કામગીરી:વાજપાઇ શોપિંગ સેન્ટરમાં ભાડૂઆતોનું અનધિકૃત બાંધકામ આખરે દૂર કરાયું

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 માસ બાદ નગરસેવિકાનું લેન્ડ ગ્રેબિંગ હેઠળ કેસ નોંધવા પાલિકાને સૂચન

નવસારી-વિજલપોર પાલિકામાં વિવાદાસ્પદ રહેલું વાજપાઇ શોપિંગ સેન્ટરના ભાડૂઆતો દ્વારા નગરપાલિકાના નિયમ વિરુદ્ધ જઇ ગેરકાયદે બાંધકામ કરી દઈ પાલિકાને લાખોનો ચૂનો ચોપડતા હતા. આ બાબતે રજૂઆત બાદ આખરે જૂન માસમાં પાલિકાએ ગેરકાયદે કરેલું વધારાનું બાંધકામ ઉપર હથોડો ઝીંક્યો હતો. 10 દિવસ બાદ આજ ભાડૂઆતો ગેરકાયદે રીતે એ જ જગ્યા પર કબજો લીધો હતો. આ બાબતે નવસારી પાલિકાના વોર્ડ નંબર-13ના નગરસેવિકાએ કલેક્ટર અને ચીફ ઓફિસરને બાંધકામ બાબતે લેખિતમાં અવગત કરાવી તુરંત કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

નવસારી-વિજલપોર પાલિકાની વોર્ડ નંબર-13ની નગરસેવીકા પ્રીતિ ધર્મેશ અમીને ચીફ ઓફિસરને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે અટલ બિહારી વાજપાઇ શોપિંગ સેન્ટરમાં કેટલાક ભાડૂઆતોએ વધારાની જગ્યા ઉપર દબાણ કરી ત્યાં પાકુ બાંધકામ કરી દઈ નવસારી-વિજલપોર પાલિકાના કરારમાં કરેલા નીતિ નિયમોનો ભંગ કર્યો હતો. 27મી જૂને પાલિકાએ વધારાનું ગેરકાયદે બાંધકામ દૂર કરાવ્યું અને જગ્યા ખુલ્લી કરાવી હતી. થોડા સમય બાદ આજ ભાગે દબાણ કરી દીધા હતા. જેને લઈ દબાણકર્તા વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગ કાયદા હેઠળ તમામ ગેરકાયદે બાંધકામ કરનારા સામે પગલાં લેવા ભલામણ કરી હતી.

કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરો
જે તે વખતે ગેરકાયદે બાંધકામ કરી દેતા ભાડૂઆતો પાલિકા કંઈ પગલાં નહીં લે તેવી ઇચ્છા રાખતા હતા. અમારી ફરિયાદ થયા બાદ પાલિકા ઉપર રેલો આવ્યો અને વધારાનું બાંધકામ તોડાયું પણ કેટલાક ભાડૂઆતોએ પાછુ બાંધકામ કરી પાલિકાને ખુલ્લી ચેલેન્જ કરી છે, જેના કારણે જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવનારા ભાડૂઆતો સામે લેન્ડગ્રેબિંગના કાયદા હેઠળ પગલાં ભરે તે માટે ફરિયાદ કરી છે. - પ્રીતિ અમીન, ફરિયાદ કરનાર

અન્ય સમાચારો પણ છે...