નવસારી જિલ્લાની વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ ચૂંટણી તૈયારીની સમીક્ષા બેઠક નવસારી જિલ્લા કલેકટર કચેરીમાં ચૂંટણીના નોડલ અધિકારીઓ સાથે યોજાઇ હતી. નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે બે સામાન્ય નિરીક્ષકો, બે ખર્ચ નિરિક્ષકો અને એક પોલીસ નિરીક્ષકોને જિલ્લાની ચાર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી ચૂંટણીની તૈયારીની વિગતવાર જાણકારી આપી હતી.
ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરી વિભાગવાર કામગીરીની વિગતો જણાવી હતી. જિલ્લામાં પોસ્ટલ બેલેટ, દિવ્યાંગ મતદારો માટે ગોઠવાયેલી વ્યવસ્થા, ઇવીએમની વ્યવસ્થા, ચૂંટણી સ્ટાફને અપાયેલી તાલીમ, મતદાન બુથ, પોલીસ બંદોબસ્ત, આચાર સંહિતાનો અમલ અને ફરિયાદ નિવારણ, મીડિયા મોનિટરિંગ અને સર્ટીફિકેશનની કામગીરી સોશિયલ મીડિયા પર નિરીક્ષણ, મતદાન જાગૃતિ માટે સ્વીપ અંતર્ગત ચાલતી કામગીરી અંગે વિગતવાર માહિતી નિરીક્ષકોને આપવામાં આવી હતી. સામાન્ય નિરીક્ષક સીતારામ જાટ, આકૃતિ સાગર, ખર્ચ નિરીક્ષક વિરેન્દ્રકુમાર પટેલ, અવિજીત મિશ્રા, પોલીસ નિરીક્ષક કબીબ કે. એ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
જિલ્લામાં થયેલી ચૂંટણીની તૈયારીઓ જોઇને નિરીક્ષકોએ સંતોષ વ્યકત કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા ચૂંટણી ખર્ચના નોડલ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.એસ.ગઢવી, પ્રાયોજના વહીવટદાર એમ.એન.નલવાયા સહિતના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.