બાળકોનું વેક્સિનેશન:નવસારીમાં 15થી 18 જૂથના વિદ્યાર્થીઓનું વેક્સિનેશન શરૂ, અઠવાડિયામાં 60 હજાર વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ

નવસારી15 દિવસ પહેલા
  • અગ્રવાલ કોલેજમાં કલેક્ટરે વિદ્યાર્થીઓને વેક્સિનેશનના શ્રી ગણેશ કરાવ્યાં
  • અનેક વાલીઓએ પોતાના બાળકને વેક્સિન ન મૂકવાને લઈને શાળાને જાણ કરી

કોરોનાની બીજી લહેર બાદ માંડ માંડ શરૂ થયેલી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીને કારણે શિક્ષણકાર્ય સ્થિર થયું હતું. ત્યાં વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં સંક્રમિત થવાની શરૂઆત થઈ હતી. જોકે, બાળકોને વેક્સિન આપવાની શરૂઆત થતા કોરોના મહદઅંશે કાબુમાં આવશે તેવી આશા આરોગ્ય વિભાગ સેવી રહ્યું છે.

નવસારી શહેરમાં આવેલી અગ્રવાલ હાઇસ્કુલમાં આજે વહેલી સવારે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ દ્વારા 15થી 18 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓના વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત કરાવાઇ હતી. હાલમાં વિદ્યાર્થીઓનું વેક્સિનેશન શરૂ થયું છે ત્યારે કેટલાક વાલીઓ પણ પોતાના બાળકને વેક્સિન આપવાને લઇને વિમાસણમાં મુકાયા છે અનેક વાલીઓએ પોતાના બાળકને વેક્સિન ન મૂકવાને લઈને શાળાને જાણ કરી છે. જેથી આરોગ્ય વિભાગે દરેક વાલીઓને અપીલ કરી છે કે જિલ્લામાં કોરોનાને રોકવા માટે તેમને સહયોગ આપે અને પોતાના બાળકને બને તેટલી વહેલી તકે વેક્સિનના બન્ને ડોઝ અપાવે તે જરૂરી છે.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આજે 15થી 18 વય જૂથના બાળકો માટે વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત થઈ છે. ત્યારે જિલ્લામાં 60 હજાર બાળકોનો સમાવેશ થયો છે. જિલ્લા પ્રશાસનનો પ્રયાસ રહેશે કે એક અઠવાડિયાની અંદર આ વયજુથને આપણે કવર કરીશું. શાળાએ જઈને અથવા તો બાળકોના ઘરે જઈને તેઓને વેક્સિન આપવામાં આવશે. જિલ્લાનો એક પણ બાળક વેક્સિન વગર ન રહે તેવો અમારો પ્રયાસ રહેશે.

અગ્રવાલ સ્કૂલમાં 81 વિદ્યાર્થી અને 85 જેટલી વિદ્યાર્થિનીઓને વેક્સિન કરવામાં આવ્યું છે. જેમાં શાળાના સ્ટાફ અને આરોગ્ય વિભાગે મળીને આ પ્રક્રિયાની શરૂઆત કરી છે.

જિલ્લા વેક્સિનેશન ઓફિસર સુજીત પરમારના જણાવ્યાં મુજબ આજે જિલ્લામાં તમામ 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓની વેકસીનેશન શરૂઆત કરવામાં આવી છે અને અમારો ટાર્ગેટ અઠવાડિયામાં 60 હજાર વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો છે. અમે તમામ શાળાએ જતા વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...