તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુત્ર પાછળ માતા-પિતા પણ અનંતની વાટે:વાંસદામાં કોરોના બાદ અસ્થિર મગજના યુવાનનો આપઘાત, એ જ વૃક્ષ પર લટકી માતા-પિતાએ પણ જીવન ટૂંકાવ્યું

નવસારી16 દિવસ પહેલા
  • મોળાઆંબા ગામે પરિવારના 3 સભ્યોના સામૂહિક આપઘાતથી અરેરાટી
  • અગાઉ પણ યુવકે જીવન ટૂંકાવવા માટે ત્રણ વખત પ્રયાસો કર્યા હતા
  • મૃતક યુવકની પત્ની અને 3 વર્ષની દિકરીના કલ્પાંતથી ગામમાં ગમગીની

કોરોના મહામારીએ અનેક પરિવારના માળા વીંખી નાખ્યા છે. નવસારી જિલ્લાના વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોરોનાની સારવાર બાદ માનસિક રીતે અસ્થિર થયેલા યુવકે આંબાના ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો. વૃક્ષ પર જુવાનજોધ દિકરાની લાશ લટકતી જોઈને ભાંગી પડેલા માતા-પિતાએ પણ તેની નજીકની જ ડાળી પર લટકી જઈને જીવનનો અંત આણ્યો હતો.

કલાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતાં મૃતક યુવાનની બહેને શોધખોળ આદરી હતી. એ દરમિયાન આંબાના ઝાડ પર ભાઈ અને તેની બાજુમાં જ માતા-પિતાના મૃતદેહ લટકતા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં મોળાઆંબા ગામ અને વાંસદા તાલુકામાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતક યુવાનની પત્ની તથા ત્રણ વર્ષની બાળકીના કલ્પાંતથી ગમગીની વ્યાપી હતી.

યુવકે ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો

વાંસદા તાલુકાના મોળાઆંબા ગામમાં ગોપજી ઘોટાળ રહેતા હતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક વર્ષ પહેલાં પુત્ર યોગેશને કોરોના થયો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. જોકે સારવાર બાદ યોગેશ માનસિક રીતે અસ્થિર થઇ ગયો હતો અને ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતાએ તેને આપઘાત કરતા રોક્યો હતો અને આ બાબતે સતત તકેદારી રાખતાં હતાં.

પુત્રના આપઘાતથી માતા-પિતા પણ હિંમત હાર્યા

જાણે કે વિધિના લેખ કોઇ બદલી શકતું ન હોય એમ પરિવારની નજર ચૂકવીને ઘરથી થોડે દૂર આંબાના ઝાડ પર ગળાફાંસો ખાઈ યોગેશે જીવન ટૂંકાવી લીધું હતું. કલાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતાં માતા-પિતા તેની શોધખોળ કરવા લાગ્યાં હતાં. એ દરમિયાન ઘરની નજીક જ આંબા પરથી પુત્રની લાશ મળી આવી હતી. પુત્રના મૃતદેહને જોઇને માતા-પિતા આઘાતમાં સરી ગયાં હતાં. તેમણે પણ પુત્રના મૃતદેહ નજીક અલગ-અલગ ડાળી પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. માતા-પિતા અને ભાઈએ ફોન રિસીવ ન કરતાં દીકરી ચિંતામાં મુકાઈ હતી. ગોપજી ઘોટાળને બે દીકરી છે, જેમાંથી એક દીકરીને ગામમાં જ પરણાવી હતી.

દીકરીએ માતા-પિતા અને ભાઈના ખબર-અંતર પૂછવા ફોન કર્યો હતો, પરંતુ કોઇએ ફોન ન ઉપાડતાં તે ચિંતામાં મુકાઈ હતી. તેથી તેણે શોધખોળ કરતાં માતા-પિતા અને ભાઈનો મૃતદેહ મળી આવતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. આપઘાતની આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. મૃતક યોગેશભાઈની પત્ની અને 3 વર્ષની દીકરીના કલ્પાંતથી આકાશ ગુંજી ઊઠ્યું હતું.

બીમારીથી માનસિક અસ્થિર થઇ ગયો હતો
યોગેશ માનસિક રીતે અસ્થિર થઈ ગયો હતો. આ બિમારીને લઈ યોગેશે અગાઉ ત્રણવાર ફાંસો ખાવાની કોશિશ પણ કરી હતી પરંતુ એમના પિતાએ જોઈ લેતા બચાવી લીધો હતો.

પિતા-ભાઇએ ફોન ન ઉપાડતા બહેન ઘરે આવી ને...
મૃતકની છોકરી ગામમાં જ લગ્ન કરેલા હોવાથી ભાઈ યોગેશ બિમાર રહેતા રોજ પિતાને ફોન કરીને ખબર પૂછતી હતી. 31મી ઓગસ્ટે સવારે ફોન કરતા પિતા અને ભાઈ બન્ને જણા ફોન નહીં ઉપાડતા ઘરે આવીને જોતા ત્રણે અલગ અલગ ઝાડ ઉપર લટકતા જોતા પરત ઘરે આવી પતિ સાથે અને ગામના આગેવાનો સાથે ઘટનાસ્થળે આવીને જોતા પ્રથમ પુત્રી રસીલાને ખબર પડી હતી. યોગેશની પત્ની અને તેની દિકરી નોધારા બન્યા છે.

પરિવારમાં આર્થિક સંકટ કે અણબનાવ ન હતો
મોળાઆંબા ગામના ટાંકી ફળિયામાં માતા-પિતા અને પુત્ર એકસાથે ફાંસો ખાતાની જાણ થતાં તાત્કાલિક વાંસદા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારમાં કોઈ સાથે અણબનાવ ન હતો અને આર્થિક સંકટ પણ ન હતુ. છોકરો બીમારીમાં સપડાયા બાદ માનસિક અસ્થિર થઈ ગયું હતું. > રોહિત શાંતિલાલ ગવલી, સરપંચ મોળાઆંબા

અન્ય સમાચારો પણ છે...