ભાર વિનાનું ભણતર:નવસારીની સંસ્કાર ભારતી શાળાની અનોખી પહેલ, જૂના વર્ષના પુસ્તકો આપી નવા વર્ષના પુસ્તકો મફત લઈ જાવ

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓની પુસ્તકોની જરૂરિયાત સંતોષવા નવો આઈડિયા
  • 1430 જેટલા વિદ્યાર્થીઓને શાળા શરૂ થાય તે પહેલાં નિઃશુલ્ક પુસ્તકો અપાયા

કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉન અને ત્યારબાદ આંશિક લોકડાઉનને કારણે મધ્યમવર્ગીય પરિવારોની આર્થિક પરિસ્થિતિ અતિ વિકટ બની છે. ઘરનો નિર્વાહ કરવા માટે માંડ બે છેડા ભેગા થાય છે. ત્યાં બાળકોનો શૈક્ષણિક ખર્ચ ક્યાંથી કાઢવો તેની ચિંતાથી વાલીઓ ઘેરાયા છે. ત્યારે નવસારીની સંસ્કાર ભારતી શાળાએ વાલીઓના શેક્ષણિક ખર્ચમાં ઘટાડો કરવા એક નવી પહેલની શરૂઆત કરી છે.

કોરોનાએ દરેક લોકોને એકબીજાની મદદ કરવાનો બોધપાઠ આપ્યો છે. ત્યારે સંસ્કાર ભારતી શાળાના વિદ્યાર્થીઓએ જેઓ હાલના વર્ષોમાં પાસ થયા છે. તેમણે પોતાના પુસ્તકો નીચલા વર્ગના વિદ્યાર્થીઓને આપીને વર્તમાન ધોરણના પુસ્તકો મફત મેળવી રહ્યા છે. આ મદદના અભિગમની સમગ્ર જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે નોંધ લેવાઈ રહી છે.

ભાર વિનાનું ભણતર જે નારો ગુજરાતમાં બુલંદ થયો હતો તે સાચા અર્થમાં નવસારી જિલ્લામાં સાર્થક થઈ રહ્યો તેમ શાળા એ પુરવાર કર્યું છે મફત પુસ્તકો આપી પોતાના માટે મફત પુસ્તકો મેળવો પહેલ અન્ય શાળા માટે પ્રેરણાદાયી છે તેનાથી સૌથી મોટો ફાયદો વાલીઓને થવા પામ્યો છે અને તેમના આર્થિક ભારણ ઘટાડવા માં મદદ મળી છે

શાળાના પ્રિન્સિપાલ અતુલ ગજેરાના જણાવ્યા મુજબ, તેમણે ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે આ અભિગમની શરૂઆત કરી છે. જેમાં 07 જૂનથી શાળા શરૂ થઇ તે પહેલાં જ વિદ્યાર્થીઓ પાસે પોતાના ગત વર્ષના પુસ્તકો ઉઘરાવી લેવા માં આવ્યા હતા અને વર્તમાન ક્લાસમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. ઓનલાઈન એજ્યુકેશન ત્યારે જ શક્ય છે જ્યારે બાળકો પાસે પર્યાપ્ત પુસ્તકો હોય. રાજ્ય સરકાર ટેક્સ બુક ઉપલબ્ધ કરશે પણ તેને હજુ વાર છે તે પહેલા બાળકોની જરૂરિયાતને ધ્યાને લઇ આ ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અમારી શાળા 1430 જેટલા વિદ્યાર્થીઓને અમે સમયસર ટેક્સ બુક આપીને તેમના ઓનલાઇન એજ્યુકેશનની શરૂઆત કરી દીધી છે

શાળાની વિદ્યાર્થીની ધારા બારોટના જણાવ્યા મુજબ, હાલ તે માસ પ્રમોશનથી ધોરણ 10 પાસ કરી ધોરણ 11માં આવી છે, ત્યારે શાળાએ તેમને ઘરે રહીને શાંતિથી ભણી શકે તે માટે પુસ્તકો ઉપલબ્ધ કરાવ્યા છે. જેથી તેમને ભણવામાં હાલ સરળતા પડી રહી છે અને અભ્યાસક્રમ પણ નિયમિત ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...