જલાલપોર તાલુકાના એક ગામમાં લગ્નમાં બ્યુટી પાર્લરનું કામ કરવા ગયેલી બે યુવતી સામે ઘરવાળાઓએ સોનુ ચોરી કર્યાનો આરોપ લગાવ્યો હતો. જોકે બન્ને યુવતીને ઘરે જ બંધક બનાવી માનસિક ત્રાસ પણ આપ્યો, પરંતુ કોઇ વસ્તુ નહીં મળી આવતા આખરે પોલીસને રાત્રિના સમયે બોલાવી હતી. ચોરીનું કોઈ વસ્તુ નહીં મળવા છતાં દબાણ લાવવા માટે પોલીસ મથકે મામલો ગયો હતો.
જલાલપોર તાલુકાના એક ગામે લગ્નમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી બે યુવતીઓ મહિલાઓને તૈયાર કરવા ગઈ હતી. લગ્નની દોડભાગમાં સોનાના દાગીના ગુમ થતા શોધખોળ કરી હતી પણ નહી મળતા અંતે બ્યુટી પાર્લરની બે યુવતી ઉપર આ સોનાના દાગીના ચોરી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે યુવતીઓએ કહ્યું કે અમારી તપાસ કરો અને તપાસ કરતા દાગીના મળી આવ્યા ન હતા. રાત્રે ત્રણ કલાક સુધી બંને યુવતીઓને બંધ બનાવી હતી.
યુવતીના પરિવારજનોએ જણાવ્યું કે મારી દીકરીઓને વસ્ત્રહીન કરવામાં આવી તે દુઃખદ કહી શકાય. અંતે જલાલપોર પોલીસને જાણ કરતા રાત્રે લગ્નવાળા ઘરે જઈ તપાસ કરી પણ કંઈ મળી આવ્યું ન હતું. જોકે આ બાબતે સમાધાનકારી વલણ બન્ને પક્ષોએ નહીં અપનાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ ઘટના બાબતે જલાલપોર પંથકમાં આવેલા ગામોમાં ચકચાર મચી જવા પામી હતી.
બન્ને પક્ષોની ફરિયાદ મુજબ તપાસ થશે
બન્ને પક્ષોને સમજાવ્યા પણ તેઓ માન્યા ન હતા. લગ્ન જ્યાં હતા તેઓએ આક્ષેપ મુક્યો પણ પુરવાર નહીં થયો છતાં બન્ને યુવતીને ઘરે જવા દીધી ન હતી. આ બાબતે બન્ને પક્ષોની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી થશે. - કે.બી.દેસાઈ, ઇન્ચાર્જ પીઆઇ, જલાલપોર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.