અનોખી પહેલ:નવસારીના હિરામેન્શન ચાલમાં શ્રીજીના દર્શન સાથે વેક્સિનેશન

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંક્રમણ અટકાવવા માટે મંડળની અનોખી પહેલ

નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ મહોત્સવની શાનદાર ઉજવણી થઈ રહી છે. કોરોના અંગે સલામતીના પગલાં તરીકે દરેક કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે નવસારી શહેરમાં પ્રખ્યાત એવા હીરામેન્શન ચાલમાં ગણેશ મંડળ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં દર્શન કરવા આવતા ભક્તોને કોરોનાની રસી બાકી હોય તેમને રસી પણ મૂકવામાં આવી રહી છે.

નવસારી જિલ્લામાં કોરોના મહામારી અંગેના જનજાગૃતિને લગતા કાર્યક્રમો ગણેશ સંગઠન મંડળ દ્વારા કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં ઘણા મંડળો દ્વારા ગણેશોત્સવ સાથે વેક્સિનેશનના કાર્યક્રમ કરાઈ રહ્યાં છે. નવસારી શહેરમાં પણ ગણેશોત્સવની ઉજવણી આ વખતે કોરોનાના કારણે ફીકી રહી છે પરંતુ ગણેશ મંડળો જનજાગૃતિ અંગે કાર્યક્રમો કરી યોગદાન આપી રહ્યા છે. જેમાં નવસારી રેલવે સ્ટેશન પાસે આવેલા હીરામેન્શન ચાલ કે જયાં સિદ્ધિ વિનાયક દાદાનું મંદિર છે. આ મંદિરમાં દર્શનાર્થે રવિવારે અને મંગળવારે ભકતોની ભીડ રહે છે.

અહીં ભૂતકાળમાં દર વર્ષે ગણેશ સ્થાપનની મૂર્તિઓનું અદકેરું આકર્ષણ હતું. જેમાં એક સમયે સાંઈબાબાના ચમત્કારનું ડેકોરેશન જોવા ભક્તોની લાંબી લાઈનો લાગતી હતી. આ ઉપરાંત દર વર્ષે અનોખા ડેકોરેશન દ્વારા ગણેશ ભકતોને એકવાર દર્શન કરવા ખેંચી લાવતા હતા. આ વર્ષે ગણેશ પ્રતિમાના સ્થાપન કરવામાં આવ્યું છે પરંતુ આ વખતે આરોગ્ય વિભાગના સૌજન્યથી દર્શને આવનાર ભક્તો અને જેમને કોરોના પ્રતિરોધક વેક્સિનેશન બાકી હોય તેમને પહેલો અને બીજો ડોઝ બાકી હોય તેમને ત્યાં જ રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત મંગળવારે સાંજે 8 કલાકે 108 દીવાની મહાઆરતીનો કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી શહેરમાં હીરા મેન્સન ચાલના સિદ્ધિ વિનાયક દાદાનું મંદિર સૌથી જૂનુ અને સમગ્ર જિલ્લા ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ખૂબ જ જાણીતુ છે. અહીં લોકો હજારોની સંખ્યામાં કોરોના પૂર્વે દર્શનાર્થે ઉમટી પડતા હતા. હાલ કોરોના સંક્રમણને લઇ સરકારની ગાઇડલાઇન પ્રમાણે પૂરતી વ્યવસ્થા કરી ભક્તોને શ્રીજીના દર્શનની છૂટછાટ આપવામાં આવી છે. અહીં રોજેરોજ 500થી વધુ ભક્તો શ્રીજીના દર્શન કરે છે.

આરોગ્ય કેન્દ્રની મદદથી બીજા ડોઝ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે
નવસારીમાં પણ કોરોના મહામારીના પગલે જે લોકોને વેક્સિનેશન બાકી હોય તે માટે અમે એનાઉન્સ પણ કરીએ છીએ અને લાભાર્થીઓના નામ નોંધીએ છીએ. ભક્તો પણ આધારકાર્ડ લાવ્યા હોય અને જરૂર હોય તેમને મંડપમાં સ્થાનિક આરોગ્ય કેન્દ્રની મદદ લઇ પહેલો અને બીજો ડોઝ મુકવા માટે સગવડ કરી આપે છે. > રવિન્દ્ર સાવંત, પ્રમુખ, સિદ્ધિ વિનાયક મંદિર

શ્રીજીના સ્થાપન વખતે લેઝીમ અને મહારાષ્ટ્રીયન પરંપરા જળવાઇ છે
નવસારીમાં છેલ્લા 79 વરસથી સિદ્ધિ વિનાયક મંદિરે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન થાય છે. આ મંડળ દ્વારા મહારાષ્ટ્રમાં જે રીતે ગણપતિની પૂજા અર્ચન કરવામાં આવે છે તે રીતે જ કરવામાં આવી રહ્યાનું આયોજકોએ જણાવ્યું હતું. શ્રીજીની સ્થાપના વખતે લેઝીમ અને મહારાષ્ટ્રીયન પરંપરાની રીતે ભગવાન શ્રીજીનું આગમન અને વિસર્જનની વિધિ પણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...