બેઠક:લોકપ્રશ્નો પ્રત્યે અધિકારીઓને સંવેદનશીલ અભિગમ દાખવવા પ્રભારી મંત્રીની તાકીદ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી જીતુભાઇ ચૌધરીની અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક

ગુરૂવારે કલ્પસર, મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠાના રાજ્યમંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને સંકલનના તમામ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરીના સભાખંડમાં આયોજીત બેઠકમાં મંત્રી જીતુભાઇ ચૌધરીએ મહેસુલી તેમજ સંકલનના તમામ અધિકારીઓને લોકપ્રશ્નો અંગે સંવેદનશીલ અભિગમ દાખવવા તાકીદ કરી, પ્રજાના પ્રશ્નો અંગે ત્વરીત નિર્ણય લેવા અને રાજ્ય સરકારના લક્ષ્યાંકોને પાર પાડવા અંગે આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત મંત્રી ચૌધરીએ લોકોની પ્રાથમિક સુવિધાઓને સ્પર્શતા પ્રશ્નોનું તાત્કાલીક નિવારણ લાવવા સૂચના આપી હતી. આ બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે પ્રભારીમંત્રીનું બુકેથી સ્વાગત કરીને નવસારી જિલ્લાની આછેરી ઝલક અંગેની પૂર્વ ભૂમિકા આપવામાં આવી હતી. નિવાસી અધિક કલેકટર કેતન જોશીએ પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા નવસારી જિલ્લામાં વિવિધ વિભાગની કચેરીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

જે અંતર્ગત જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રગતિ હેઠળના કામો અંગે ચર્ચા હાથ ધરી હતી. આ ઉપરાંત નવસારી જિલ્લામાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. સેવા સેતુ, કોવિડ વેક્સિનેશન કામગીરી તેમજ આયોજન વિભાગ હેઠળના કામો અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.કે.હડુલા, તમામ પ્રાંત અધિકારીઓ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...