તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:રસીકરણ મહાઅભિયાન બની ગયું લઘુઅભિયાન

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાઅભિયાનનો 15500ને રસીકરણથી દબદબાભેર પ્રારંભ કરાયો, પરંતુ સમય જતાં વેક્સિનના અભાવે ઘોંચમાં પડતું ગયું
  • 28 જૂન બાદ રસીકરણની સંખ્યા ઘટી ગઇ, 30મી જૂને માત્ર 357 જણાને જ રસી આપવામાં આવી હતી, હવે 3 દિવસ પુન: રસીકરણ બંધ

રસીકરણ મહાઅભિયાન શરૂ કરાયા બાદ નવસારી જિલ્લામાં મુશ્કેલી ઘટવાને બદલે વધી રહી છે. બુધવારે મમતા દિવસના બહાને રસીકરણ બંધ રખાયા બાદ ગુરુવારે અને શુક્રવારે પણ બંધ જ રાખવાની જાહેરાત કરાઈ છે. 4 જૂનથી 18થી 45 વર્ષની વચ્ચેની વયના માટે રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. જોકે 20 જૂન સુધી પ્રમાણમાં ઓછું રસીકરણ કરાયું હતું. જોકે 21 જૂનથી સમગ્ર દેશની સાથે નવસારી જિલ્લામાં પણ રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરાઈ અને તેની સાથે રસીકરણની સંખ્યા વધારાશે એવી જાહેરાત પણ કરાઈ હતી.

જોકે મહા અભિયાનને ગુરુવારે 18 દિવસ પુરા થયા છે ત્યારે રસીકરણ વેગવાન બનાવવાના દાવા હાલ સુધી તો સફળ થયા નથી. મહા અભિયાનની શરૂઆતના દિવસે 15500 જેટલું રસીકરણ કરાયા બાદ પ્રથમ 5 દિવસ તો પ્રમાણમાં સારું રસીકરણ થયું હતું, જોકે બાદમાં મહા અભિયાન લઘુ અભિયાન બની ગયું છે.

રસીકરણની સંખ્યા રોજ 3થી 5 હજાર માંડ થાય છે. કેટલાક દિવસ તો 357, 1700 જેટલું રસીકરણ થયું છે. આ તો ઠીક, અનેક દિવસ ડોઝ નહીં આવવાને લઈને રસીકરણ જ બંધ રખાયુ છે. હાલ પણ 3 દિવસ રસીકરણ બંધ કરાયું છે. રસીકરણમાં સાતત્યતા નહીં જળવતા અને નિયમિત નહીં થતા લોકોમાં અવઢવની સ્થિતિ પ્રવર્તી રહી છે.

7મીને બુધવારે રસીકરણ બંધ રખાયા બાદ 8 અને 9 જુલાઇએ પણ રસીકરણ સેન્ટરો પર ઠેરઠેર બંધના લાગેલા બોર્ડ જોવા મળ્યા હતા. જોકે, પુન: 10મીને શનિવારે રસીકરણ થશે કે નહીં તે જણાવાયું ન હતું.

હવે શનિવારે પુન: રસીકરણ થશે કે..
હાલ બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે તો રસીકરણ બંધની જાહેરાત કરાઈ ચૂકી છે પરંતુ ત્યારબાદ શું ? શનિવારે પુન: જિલ્લામાં રસીકરણ શરૂ થશે કે નહીં યા શરૂ થશે તો કેટલા સેન્ટરો ઉપર થશે એ બાબતે ઉચ્ચકક્ષાએથી કોઈ જ જાણકારી આવી ન હતી.

18+મા 75 ટકાનો તો પહેલો ડોઝ બાકી
નવસારી જિલ્લામાં 4 જૂનથી શરૂ કરાયેલ 18થી 44 વર્ષ વચ્ચેની વયના યુવાનોના રસીકરણને 35 દિવસ પૂરા થયા છે. આ દિવસો દરમિયાન આ 18+માં ટાર્ગેટ કરાયેલ 6.32 લાખ લોકોમાંથી માંડ 1.56 લાખ લોકોએ જ હજુ પહેલો ડોઝ લીધો છે. બીજા શબ્દોમાં કહીંએ તો 25 ટકાએ જ લીધો છે. હજુ 75 ટકાને તો પહેલો ડોઝ લેવાનો બાકી છે અને બીજો ડોઝ તો મોટાભાગનો બાકી છે.

ઓનસ્પોટ કરાયા બાદ નવસારી શહેરમાં ફરી ઓનલાઇન રસીકરણની જાહેરાત
18+નું રસીકરણ શરૂ કરાયું ત્યારથી ઓનલાઈન કે ઓફલાઈન બાબતે નીતિ બદલાતી રહી છે. શરૂઆતમાં તો તમામ જગ્યાએ ઓનલાઈન જ રસીકરણ કરાયું હતું. બાદમાં ગામડામાં ઓનસ્પોટની પરવાનગી અપાઈ હતી. બાદમાં તમામ જગ્યાએ ઓનસ્પોટ પણ રસીકરણ કરવાનું શરૂ કરાયું હતું. હવે નવસારી શહેરમાં પુન: નીતિ બદલવામાં આવી છે. નવસારી શહેરમાં હવે સંપૂર્ણ 100 ટકા વેક્સિનેશન ‘સ્લોટ ઓનલાઈન’થી જ કરાશે એવી જાહેરાત કરાઈ છે.

10મી જુલાઇ પહેલા રસીકરણનો આદેશ, પરંતુ રસીના અભાવે તે કેટલું યોગ્ય ગણાય
જ્યાં રસીકરણની ગતિ ધીમી પડી છે ત્યારે વળી સરકારે દુકાન, લારીગલ્લા સહિતના ધંધાકીય સ્થળો વગેરેમાં કાર્યરત લોકોને 10 જુલાઈ સુધીમાં રસીકરણનો પહેલો ડોઝ લેવા આદેશ કરી દીધો છે. જો આમ નહીં કરાય તો દુકાન વગેરે ચાલુ રાખી શકાશે નહીં. હવે 7 અને 8 બાદ 9 જુલાઈએ પણ રસીકરણ બંધ છે અને 10મીએ પણ રસીકરણ અંગે દિશાસૂચન આવ્યાં નથી ત્યારે 10 જુલાઈ બાદ પહેલો ડોઝ નહીં લેનારા સામે પગલાં લેવાશે ? કે પછી પુન: મુદત વધારાશે ?

45+ અને 60+ માં ઘણાનો બીજો ડોઝ બાકી
નવસારી જિલ્લામાં હાલ સુધીમાં 45+ અને 60+ મળી કુલ 2.58 લાખ લોકોએ રસીકરણનો પહેલો ડોઝ લીધો છે. જોકે, આ બંને વય જૂથના 1.22 લાખ લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. આ વય જૂથના લોકો હાલ વધુ બીજો ડોઝ લઇ રહ્યા છે, ત્યારે રસીકરણ ખોટકાતા મુશ્કેલી ઉભી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...