જિલ્લામાં સરેરાશ વરસાદ 95%:ખોબા જેટલા નવસારી જિલ્લામાં અસમાન વરસાદ, નવસારીમાં 104% પડી ગયો તો વાંસદામાં 79% જ

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લાનો સરેરાશ વરસાદ 69.5 ઈંચ થઈ ગયો, સપ્ટેમ્બરમાં પડેલ 26.5 ઈંચ વરસાદના કારણે મોટાભાગની ઘટ પુરી

સપ્ટેમ્બરમાં પડેલ પાછોતરા વરસાદથી નવસારીમાં તો 100 ટકા વરસાદ પડી ગયો છે પણ જિલ્લાના સરેરાશ વરસાદમાં હજુ 6 ટકાની ઘટ છે. ખોબા જેટલો ખૂબ નાનો જિલ્લો હોવા છતાં તાલુકાવાર વરસાદની અસમાનતા રહી છે. નવસારી જિલ્લામાં ઓગસ્ટ મહિના સુધી વધુ વરસાદ પડ્યો ન હતો. સરેરાશ માત્ર 42.5 ઈંચ જ વરસાદ પડ્યો હતો અને 30 વર્ષના સરેરાશ 73 ઈંચ વરસાદ સામે માંડ 58 ટકા જ વરસાદ પડ્યો હતો. જોકે સપ્ટેમ્બર મહિનામાં પડેલ 26.5 ઈંચ વરસાદના કારણે 95 ઈંચ વરસાદ હવે થઈ ગયો છે.

જોકે જિલ્લામાં આવેલ 6 તાલુકામાં તમામમાં સ્થિતિ એકસરખી નથી. સૌથી વધુ વરસાદ ખેરગામ અને જિલ્લા મથક નવસારીમાં પડ્યો છે. અગાઉના 30 વર્ષના સરેરાશ કરતા ખેરગામમાં 105 ટકા તો નવસારીમાં 104 ટકા પાણી પડી ગયું છે. ગણદેવીમાં પણ 99 ટકાથી વધુ 100 ટકાની નજીક જ વરસાદ પડી ગયો છે.

અન્ય 3 તાલુકામાં અગાઉના વર્ષો કરતા હજુ ઘટ છે. જેમાં ચીખલીમાં 7 ટકાની, જલાલપોરમાં 12 ટકાની તો જંગલ વિસ્તાર ગણાતા વાંસદામાં તો 21 ટકાની હજુ ઘટ છે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાનો 30 વર્ષનો સરેરાશ વરસાદ 73 ઈંચ છે,જેની સામે 69.5 ઈંચ (95 ટકા)પડી ગયો છે.

દોઢ દિવસ બાદ કેટલાક વિસ્તારમાં વરસાદ
નવસારી જિલ્લાના તમામ તાલુકામાં શુક્રવારે દિવસે અને રાત્રે લગભગ બિલકુલ વરસાદ પડ્યો ન હતો. શનિવારે પણ સાંજે 4 વાગ્યા સુધી નહીંવત વરસાદ પડ્યો હતો. જોકે, 4 વાગ્યા બાદ કેટલાક વિસ્તારમાં વાતાવરણ પલટાયું હતું. જેને લઇને 4થી 6 વાગ્યાના બે કલાક દરમિયાન ગણદેવીમાં 26મિમી અને ચીખલીમાં 13મિમી ઉપરાંત ખેરગામમાં બે અને વાંસદામાં પણ બે મિમિ વરસાદ નોંધાયો હતો. નવસારીમાં પણ વાદળછાયું વાતાવરણ બન્યું હતું.

ગત વર્ષ કરતા 14.5 ઇંચ હજુ ઓછો
આમ તો નવસારી જિલ્લામાં અગાઉના 30 વર્ષના સરેરાશ વરસાદની નજીક વરસાદ થઈ ગયો છે પરંતુ ગત વર્ષના વરસાદ કરતા હજુ ઓછો થયો છે. ગત 2020માં જિલ્લાનો સરેરાશ વરસાદ 84 ઈંચ થયો હતો, જેની સામે ચાલુ સાલ હજુ 14.5 ઈંચ ઓછો છે. અહીં ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓકટોબર મહિનામાં પણ નોંધનીય વરસાદ પડ્યો હતો.

ખરીફ પાકની સ્થિતિ એકંદરે સારી
વરસાદી મોસમ હવે પૂર્ણ થવા તરફ જઈ રહી છે ત્યારે જિલ્લામાં ખરીફ પાકની સ્થિતિ એકંદરે સારી હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. અતુલ ગજેરાએ જણાવ્યું હતું. 54 હજાર હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેમાં મુખ્યત્વે વધુ વાવેતર ડાંગરનું છે. જિલ્લામાં નવસારી-જલાલપોર તાલુકામાં તો ડાંગરનો પાક અન્ય જિલ્લા કરતા હવે વધુ પરિપક્વ પણ થઇ ગયો છે. વાંસદા વિસ્તારમાં સિઝન થોડી મોડી છે.

ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં હજુ 28 ટકાની ઘટ
ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાને અડીને આવેલા જંગલ, પર્વતોથી ઘેરાયેલા ડાંગ જિલ્લામાં પડતો આવ્યો છે. આમ તો ચાલુ સાલ ડાંગમાં સપ્ટેમ્બર મધ્ય સુધી તો પ્રમાણમાં ખુબ જ ઓછો વરસાદ પડ્યો હતો. જોકે છેલ્લા 15-20 દિવસમાં સ્થિતિ સુધરી છે. આમ છતાં અગાઉના વર્ષો કરતા તો હજુ ઓછો વરસાદ જ છે. આંકડાકીય વિગતો જોઈએ તો ડાંગ જિલ્લાનો 30 વર્ષનો સરેરાશ વરસાદ 95 ઈંચ છે. જેની સામે ચાલુ સાલ 68 ઈંચ પડ્યો છે. હજુ 28 ટકા વરસાદ અગાઉના વર્ષ કરતાં ઓછો છે.

અન્ય સમાચારો પણ છે...