ દરમિયાન અને હાલ દિવાળીના તહેવારો પર જ નવસારી આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો નવસારીમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ યુવતીના ઘરની આજુબાજુના દરેક રોડ-રસ્તાના સીસીટીવી ફૂટેજ શોધી રહ્યા છે અને યુવતી સાથે અભ્યાસ કરનાર તેની બહેનપણી તેના સ્કૂલ ટીચર અને અન્ય લોકોની પુછતાછ હાથ ધરી છે. પણ પરિવારજનોએ યુવતી જ્યાં કામ કરતી હતી તે સંસ્થા સામે શંકા વ્યક્ત કરી છે અને આ સમગ્ર મામલે હવે પોલીસની તપાસ પણ ઓએસીસ કંપનીની આસપાસ કેન્દ્રિત થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.