વાંસદા તાલુકાના ઉનાઈ નજીકના ચરવી ગામે ખોદકામ કરાયેલ રસ્તા પર પાથરેલ મેટલ વાહન ચાલકો માટે જોખમરૂપ બની છે. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો સ્લીપ થઈને પટકાઈ રહ્યા છે. ઉનાઈના ચરવી ગામે 4 મહિના પહેલા નવા રોડનું ખાતમુહૂર્ત કરી રોડ ખોદકામ કરી મેટલ પાથરવાની કામગીરી કરવામાં આવી હતી. જે બાદ રસ્તાની કામગીરી લાંબા સમયથી વિલંબમાં મુકાઈ જતા ગતરોજ ચરવી ગામનો વધુ એક બાઈક સ્લીપ થતા વાંસદા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી.
સ્થાનિક લોકોએ રસ્તાની ફરિયાદની જાણ કરતા મકાન માર્ગ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જેમને યોગ્ય પ્રકારે કામગીર કરવા રજૂઆત કરી હતી. સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ અહીં લગભગ 20થી વધુ લોકો વાહન સાથે સ્લીપ થતા અકસ્માતનો ભોગ બન્યા છે. જોકે મકાન માર્ગ વિભાગને સરપંચ મનિષ પટેલે સંપર્ક કર્યો હતો અને લોકોની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા તંત્ર સુધી અવાજ પહોંચાડવા અધિકારીઓને જાણ કરી સમસ્યાની ત્વરિત કામગીરી માટે જાણ કરી હતી. જેના પગલે અધિકારી સ્થળ પર પહોંચી અને તાત્કાલિક લોકોની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે કરવાની ખાતરી આપી હતી.
ક્વોરીની હડતાળને કારણે સમયસર કામ પૂર્ણ કરાયું નથી
રસ્તા બાબતે ઉભી થયેલી સમસ્યાનું જાતે સ્થળ નિરીક્ષણ કરી ત્રણ દિવસમાં કામગીરી ચાલુ કરવાની ખાત્રી આપી છે. ક્વોરીની હડતાળને કારણે સમયસર કામ પૂર્ણ કરાયું નથી. જોકે હવે પછી યુદ્ધના ધોરણે કામ પૂર્ણ કરવામાં આવશે અને ગ્રામજનોને પડતી હાલાકીનું નિરાકરણ કરવામાં આવશે. >ઋત્વિકાબેન, ના.કા.ઇ.માર્ગ-મકાન વિભાગ વાંસદા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.