સમરસ ગ્રામ પંચાયત:નવસારીનું વછરવાડ ગ્રામ પંચાયત ત્રીજી વખત બન્યું સમરસ, વિકાસ માટે ગામલોકોએ એકતાના દર્શન કરાવ્યાં

નવસારીએક મહિનો પહેલા
  • ગામમાં રાત્રીએ વીજળીનું રોટેશન આપવામાં આવે છે

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે કેટલીય ગ્રામ પંચાયતો સમરસ પણ બની છે. નવસારી જિલ્લામાં 308 ગામોમાથી 35 ગામોએ સમરસ બનીને એકસૂત્રતા અને ગામમાં એકતાના દર્શન કરાવ્યાં છે. જે પૈકી નવસારી તાલુકામાં આવેલું વછરવાડ ત્રીજી વખત સમરસ બન્યું છે. આ ગામમાંથી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પસાર થઈ રહ્યો છે. જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન સંપાદન થઈ છે. ગામ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ નાનું છે. જેમાં 750 જેટલી વસ્તી નોંધાયેલી છે.

ગામમાં મુખ્ય વ્યવસાય ખેતીનો છે. જેમાં ડાંગર અને શેરડીનો પાક વાવવામાં આવે છે. સાથે જ ગામમાં 365 દિવસ દીપડાનો ભય સાથે લોકો જીવે છે. ગામમાં રસ્તા વચ્ચે દીપડો દેખાય તે સામાન્ય બાબત છે. ગામમાં આ વખતે જનરલ સીટ આવી હતી. જેમાં રવજીભાઈ હળપતિને ગામના સરપંચ નિયુક્ત કરવામાં આવ્યાં છે.

ગામમાં રાત્રીએ વીજળીનું રોટેશન આપવામાં આવે છે. જેને લઈને નવા સરપંચને માથે ખેતી માટે દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ કરાવવી અને ભૂંડનો ત્રાસ ઓછો કરવો એ મુખ્ય જવાબદારી રહેશે. પરંતુ ગામના આગેવાનો અને શ્રેષ્ઠીઓ ભેગા થઈને ગામ પંચાયતને સમરસ બનાવવા સાથે તમામ સમસ્યાનો ઉકેલ લાવવાની સામૂહિક જવાબદારી સ્વીકારી છે.

ગામના સરપંચ રવજી હળપતિના જણાવ્યાં મુજબ ગામમાં આવાસ ડ્રેનેજ લાઈન અને બ્લોક પેવિંગ સહિતના કામો કરવાના બાકી છે જે પેનલના સભ્યો સાથે મળીને પૂર્ણ કરશે.

અન્ય સમાચારો પણ છે...